Home International Sleeper Bus Fire Incidents Safety Experts On Design And Regulations

શા માટે સ્લીપર બસો ભડકે બળી રહી છે? : સામે આવ્યા બેદરકારીના અનેક મોટા કારણ, જાણો

શા માટે સ્લીપર બસો ભડકે બળી રહી છે?
Published by: OBS Bureau
Last Updated: Oct 29, 2025, 06:43 AM IST

તાજેતરના દિવસોમાં દેશના વિવિધ રાજ્યોમાં સ્લીપર બસોમાં લાગેલી આગની ઘટનાઓ વધતી જઈ રહી છે. તાજેતરમાં રાજસ્થાનના મનોહરપુરમાં બનેલી દુર્ઘટનાએ ફરી એકવાર મુસાફર બસોની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. મંગળવારે અંબાલાથી જતી એક ડબલ ડેકર બસ હાઇ ટેન્શન લાઇનના સંપર્કમાં આવતાં સળગી ઉઠી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે બસની છત પર ગેસ સિલિન્ડર અને અન્ય સામાન રાખવામાં આવ્યો હતો, જે પરિવહન નિયમોના ઉલ્લંઘન સમાન છે.

ભૂતપૂર્વ ડેપ્યુટી કમિશનર અને રોડ સેફ્ટી નિષ્ણાત અનિલ છિકારાના જણાવ્યા અનુસાર, આવી દુર્ઘટનાઓના મૂળ કારણોમાં બસમાં ઓવરલોડિંગ, ઇલેક્ટ્રિકલ સિસ્ટમનું તાપમાન વધવું, શોર્ટ સર્કિટ, નીચી ગુણવત્તાના મટિરિયલનો ઉપયોગ અને યોગ્ય જાળવણીનો અભાવ મુખ્ય છે. તેમણે જણાવ્યું કે ઘણી બસો એવી કંપનીઓ અથવા સ્થાનિક બોડી બિલ્ડરો દ્વારા બનાવવામાં આવે છે, જે સલામતીના માપદંડોનું પાલન નથી કરતા.

ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ ડીજીપી અને નોઈડા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીના ચાન્સેલર પ્રો. વિક્રમ સિંહના મતે, બસોના આંતરિક ભાગોમાં જ્વલનશીલ ફોમ, રેક્સિન અને સિલ્ક જેવા પદાર્થોનો ઉપયોગ આગના જોખમને અનેકગણો વધારી દે છે. તેમણે જણાવ્યું કે અયોગ્ય ડિઝાઇન, અજાણ ડ્રાઇવરોને હેવી લાઇસન્સ આપવું અને પરમિટ વિના બસો ચલાવવી એ પણ મોટું કારણ છે.

ઓલ ઇન્ડિયા મોટર એન્ડ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્ર કપૂરે જણાવ્યું કે મુસાફર બસોમાં માલસામાનનો પરિવહન કરવો અત્યંત જોખમી છે. જ્યારે ટ્રકો માટે માલની તપાસ અને દસ્તાવેજોની ચકાસણી ફરજિયાત હોય છે, ત્યારે મુસાફર બસોમાં આવી કોઈ વ્યવસ્થા નથી. જેસલમેરના અકસ્માતમાં ફટાકડાં, આંધ્રપ્રદેશમાં મોબાઇલ ફોન્સ અને મનોહરપુરના કેસમાં ગેસ સિલિન્ડર જેવી સામગ્રી આગના મુખ્ય સ્ત્રોત બની.

નિવૃત્ત મોટર લાઇસન્સિંગ અધિકારી નંદ ગોપાલે કહ્યું કે, બસ સંચાલકો મંજૂરી બાદ બસમાં બેઠકો વધારી દે છે અને ઇમરજન્સી એક્ઝિટ ગેટ બંધ કરી દે છે. આવી ડિઝાઇન મુસાફરોના જીવ માટે ખતરો બની રહે છે.

દિલ્હી ઇન્ટરસ્ટેટ બસ ઓપરેટર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી શ્યામ લાલ ગોલાએ કહ્યું કે મોટાભાગની બસો BS-6 મોડેલની છે અને તેમાં શોર્ટ સર્કિટની સમસ્યા વારંવાર જોવા મળે છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જો બધું નિયમ મુજબ થાય છે, તો પછી આવી બસોને મંજૂરી કેવી રીતે મળે છે.

છેલ્લા પંદર દિવસમાં દેશભરમાં પાંચ મોટી દુર્ઘટનાઓ બની છે જેમાં 50થી વધુ લોકોના મોત થયા છે.
14 ઓક્ટોબર: જેસલમેર-જોધપુર હાઇવે પર આગની ઘટનામાં 26 લોકો જીવ ગુમાવ્યા.
24 ઓક્ટોબર: આંધ્રપ્રદેશમાં બસ અને બાઇક વચ્ચે અકસ્માત પછી 20 લોકો જીવતા બળી ગયા.
25 ઓક્ટોબર: મધ્યપ્રદેશમાં બસમાં આગ લાગી પરંતુ મુસાફરો સમયસર બચી ગયા.
26 ઓક્ટોબર: આગ્રા એક્સપ્રેસવે પર ટાયર ફાટતાં બસમાં આગ લાગી, 70 મુસાફરોને બચાવવામાં આવ્યા.
28 ઓક્ટોબર: રાજસ્થાનના મનોહરપુરમાં હાઇ ટેન્શન લાઇનના સ્પર્શથી બસ સળગી ઉઠી, બે લોકોના મોત થયા.

નિષ્ણાતોના મત મુજબ હવે કડક નિયમન સમયની માંગ બની ગયું છે. બસોમાં સામાનનું પરિવહન સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવું જોઈએ, ડિઝાઇન અને ટેક્નિકલ નિરીક્ષણ દર છ મહિને ફરજિયાત થવું જોઈએ, અને દરેક બસમાં ઓછામાં ઓછા બે ઇમરજન્સી ગેટ તથા પૂરતી સંખ્યા માં અગ્નિશામક સિલિન્ડર હોવા જોઈએ. ડ્રાઇવરોને નિયમિત તાલીમ આપવામાં આવે અને પરિવહન વિભાગ સાથે પોલીસે સંયુક્ત રીતે નિરીક્ષણો વધારવા જોઈએ.

આ દુર્ઘટનાઓએ સાબિત કર્યું છે કે મુસાફરોની સુરક્ષા માટેના કાયદા તો છે, પરંતુ તેમની અમલવારી માટે હજી કડક પગલાં લેવાની જરૂર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
બાંગ્લાદેશમાં ભયાનક દુર્ઘટના
હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો મોટો નિર્ણય
યુદ્ધની અસર હવે સીધી ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર
અમેરિકાના શસ્ત્રાગારમાં મિસાઈલોની અછત વર્તાઈ
પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળા વધુ વિકરાળ બની