Satadhar Dham: જુનાગઢ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ સતાધાર ધામ (સંત આપાગીગાની જગ્યા) હવે માત્ર આધ્યાત્મિક સ્થળ નથી, પરંતુ વૈકલ્પિક ઊર્જા અને આત્મનિર્ભરતાનું જીવંત પ્રતીક બન્યું છે. અહીં સંધ્યા આરતીની પવિત્ર જ્વાળા સાથે આત્મનિર્ભરતાની જ્યોત પણ પ્રજ્વલિત થઈ રહી છે.
સતાધાર ધામમાં ગુજરાતના સૌથી મોટા સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ્સ કાર્યરત છે. અહીં 1000 ગાયોના છાણમાંથી ઉત્પન્ન થતા બાયોગેસથી રોજ સરેરાશ 10 હજાર યાત્રાળુઓનું ભોજન તૈયાર થાય છે. હાલમાં 85 ઘનમીટર પ્રતિદિવસ ક્ષમતાના ચાર પ્લાન્ટ કાર્યરત છે અને વધુ બે નવા પ્લાન્ટનું નિર્માણ ચાલુ છે. રોજ 8 હજાર કિલો છાણનો ઉપયોગ થાય છે.
પહેલાં લાકડું અને સિલિન્ડર, હવે સંપૂર્ણ આત્મનિર્ભરતા
સંસ્થાના વ્યવસ્થાપકોએ જણાવ્યું કે, બાયોગેસ પ્લાન્ટ લાગ્યા પહેલાં રસોડામાં રોજ 800 થી 900 કિલો લાકડું અથવા 10 થી 15 સિલિન્ડર વપરાતા હતા. હવે સંપૂર્ણ રસોઈ માત્ર બાયોગેસથી જ થાય છે. બાયોગેસ પ્લાન્ટમાંથી નીકળતી સ્લરીનો ઉપયોગ ખેતીમાં ઉત્તમ સજીવ ખાતર તરીકે થાય છે. સતાધારના મહંત વિજયબાપુએ કહ્યું, “અમે રસોઈ માટે સંપૂર્ણપણે આત્મનિર્ભર છીએ. આ ઉપરાંત પર્યાવરણ સુરક્ષિત રાખવા અને ખેતીને પોષવામાં પણ આ મોડલ મદદરૂપ થઈ રહ્યું છે.”
આ પણ વાંચો: વડોદરાના 17 વર્ષીય જૈનિલની અનોખી શોધ : ફાઈટર જેટ પાયલોટો માટે બનાવી ‘જીવનરક્ષક’ ઓટો લોકિંગ કેનોપી સિસ્ટમ
ગુજરાતમાં બાયોગેસનો વિકાસ
ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA)ની ‘સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ યોજના’ હેઠળ ગૌશાળા, પાંજરાપોળ, શૈક્ષણિક સંસ્થાઓ અને ચેરિટેબલ ટ્રસ્ટોને સબસિડી આપવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં કુલ 193 સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટ સ્થપાયા છે, જેની કુલ ક્ષમતા 13,955 ઘનમીટર પ્રતિદિવસ છે. યોજના હેઠળ 25, 35, 45, 60 અને 85 ઘનમીટર ક્ષમતાના પ્લાન્ટ માટે સહાય આપવામાં આવે છે — બિનનફાકીય સંસ્થાઓને 75% અને નફાકીય સંસ્થાઓને 50% સુધીની સબસિડી.
વર્તમાન વર્ષ 2025-26માં ₹12 કરોડની જોગવાઈ સાથે આશરે 60 પ્લાન્ટ સ્થાપવાની પ્રક્રિયા ચાલુ છે. આગામી વર્ષ 2026-27માં પણ ₹12 કરોડની જોગવાઈ સાથે 60 વધુ પ્લાન્ટનું આયોજન છે.
PM અને મુખ્યમંત્રીની દૂરદ્રષ્ટિ
PM નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત વૈકલ્પિક ઊર્જાના ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સંસ્થાઓને ઊર્જા સ્વાવલંબી બનાવવો, પર્યાવરણ પ્રદૂષણ ઘટાડવું અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.સતાધાર ધામ આ મોડલનું સુંદર ઉદાહરણ છે — જ્યાં ધાર્મિક સેવા સાથે પર્યાવરણ અને આત્મનિર્ભરતાની સેવા એકસાથે ચાલી રહી છે.





