Canopy System: એક તરફ ભારતીય વાયુસેનાના જાંબાઝ પાયલોટો આકાશમાં દેશની સુરક્ષા કરી રહ્યા હોય છે, તો બીજી તરફ વિમાન અકસ્માતમાં તેમના જીવ જોખમમાં આવી જાય છે. આવી જ એક દુર્ઘટનાએ વડોદરાના 17 વર્ષીય જૈનિલ ચાંપાનેરિયાને હલાવી દીધો અને તેણે એક એવી ટેકનોલોજી વિકસાવી છે જે આવી ઘટનાઓને ઘટાડી શકે છે.
રાજસ્થાનના ચુરુમાં જગુઆર ફાઈટર જેટના અકસ્માતમાં ટેકનિકલ ખામીને કારણે એક પાયલોટે જીવ ગુમાવ્યાના સમાચારે જૈનિલને ઊંડી અસર કરી. ત્યારથી તેણે છેલ્લા 15વર્ષના વિમાન અકસ્માતોનો વિગતવાર અભ્યાસ કર્યો. આ અભ્યાસ પછી તેણે વિકસાવી ALCAS (Auto Locking Canopy Activation System) – એક મિકેનિકલ બેકઅપ સિસ્ટમ જે ફાઈટર જેટની કેનોપીને આપોઆપ લોક કરી દે છે. તેની આ અદભૂત સિદ્ધિને 'ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ'માં સ્થાન મળ્યું છે.
શું છે આ ખાસ ટેકનોલોજી?
સામાન્ય રીતે ફાઈટર જેટમાં ઇમરજન્સી સમયે જો ઇલેક્ટ્રિકલ કે હાઈડ્રોલિક સિસ્ટમ નિષ્ફળ જાય, તો પાયલોટ સુરક્ષિત રીતે ઈજેક્ટ (પ્લેનમાંથી બહાર નીકળવું) થઈ શકતા નથી. પાયલોટને બહાર નીકળવા માટે કોકપિટની ઉપર રહેલું ગ્લાસ સ્ટ્રક્ચર (કેનોપી) લોક હોવું અત્યંત જરૂરી છે. જો તે લોક ન થાય, તો પેરાશૂટ ખુલી શકતું નથી. જૈનિલે છેલ્લા ૧૫ વર્ષના વિમાન અકસ્માતોનો ગહન અભ્યાસ કરીને એક મિકેનિકલ બેકઅપ સિસ્ટમ તૈયાર કરી છે, જે પાવર ફેલ્યોરની સ્થિતિમાં પણ કેનોપીને લોક કરી પાયલોટને સુરક્ષિત બહાર કાઢવામાં મદદરૂપ થશે.
DRDO સાથે મળીને ટેકનોલોજી પર કાર્યરત
ડિપ્લોમા એરોનોટિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો જૈનિલ હાલમાં આ ટેકનોલોજીને ભારતીય વાયુસેનામાં અમલી બનાવવા માટે DRDO (સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન) ના માર્ગદર્શન હેઠળ કામ કરી રહ્યો છે. આ સિસ્ટમ માટે તેણે પેટન્ટ પણ દાખલ કરી છે.
પાયલોટો માટે મજબૂત સુરક્ષા કવચ
ફાઈટર પ્લેનમાં જ્યારે ઈમરજન્સી સિચ્યુએશન આવે ત્યારે કેનોપીનું લોક હોવું અનિવાર્ય છે. અત્યારે એરક્રાફ્ટમાં ઇલેક્ટ્રિકલ અને હાઇડ્રોલિક પાવર હોવા છતાં ઘણીવાર કેનોપી પૂરી રીતે ઓપન થતી નથી. મેં જે મિકેનિકલ બેકઅપ સિસ્ટમ બનાવી છે તે આવી નિષ્ફળતાના સમયે પાયલોટો માટે મજબૂત સુરક્ષા કવચ પૂરું પાડશે." - જૈનિલ ચાંપાનેરિયા, વિદ્યાર્થી-એન્જિનિયર
આ સિસ્ટમની મુખ્ય વિશેષતાઓ
આ સિસ્ટમને ચલાવવા માટે કોઈ ઇલેક્ટ્રિક પાવર કે બેટરીની જરૂર નથી.
ઇમરજન્સીના સમયે આ સિસ્ટમ માઇક્રો-સેકન્ડ્સમાં કાર્યરત થઈ જાય છે.
જગુઆર કે મિરાજ જેવા જુના ફાઈટર જેટ્સમાં પણ આસાનીથી લગાવી શકાય છે.
ખાસ એલોય મેટલનો ઉપયોગ થયો હોવાથી વિમાનના વજનમાં વધારો થતો નથી.
રાષ્ટ્રીય સ્તરે ગૌરવજૈનિલે રાષ્ટ્રીય હેકાથોનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને પોતાની પ્રતિભા સાબિત કરી છે. 17 વર્ષના આ કિશોરની દૂરંદેશી અને મહેનત આવનારા સમયમાં ભારતીય વાયુસેનાના પાયલોટો માટે જીવનરક્ષક સાબિત થશે તે નક્કી છે. દેશની સંરક્ષણ ક્ષમતામાં આ સ્વદેશી ટેકનોલોજી એક મોટું પરિવર્તન લાવી શકે છે.





