Vaodara LPG Shortage: હાલમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસરોને પગલે બજારમાં રાંધણ ગેસની કૃત્રિમ અછત ઊભી થવાની ભીતિ સેવાઈ રહી છે. આ તકનો લાભ ઉઠાવી કાળાબજાર કરતા લેભાગુ તત્વો સક્રિય બન્યા છે. આવા જ એક કૌભાંડ પર વડોદરા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) એ ત્રાટકીને ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે.
વાહનોની આડમાં ચાલતું હતું નેટવર્ક
SOG ની ટીમને બાતમી મળી હતી કે ઉંડેરા-કોયલી રોડ પર આવેલા આદર્શ ડાઇનિંગ હોલની પાછળ એક ખુલ્લા કમ્પાઉન્ડમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે. પોલીસના દરોડા દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ પાર્ક કરેલા વાહનોની આડમાં ઘરેલુ ગેસના સિલિન્ડરોમાંથી ગેસ ચોરી કરી અન્ય બોટલોમાં રિફિલિંગ કરવાનું જોખમી કૌભાંડ ચલાવી રહ્યા હતા.
એક શખ્સની ધરપકડ, મુદ્દામાલ જપ્ત
પોલીસે સ્થળ પરથી જિતેન્દ્ર બારીયા નામના શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે તે ઘરેલુ ગેસના બોટલોમાંથી ગેસ ચોરી કરી તેને ગેરકાયદેસર રીતે વેચવાનું નેટવર્ક ચલાવતો હતો. પોલીસ કાર્યવાહી દરમિયાન નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે:
40 જેટલા રાંધણ ગેસના બોટલો (ભરેલા અને ખાલી)
એક ટેમ્પો અને ડિજિટલ વજન કાંટો
ગેસ રિફિલિંગ માટે વપરાતા અન્ય સાધનો
કુલ અંદાજિત કિંમત: ₹1,98,000
જોખમી કામગીરી સામે પોલીસની કડક કાર્યવાહી
ખુલ્લા મેદાનમાં અને રહેણાંક વિસ્તારની નજીક આ રીતે ગેસ રિફિલિંગ કરવું એ અત્યંત જોખમી છે, જેનાથી ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે છે. SOG એ તમામ મુદ્દામાલ જપ્ત કરી જિતેન્દ્ર બારીયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે અને આ જથ્થો ક્યાંથી મેળવવામાં આવતો હતો, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.





