વડોદરા શહેરના સંવેદનશીલ ગણાતા નાગરવાડા વિસ્તારમાં આજે એક અજાણી મહિલાએ ભારે હંગામો મચાવતા સ્થાનિકોમાં કુતૂહલ અને દોડધામ મચી ગઈ હતી. શાક માર્કેટ પાસે આવેલી મસ્જિદમાં અચાનક ઘૂસી ગયેલી આ મહિલાએ હાઈવોલ્ટેજ ડ્રામા સર્જ્યો હતો. સમગ્ર મામલે સ્થાનિકોએ સતર્કતા દાખવી પોલીસને જાણ કરતા મોટી દુર્ઘટના ટળી હતી.
મસ્જિદમાં એન્ટ્રી અને કુરાનની માંગ
મળતી માહિતી મુજબ, વડોદરાના નાગરવાડા શાક માર્કેટ પાસે આવેલી મસ્જિદમાં એક અજાણી મહિલા અચાનક ઘૂસી ગઈ હતી. તે સતત બંગાળી ભાષામાં વાત કરી રહી હતી અને ત્યાં હાજર લોકો પાસે કુરાનની માંગણી કરતી હતી. મહિલાની અજીબોગરીબ હરકતો અને તેની અજાણી ભાષા જોઈને લોકોમાં ગભરાટ ફેલાયો હતો. મસ્જિદની ગરિમા જળવાઈ રહે તે હેતુથી સ્થાનિકોએ તાત્કાલિક કારેલીબાગ પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરી હતી.
પોલીસ વાહન નીચે ઘૂસી જવાનો હિંસક પ્રયાસ
કારેલીબાગ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે મહિલાએ વધુ હોબાળો મચાવ્યો હતો. પોલીસ તેને સમજાવીને લઈ જવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે અચાનક જ મહિલાએ પોલીસના વાહન નીચે ઘૂસી જવાનો અને આત્મઘાતી કદમ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો.
મહિલાની આ હરકતથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જોકે, પોલીસે અને સ્થાનિક રહીશોએ સમયસૂચકતા વાપરીને અત્યંત મહેનત બાદ મહિલાને સુરક્ષિત રીતે વાહન નીચેથી બહાર કાઢી હતી.
બાંગ્લાદેશી હોવાની શંકા: પોલીસ દ્વારા સઘન પૂછપરછ
પોલીસ મહિલાને વધુ પૂછપરછ માટે કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઈ છે. પ્રાથમિક તપાસમાં મહિલા બંગાળી ભાષા બોલતી હોવાથી તે બાંગ્લાદેશી નાગરિક હોવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. તે વડોદરામાં ક્યારે આવી? કોની સાથે આવી? અને મસ્જિદમાં ઘૂસવા પાછળનો તેનો અસલી ઈરાદો શું હતો? તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: રાજ્યની 53 હજાર આંગણવાડી બહેનોને થશે મોટો લાભ : ગુજરાત સરકારે કર્યું છે વિશેષ આયોજન
શહેરના પોલીસ બેડામાં આ ઘટનાને લઈને ચર્ચાઓ જાગી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મહિલાની ઓળખ પ્રસ્થાપિત કરવાની અને તેના દસ્તાવેજો ચકાસવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ બાદ જ આ સમગ્ર મામલે વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે.





