logo-img
Silver Thieves From Rajkot Caught In Ahmedabad

અમદાવાદમાંથી ઝડપાયા રાજકોટના ચાંદી ચોર! : પ્રદીપ, માંગુ અને રાજુ ભોજક પોલીસ સકંજામાં, મુખ્ય આરોપી મુકેશ પ્રજાપતિ પોલીસ પક્કડથી દૂર

અમદાવાદમાંથી ઝડપાયા રાજકોટના ચાંદી ચોર!
Published by: Offbeat Team
| Last Updated: Feb 11, 2026, 02:06 PM IST

રાજકોટમાં થયેલી ચાંદી ચોરીએ ભારે હંગામો મચાવ્યો હતો. આ કેસમાં એક બાદ એક આરોપીઓની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી રહી છે. 120 કિલો ચાંદી લઈને ગાયબ થયેલા ગઠિયાઓ ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં આવી રહ્યાં છે. રાજકોટ તેમજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચાંદી ચોરીમાં સંડોવાયેલા આરોપીઓને દબોચવામાં આવી રહ્યાં છે. બે દિવસ પહેલા પકડેલા પ્રદીપ પ્રજાપતિ બાદ હવે મંગુસિંગ નામના આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. જેમાં તેની પાસેથી ક્રાઈમ બ્રાંચની ટીમને 40 કિલો ચાંદી અને ચાંદી ઓગાળવાની ભઠ્ઠી મળી આવી છે.

પોલીસ દ્વારા પ્રદીપની ધરપકડ થઈ હતી બાદમાં માંગુસિંગ પણ સંકજામાં

વાત એમ છેકે, થોડા દિવસ પહેલાં રાજકોટમાં શક્તિ સિલ્વર નામની પેઢીમાંથી 120 કિલો થી વધુ ચાંદીના દાગીનાની ચોરીની ઘટના બની હતી. આ ઘટના બાદ રાજ્યભરની પોલીસ દોડતી થઈ ગઈ હતી. જેમાં બે દિવસ પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રદીપ પ્રજાપતિ નામના આરોપીની ધરપકડ કરી હતી, જેની પાસેથી 40 કિલો ચાંદીનો જથ્થો અને ચાંદી ઓગાળવાની ભઠ્ઠી મળી આવી હતી. પ્રદીપ પ્રજાપતિ ચાંદી ચોરીના મુખ્ય આરોપી મુકેશ પ્રજાપતિનો પિતરાઈ ભાઈ હતો. તેણે ચોરીનો મુદ્દામાલ મુકેશ પ્રજાપતિના કહેવાથી સાચવી રાખ્યો હતો. જેની પૂછપરછમાં સામે આવ્યું કે ચાંદી ચોરીની ઘટના બાદ મુખ્ય આરોપી મુકેશ પ્રજાપતિ દ્વારા 80 કિલો જેટલો ચાંદીનો જથ્થો પ્રકાશ પ્રજાપતિને સાચવવા આપ્યો હતો. જેમાંથી પ્રકાશ પ્રજાપતિએ 40 કિલો ચાંદી બુલિયનના વેપારી રાઠોડ બુલિયન નામની પેઢી ધરાવનાર માંગુસિંગ રાઠોડને આપ્યોં હતો. જેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માંગુસિંગ રાઠોડના ઘરે તપાસ કરવામાં આવી. જ્યાંથી ક્રાઈમ બ્રાન્ચની ટીમને 40 કિલો ચાંદીનો મુદ્દામાલ તેમજ ચાંદીના ઘરેણા ગાળવા માટેના સાધનો અને ભઠ્ઠી મળી આવી છે. આ કેસમાં ફરાર આરોપી મંગુસિંગ પણ પોલીસના સકંજામાં આવી ગયો છે.

મુખ્ય આરોપી મુકેશ પ્રજાપતિ પોલીસ પક્કડથી દૂર

પોલીસની પ્રાથમિક તપાસ અને આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી પ્રદીપ દ્વારા માંગુસિંગને જે 40 કિલો ચાંદી આપવામાં આવી હતી તે બાદ પોલીસ દ્વારા પ્રદીપની ધરપકડ થઈ હતી જેથી માંગુસિંગ પોતાનો ફોન બંધ કરી ઘરને લોક કરી ફરાર થઈ ગયો હતો. આરોપી પ્રદીપ પ્રજાપતિ એડવોકેટ વિક્રમસિંહ દેવુસિંહ રાજપુત થકી માંગુસિંગના સંપર્કમાં આવ્યો હતો. ચાંદી ચોરીના મુખ્ય આરોપી મુકેશ પ્રજાપતિના કહેવાથી આરોપી પ્રદીપ પ્રજાપતિએ માંગુસિંગને 40 કિલો ચાંદીનો જથ્થો ઓગાળવા માટે આપ્યો હતો, જેમાંથી માંગુસિંગ દ્વારા 10 કિલો ચાંદીનો જથ્થો ઓગાળી પરત આપ્યો હતો. મુખ્ય આરોપી મુકેશ પ્રજાપતિ એડવોકેટ વિક્રમસિંહ થકી માંગુસિંગના સંપર્કમાં આવ્યો હતો. ચોરી થયેલો ચાંદીનો જથ્થો માંગુસિંગને ઓગાળી આપ્યા બાદ તેને 10% રકમ આપવાનું નક્કી થયું હતું. આરોપી માંગુસિંગ અને એડવોકેટ વિક્રમસિંહ છેલ્લા સાત વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા અને તેના થકી જ મુકેશ તેમજ પ્રદીપ પ્રજાપતિને માંગુસિંગનો સંપર્ક થયો હતો.

કારના માલિક બુટલેગર રાજુ ભોજકની ધરપકડ

બીજી તરફ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પણ ચાંદી ચોરીના કેસમાં વપરાયેલી ક્રેટા કારના માલિક બુટલેગર રાજુ ભોજકની ધરપકડ કરી તેની પાસેથી 31 કિલોથી વધુ ચાંદી કબજે કરી છે. સાથે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચોરીનો મુદ્દામાલ સગેવગે કરનાર બે આરોપીની પણ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં છે. ત્યારે હજી આ કેસનો મુખ્ય આરોપી મુકેશ પ્રજાપતિ પોલીસને હાથ લાગ્યો નથી. જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ પોલીસ હવે આરોપી માંગુસિંગ અને મુખ્ય આરોપી મુકેશ વચ્ચેની કડી એડવોકેટ વિક્રમસિંહની શોધખોળ કરી તેની પૂછપરછ કરશે અને જો ચાંદી ચોરીના કેસમાં તેની સંડોવણી સામે આવશે તો તેને પણ જેલની હવા ખાવાનો વારો આવશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now