સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) અને એકતા નગરની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી 1 એપ્રિલ 2026 થી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા પાસે યોજાતા પ્રખ્યાત લેસર શો અને નર્મદા આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓની સુવિધા અને વાતાવરણના ફેરફારને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
લેસર શો અને નર્મદા આરતીનો નવો સમય
નવા શેડ્યૂલ મુજબ, હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરનો પ્રોજેક્શન મેપિંગ શો (લેસર શો) રાત્રે 07:30 કલાકે શરૂ થશે. આ અદભૂત શોમાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવન કવનને અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા પ્રતિમા પર કંડારવામાં આવે છે. લેસર શો પૂર્ણ થયા બાદ ભક્તો અને પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ સમાન નર્મદા મહાઆરતીનો પ્રારંભ રાત્રે 08:15 કલાકે થશે. ઉનાળાની શરૂઆત અને દિવસ લાંબો થવાને કારણે અંધારું મોડું થતું હોવાથી આ ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી પ્રવાસીઓ શોનો આનંદ વધુ સારી રીતે માણી શકે.
પ્રવાસીઓ માટે નિઃશુલ્ક બસ સેવા
સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી અને શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે પરિવહનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. લેસર શો જોયા બાદ પ્રવાસીઓ સમયસર નર્મદા આરતીના સ્થળે પહોંચી શકે તે માટે પ્લેટફોર્મ નંબર-1 થી સ્પેશિયલ બસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ બસ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે. એટલું જ નહીં, આરતી પૂર્ણ થયા પછી પ્રવાસીઓને તેમના નિયત પાર્કિંગ સ્થળ સુધી પહોંચાડવા માટે પણ પરત બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.
રાત્રિ રોકાણ કરતા પ્રવાસીઓને થશે મોટો ફાયદો
સમયમાં કરવામાં આવેલા આ ફેરફારને કારણે હવે પ્રવાસીઓ ઉતાવળ વગર બંને કાર્યક્રમોનો લ્હાવો લઈ શકશે. વહીવટી તંત્રએ પ્રવાસીઓને અપીલ કરી છે કે તેઓ આ નવી સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને પોતાની મુલાકાતનું આયોજન કરે. ખાસ કરીને જે લોકો એકતા નગરમાં રાત્રિ રોકાણ કરે છે, તેમના માટે આ નવો સમય વધુ અનુકૂળ રહેશે.





