Sheikh Yusuf Afridi killed in Pakistan: પાકિસ્તાનમાં લશ્કરના ટોપ કમાન્ડર અને ISIS ના મોટા રિક્રૂટર (ભરતી કરનાર) શેખ યુસુફ આફ્રિદીની જાહેરમાં હત્યા કરવામાં આવી છે! ખૈબરમાં અજ્ઞાત હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કરીને તેને મોતને ઘાટ ઉતાર્યો. જાણો કોણ હતો આ આતંકી શેખ અને તેના મોતથી કેમ ખળભળાટ મચી ગયો છે?
પાકિસ્તાનના અશાંત સરહદી વિસ્તાર ખૈબર પખ્તુનખ્વાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લશ્કર-એ-તૈયબા (LeT) ના ટોપ કમાન્ડર અને ઈસ્લામિક સ્ટેટ (ISIS) માટે લડવૈયાઓની ભરતી કરનાર શેખ યુસુફ આફ્રિદીની અજ્ઞાત બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ ઘટના ખૈબરના લાંડી કોટલ વિસ્તારમાં બની છે, જ્યાં હુમલાખોરોએ આફ્રિદી પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા. આ હત્યા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને કોઈ જૂથે તેની જવાબદારી પણ સ્વીકારી નથી.
કોણ હતો શેખ યુસુફ આફ્રિદી?
शेખ યુસુફ આફ્રિદી માત્ર એક આદિવાસી વડીલ નહોતો, પરંતુ તે અહલે હદીસ (સલાફી) વિચારધારાનો એક પ્રભાવશાળી વિદ્વાન માનવામાં આવતો હતો. તે ઝખા ખેલ જનજાતિનો એક વગદાર સભ્ય હતો. જોકે, તેની ધાર્મિક ઓળખ પાછળ ઉગ્રવાદનું એક ઊંડું નેટવર્ક છુપાયેલું હતું. અહેવાલો મુજબ, આફ્રિદી લશ્કર-એ-તૈયબાની અંદર એક મોટા નેતા તરીકે કામ કરી રહ્યો હતો અને સાથે જ ‘ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રોવિન્સ’ (ISKP) માટે નવા લડવૈયાઓની ભરતી કરવાનું મુખ્ય માધ્યમ હતો.
આતંકી જૂથો વચ્ચેનો 'સેતુ' ખતમ થયો
આફ્રિદીના મોતને આતંકી નેટવર્ક માટે એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. તે પરંપરાગત આતંકી જૂથો અને ઉભરતા જોખમો વચ્ચે એક સેતુ (પુલ) તરીકે કામ કરતો હતો. આરોપ છે કે તે ખૈબર પખ્તુનખ્વાથી લડવૈયાઓની ભરતી કરીને અફઘાનિસ્તાન મોકલતો હતો, જેથી ત્યાં તાલિબાન વિરુદ્ધ ISIS ને મજબૂત કરી શકાય.
કેમ થઈ હત્યા?
નિષ્ણાતોનું માનવું છે કે આ અંગત દુશ્મનાવટ અથવા આતંકી જૂથો વચ્ચેના વર્ચસ્વની લડાઈનું પરિણામ હોઈ શકે છે. કારણ કે ISIS અને તાલિબાન વચ્ચે વિચારધારાની લોહિયાળ જંગ ચાલી રહી છે, તેવામાં આફ્રિદી જેવા રિક્રૂટરનું મોત આ વિસ્તારમાં આતંકી નેટવર્કના સમીકરણો બદલી શકે છે. હાલમાં, સ્થાનિક અધિકારીઓએ મામલાની તપાસ શરૂ કરી છે, પરંતુ હુમલાખોરોનો કોઈ પત્તો મળ્યો નથી.





