Share Market Crash: વૈશ્વિક સ્તરે ભૌગોલિક-રાજકીય તણાવ (Geopolitical Tensions) અને ખાસ કરીને ઈરાન તથા અમેરિકા વચ્ચે યુદ્ધ ભડકવાની આશંકાઓને કારણે વિશ્વભરમાં મોટી આર્થિક કટોકટી સર્જાઈ રહી છે. વૈશ્વિક બજારમાં ઉથલપાથલની સીધી અસર ભારતીય બજાર પર જોવા મળી છે. આજે સવારે આંતરરાષ્ટ્રીય સંકેતો પાછળ ભારતીય શેરબજાર ખુલતાની સાથે જ રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો અને સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો બોલાઈ ગયો હતો. આ આર્થિક તોફાનની અસર માત્ર શેરબજાર પૂરતી સીમિત નથી રહી, પરંતુ કિંમતી ધાતુઓ સોના-ચાંદીના ભાવ પણ તૂટ્યા છે. બીજી તરફ ક્રૂડ ઓઇલની કિંમતો આકાશને આંબી રહી છે અને ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. મિડલ ઈસ્ટમાં વધી રહેલા સંઘર્ષના કારણે વિશ્વભરમાં ઇંધણની તંગી સર્જાવાની શક્યતા પ્રબળ બની છે, જે લાંબા સમયથી સંઘર્ષ કરી રહેલી અર્થવ્યવસ્થાઓ સામે મોટો પડકાર છે. આ પરિસ્થિતિને કારણે કરન્સીની વેલ્યૂ સતત ઘટી રહી છે અને મોંઘવારીનો ગ્રાફ ઉપર જવાની પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે.
શેરબજારમાં મોટો ઘટાડો: સેન્સેક્સ અને નિફ્ટી કડડભૂસ
ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં જ સેન્સેક્સમાં 671 પોઇન્ટનો મોટો કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સ તેના અગાઉના બંધ 75200.85 ની સામે આજે તૂટીને 74529.41 ના સ્તરે ખુલ્યો હતો. આવી જ સ્થિતિ નેશનલ સ્ટોક એક્સચેન્જના ઇન્ડેક્સ નિફ્ટીમાં પણ જોવા મળી હતી. નિફ્ટી તેનું જૂનું ક્લોઝિંગ 23618.00 ગુમાવીને 23397.30 ના સ્તર સુધી નીચે સરકી ગઈ હતી, જેમાં કુલ 221 પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. જોકે, શરૂઆતના આંચકા બાદ બજારમાં થોડી રિકવરી જોવા મળી છે અને સેન્સેક્સ હાલમાં 74972 જ્યારે નિફ્ટી 23556 ના લેવલ પર ટ્રેડ કરી રહ્યા છે.
સોના અને ચાંદીના ભાવમાં પણ મોટો ગાબડો
બજારમાં ચાલી રહેલી અફરાતફરી વચ્ચે સુરક્ષિત રોકાણ ગણાતી કિંમતી ધાતુઓમાં પણ આજે પ્રોફિટ બુકિંગ અને કડાકો જોવા મળ્યો છે. આજે ચાંદીના ભાવમાં એક જ દિવસમાં 3269 રૂપિયાનો મોટો ઘટાડો નોંધાયો છે, જ્યારે સોનાના ભાવમાં પણ 1121 રૂપિયાનો ઘટાડો થયો છે. હાલમાં બંને કિંમતી ધાતુઓ સાઇડવેઝ મૂવમેન્ટમાં આગળ વધી રહી છે. સોનું હાલમાં 160000 ની સપાટીથી નીચે સરકી ગયું છે, જ્યારે ચાંદી 270000 ની આસપાસ ટ્રેડ થઈ રહી છે.
ક્રૂડ ઓઇલ $110 ને પાર: પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાના સંકેત
બીજી તરફ, આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલ (Brent Crude Oil) ની કિંમતોમાં સતત ભડકો થઈ રહ્યો છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન પર હુમલાની ધમકીઓ આપવાના અહેવાલો વચ્ચે ક્રૂડ ઓઇલ ગણતરીના સમયમાં 110 ડૉલર પ્રતિ બેરલના સ્તરને પાર કરી ગયું છે. નિષ્ણાતોના મતે ક્રૂડ ઓઇલમાં હજુ પણ મોટો ઉછાળો આવી શકે છે, જેના કારણે આગામી દિવસોમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો ઝીંકાઈ શકે છે.
રૂપિયાની હાલત દયનીય: 96.89ના ઐતિહાસિક તળિયે
વૈશ્વિક કટોકટીની સૌથી ખરાબ અસર ભારતીય રૂપિયા પર પડી છે. ડૉલરની મજબૂતી સામે રૂપિયો દિવસેને દિવસે નબળો પડી રહ્યો છે અને આજે તે એક ડૉલર સામે 96.89 ના અત્યાર સુધીના સૌથી ઐતિહાસિક તળિયે પહોંચી ગયો છે. રૂપિયાનું આ સ્તર ભારતીય અર્થતંત્ર માટે અત્યંત ચિંતાજનક સંકેત છે, કારણ કે રૂપિયો નબળો પડવાથી આયાત મોંઘી બનશે.
દેશ પર મંડરાઈ રહ્યો છે ભયંકર મોંઘવારીનો ખતરો
આર્થિક વિષ્ણાતોના મતે, ક્રૂડ ઓઇલ સતત મોંઘું થવાને કારણે અને રૂપિયાના અવમૂલ્યનને લીધે ભારત માટે પેટ્રોલિયમ પેદાશો તેમજ અન્ય જરૂરી ચીજવસ્તુઓની આયાત (Import) ઘણી ખર્ચાળ બની જશે. જો મિડલ ઈસ્ટનો આ તણાવ ટૂંક સમયમાં શાંત નહીં થાય, તો મોંઘો ડૉલર અને મોંઘું ક્રૂડ ભારત પર બેવડો માર મારશે, જેના કારણે દેશમાં મોંઘવારીનો મોટો બોમ્બ ફૂટી શકે છે અને સામાન્ય જનતાનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ શકે છે.





