ઘણીવાર લોકો નવો ફોન લોન્ચ થતાની સાથે જ તેને ખરીદવા માટે પડાપડી કરતા હોય છે. જો તમે પણ આ લિસ્ટમાં સામેલ છો તો સાવધાન થઈ જવાની જરૂર છે કારણ કે થોડી ધીરજ રાખવાથી તમારા હજારો રૂપિયાની બચત થઈ શકે છે. આજકાલ ટેકનોલોજીના જમાનામાં કંપનીઓ દર 6 મહિને નવા મોડલ માર્કેટમાં ઉતારી રહી છે જેના કારણે જૂના ફોનની વેલ્યુ ખૂબ જ ઝડપથી ઘટી જાય છે. આ જ કારણ છે કે લોન્ચિંગના 2થી 3 મહિનામાં જ મોંઘા સ્માર્ટફોન પર મોટા ડિસ્કાઉન્ટ મળવા લાગે છે.
કિંમતમાં આટલો ઝડપી ઘટાડો કેમ થાય છે?
માર્કેટમાં સતત વધી રહેલી કોમ્પિટિશનના કારણે કંપનીઓએ પોતાનું પોર્ટફોલિયો અપડેટ રાખવું પડે છે. મોટાભાગની બ્રાન્ડ્સ દર 3 કે 6 મહિને નવો હેન્ડસેટ લોન્ચ કરે છે. Samsung અને Google જેવી કંપનીઓ વર્ષમાં 2 વાર પ્રોડક્ટ્સ લોન્ચ કરે છે અને હવે Apple પણ આ જ રસ્તે ચાલી રહી છે. નવા મોડલ આવવાના કારણે કંપનીઓ પર જૂની ઇન્વેન્ટ્રી ખાલી કરવાનું દબાણ વધે છે. સ્ટોક ક્લિયર કરવા માટે કંપનીઓ સમયાંતરે ડિસ્કાઉન્ટ ઓફર આપે છે. તાજેતરમાં જ Google દ્વારા Pixel 10a લોન્ચ કરતા પહેલા Pixel 9aની કિંમતમાં 10,000નો ઘટાડો કરવામાં આવ્યો હતો.
E-commerce પ્લેટફોર્મ પર મળતી છૂટનો ફાયદો
વર્તમાન સમયમાં દરેક તહેવાર પર E-commerce વેબસાઈટ્સ સેલ લઈને આવે છે જેમાં લેટેસ્ટ મોડલ્સ પર પણ ભારે ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ હોય છે. જો તમે કોઈ ફોન લોન્ચ સમયે ફૂલ પેમેન્ટ આપીને ખરીદો છો તો તે જ ફોન થોડા મહિના પછી હજારો રૂપિયાના ઘટાડા સાથે મળી શકે છે. તેથી લોન્ચિંગના સમયે ઉતાવળ કરવાને બદલે થોડી રાહ જોવી વધુ સમજદારીભર્યું છે.
માત્ર થોડા જ મહિનામાં કિંમતોમાં ગાબડું
દાખલા તરીકે Google દ્વારા ગત વર્ષે ઓગસ્ટમાં Pixel 10 સિરીઝ લોન્ચ કરવામાં આવી હતી. લોન્ચિંગના 6 મહિના પણ પૂરા નહોતા થયા ત્યાં બેઝ મોડલ Pixel 10 પર 10,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળવાનું શરૂ થઈ ગયું હતું. તેવી જ રીતે સપ્ટેમ્બરમાં લોન્ચ થયેલી iPhone 17 સિરીઝ પર પણ વેલેન્ટાઈન ડેના અવસરે હજારો રૂપિયાનું કેશબેક આપવામાં આવ્યું હતું. આમ ટેકનિકલ માર્કેટમાં થોડો સમય રાહ જોવી તમારા ખિસ્સા માટે ફાયદાકારક સાબિત થાય છે.



















