અમદાવાદના નરોડા વિસ્તારમાં એક યુવતી પર એસિડ હુમલાની ઘટનાએ ચકચાર મચાવી છે. સાંજે પોતાની રોજિંદી કામગીરી પૂરી કરીને ઘરે પરત ફરી રહેલી યુવતી પર અજાણ્યા શખ્સે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ બનાવ પછી વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ જોવા મળ્યો હતો.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, યુવતી જ્યારે નરોડા વિસ્તારના ગેલેક્સી ચાર રસ્તા પર જઈ રહી હતી ત્યારે બાઈક પર આવેલા વ્યક્તિએ પાછળથી આવી તેના પર એસિડ જેવી અસર એટેક કર્યો હતો. હુમલો એટલો અચાનક હતો કે યુવતીને બચવાનો ખાસ સમય મળ્યો નહોતો. જોકે, તેણીએ ચહેરા પર દુપટ્ટો બાંધ્યો હતો અને ચશ્મા પહેર્યા હોવાથી ગંભીર ઈજાથી મોટા પ્રમાણમાં બચાવ થયો હતો. તેમ છતાં હોઠ અને આંખની આસપાસ દાઝવાના નિશાન જોવા મળ્યા છે.
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા અને તરત જ યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી. તબીબોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલુ છે અને હાલ તેની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે.
CCTV ફૂટેજ અને નિવેદનોના આધારે તપાસ
આ બનાવ અંગે પોલીસને જાણ થતાં જ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન CCTV ફૂટેજ અને સ્થાનિક લોકોના નિવેદનોના આધારે આરોપીની ઓળખ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. પ્રાથમિક તબક્કે હુમલાખોરની ઓળખ જાહેર થઈ નથી, પરંતુ વ્યક્તિગત વિવાદ સહિતના તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
હુમલાનું કારણ અકબંધ
આ ઘટના પાછળના કારણો હજુ સુધી સ્પષ્ટ થયા નથી. પરિવારજનોએ કેટલીક શંકાઓ વ્યક્ત કરી હોવાની ચર્ચા છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસે પરિવાર અને ઓળખીતાઓની પણ પૂછપરછ શરૂ કરી છે.
શહેરમાં આવી પ્રકારની ઘટના સામે આવતા સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ પ્રશ્નો ઉઠ્યા છે. પોલીસ દ્વારા આરોપીને ઝડપવા માટે વિવિધ દિશામાં તપાસ ચાલુ રાખવામાં આવી છે અને ટૂંક સમયમાં સત્ય બહાર આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સરદારનગર પોલીસ હાય હાય ના સુત્રોચાર
સરદારનગર પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. સરદાર નગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. જ્યારે આ બનાવ ને લઇ લોકો પોલીસ મથકે પહોંચ્યા હતા તેમજ સરદાર નગર પોલીસ હાય હાય ના સુત્રોચાર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા કરવામાં આવતી મહિલા સશક્તિકરણની વાતો ના દાવા આ ઘટના થી પોકળ સાબિત થયા હોય તેમ લાગી રહ્યું છે. સરદાર નગર વિસ્તારમાં સ્થાનિક પોલીસની ગુનાખોરી અને ગેરકાનૂની પ્રવુતિ સામે સદતર નિષ્ફળ કામગીરી ને લઇ અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓ સ્થાનિક પોલીસ વિરુદ્ધ નબળી કામગીરી ને લઇ કડક એક્શન લે તેવી માંગ ઉઠી હતી. જોકે નવા પીઆઇ આવતા જ વિસ્તાર માં ક્રાઈમ રેટ ના વધારા પર અંકુશ ન હોય તેવા દ્રશ્યો સામે આવે છે.





