Microsoft : સમગ્ર વિશ્વમાં અત્યારે ટેકનોલોજીના ક્ષેત્રે 'AI' (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) એ ધૂમ મચાવી છે. ગૂગલથી લઈને મેટા સુધીની બધી કંપનીઓ પોતાની કાર્યપદ્ધતિ બદલી રહી છે. આ રેસમાં માઈક્રોસોફ્ટ પણ પાછળ નથી. કંપની હવે પોતાની અંદર એવા ફેરફાર કરવા જઈ રહી છે, જેની સીધી અસર કર્મચારીઓ પર પડશે. જ્યાં અન્ય કંપનીઓ હજારો લોકોને સીધા છૂટા કરી રહી છે, ત્યાં માઈક્રોસોફ્ટ એક એવો રસ્તો લાવ્યું છે જેમાં કર્મચારીઓને માનભેર કંપની છોડવાની તક મળી રહી છે.
સ્વૈચ્છિક એક્ઝિટ વિકલ્પ શું છે?
સામાન્ય રીતે કંપનીઓ જ્યારે આર્થિક બોજ ઘટાડવા માંગતી હોય ત્યારે 'લે-ઓફ' એટલે કે છટણી કરે છે. પરંતુ માઈક્રોસોફ્ટે 'વોલેન્ટરી સેપરેશન' નો વિકલ્પ આપ્યો છે. આનો અર્થ એ છે કે, કંપની તમને દબાણ નથી કરી રહી, પરંતુ જો તમે સામે ચાલીને નોકરી છોડવા તૈયાર છો, તો કંપની તમને તેના બદલામાં એક આકર્ષક આર્થિક પેકેજ આપશે. માઈક્રોસોફ્ટના HR હેડ એમી કોલમેને સ્પષ્ટ કર્યું છે કે, તેઓ ઈચ્છે છે કે, કર્મચારીઓ આ નિર્ણય પોતાની મરજી અને કંપનીના સહકાર સાથે લે.
'70 નો ફોર્મ્યુલા' અને પાત્રતા
આ સ્કીમ દરેક કર્મચારી માટે નથી. રિપોર્ટ્સ અનુસાર, આ ઓફર ખાસ કરીને તેવા જૂના અને વરિષ્ઠ કર્મચારીઓ માટે છે, જે લાંબા સમયથી કંપની સાથે જોડાયેલા છે. કંપનીએ આ માટે '70' નો આંકડો નક્કી કર્યો છે. આનો સીધો અર્થ એ છે કે, જો તમારી ઉંમર અને કંપનીમાં તમારા કામના વર્ષોનો સરવાળો 70 કે તેથી વધુ થતો હોય, તો જ તમે આ પેકેજ માટે લાયક ગણાશો. ઉદાહરણ તરીકે:
50 વર્ષની ઉંમર+20 વર્ષનો અનુભવ = 70
55 વર્ષની ઉંમર+15 વર્ષનો અનુભવ = 70
આ ગણતરી મુજબ અમેરિકામાં રહેલા કુલ 1.25 લાખ કર્મચારીઓમાંથી અંદાજે 8,750 લોકો આ સ્કીમનો લાભ લઈ શકશે.
શા માટે લેવાયો આ મોટો નિર્ણય?
આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ 'AI ફોકસ' છે. કંપની હવે જૂની પદ્ધતિઓ અને જૂના સોફ્ટવેર મેન્ટેનન્સ પર ખર્ચ કરવાને બદલે સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. માઈક્રોસોફ્ટ તેના પોતાના AI મોડલ્સ વિકસાવવા માટે અબજો ડોલરનું રોકાણ કરી રહ્યું છે. મુસ્તફા સુલેમાનના નેતૃત્વમાં કંપની હવે ગૂગલ અને એમેઝોન જેવી દિગ્ગજ કંપનીઓને ટક્કર આપવા માટે સજ્જ થઈ રહી છે. આ માટે તેમને એવા યુવા ટેલેન્ટની જરૂર છે, જે નવી ટેકનોલોજીમાં માહિર હોય.
વરિષ્ઠ કર્મચારીઓ અને નવી ટેકનોલોજી
કંપનીના મતે, વરિષ્ઠ કર્મચારીઓનો પગાર ખૂબ ઊંચો હોય છે, જે આર્થિક રીતે કંપની પર બોજ બને છે. બીજું મહત્વનું પાસું એ છે કે, ટેકનોલોજી ખૂબ ઝડપથી બદલાઈ રહી છે. યુવા પેઢી નવી ટેકનોલોજી અને AI ટૂલ્સને જેટલી ઝડપથી શીખી અને અપનાવી શકે છે, તેટલી ઝડપ જૂના કર્મચારીઓમાં જોવા મળતી નથી. વરિષ્ઠો ઘણીવાર વર્ષોથી ચાલી આવતી પરંપરાગત રીતોમાં જ કામ કરવા ટેવાયેલા હોય છે, જે અત્યારની ઝડપી ટેક દુનિયામાં કંપનીની ગતિ ધીમી કરી શકે છે.
ક્યારે મોકલાશે ઓફર?
માઈક્રોસોફ્ટ આ ઓફર 7 મે સુધીમાં સંબંધિત કર્મચારીઓને મોકલી દેશે. આ એક સુવર્ણ તક તરીકે જોવામાં આવી રહી છે કારણ કે, જે કર્મચારીઓ નિવૃત્તિની નજીક છે તેઓ સારા પેકેજ સાથે વિદાય લઈ શકે છે. અગાઉ ગૂગલે પણ નાના સ્તરે આવી સ્કીમ અજમાવી હતી, પરંતુ માઈક્રોસોફ્ટ આ વખતે તેને ખૂબ મોટા પાયે લાગુ કરી રહ્યું છે, જે દર્શાવે છે કે, ટેક માર્કેટમાં ટકી રહેવા માટે હવે AI અનિવાર્ય બની ગયું છે.





