સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઈ જાય અને તેની અસર ક્યાં સુધી પહોંચી જાય તેનો તાજો ઉદાહરણ હવે શેરબજારમાં જોવા મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટાલીની પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ બન્યો છે. આ વીડિયોમાં પીએમ મોદી મેલોનીને ‘Melody’ ટોફીનો પેકેટ ભેટ આપતા નજરે પડે છે. આ ક્ષણ સોશિયલ મીડિયા પર ફરી એકવાર #Melody ટ્રેન્ડને જીવંત બનાવી ગઈ છે.
પરંતુ આ વાયરલ ટ્રેન્ડની સીધી અસર હવે બજાર સુધી પહોંચી ગઈ. અનેક નાના રોકાણકારોએ ઉતાવળમાં ‘પારલે’ નામ જોઈને શેર ખરીદી શરૂ કરી દીધી અને પરિણામે પારલે ઇન્ડસ્ટ્રીઝના શેરમાં અચાનક તેજી જોવા મળી.
Parle Industriesના શેરમાં 5 ટકા ઉછાળો
બુધવારે BSE પર લિસ્ટેડ Parle Industries ના શેરમાં 5 ટકાનો અપર સર્કિટ લાગ્યો હતો. કંપનીનો શેર ₹5.00 પર ખુલ્યો હતો અને થોડા જ સમયમાં 5%ની તેજી સાથે ₹5.25 સુધી પહોંચી ગયો. છેલ્લા એક અઠવાડિયામાં આ શેરમાં અંદાજે 7 ટકાનો વધારો નોંધાયો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ‘Melody’ ટ્રેન્ડ બાદ ઘણા રિટેલ રોકાણકારોએ માન્યું કે આ જ કંપની ‘Melody’ ટોફી બનાવે છે અને તેથી તેમાં ખરીદીનો માહોલ સર્જાયો. જોકે હકીકત સંપૂર્ણપણે અલગ છે.
Melody ટોફી બનાવતી કંપની અલગ છે
હકીકતમાં લોકપ્રિય Melody ટોફી બનાવતી કંપની Parle Products છે. આ જ કંપની પારલે-જી, મોનાકો, ક્રેકજેક અને મેંગો બાઇટ જેવા જાણીતા બ્રાન્ડ્સ બનાવે છે. પરંતુ મહત્વની વાત એ છે કે પારલે પ્રોડક્ટ્સ શેરબજારમાં લિસ્ટેડ જ નથી. એટલે સામાન્ય રોકાણકારો તેના શેર ખરીદી શકતા નથી.
બીજી તરફ Parle Industries એક સંપૂર્ણ અલગ કંપની છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ અને પેપર રિસાયક્લિંગ જેવા ક્ષેત્રોમાં વ્યવસાય કરે છે. કંપનીનો Melody ટોફી કે FMCG બિઝનેસ સાથે કોઈ સીધો સંબંધ નથી.
ફક્ત નામમાં ‘Parle’ શબ્દ હોવાના કારણે અનેક રોકાણકારો ગેરસમજમાં આવી ગયા અને ઉતાવળમાં શેર ખરીદી નાખ્યા. જેના કારણે શેરમાં અચાનક તેજી જોવા મળી.
લાંબા ગાળે કંપનીનું પ્રદર્શન નબળું
ભલે સોશિયલ મીડિયા ટ્રેન્ડના કારણે હાલ શેરમાં તેજી જોવા મળી રહી હોય, પરંતુ કંપનીનું લાંબા ગાળાનું પ્રદર્શન ખૂબ નબળું રહ્યું છે. Parle Industries નો માર્કેટ કેપ અંદાજે ₹25.6 કરોડ છે.
આ શેર છેલ્લા 3 મહિનામાં આશરે 41 ટકા તૂટ્યો છે. છેલ્લા 6 મહિનામાં તેમાં 46 ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે એક વર્ષ દરમિયાન શેર 68 ટકા કરતાં વધુ નીચે આવ્યો છે. એટલે કે હાલની તેજી મૂળભૂત બિઝનેસ મજબૂતીના આધારે નહીં પરંતુ સોશિયલ મીડિયા હાઈપના કારણે જોવા મળી રહી હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.
સોશિયલ મીડિયા હાઈપથી સાવધાન રહેવાની જરૂર
શેરબજાર નિષ્ણાતોનું માનવું છે કે માત્ર સોશિયલ મીડિયા ટ્રેન્ડ અથવા કંપનીના નામના આધારે રોકાણ કરવું જોખમી સાબિત થઈ શકે છે. અગાઉ પણ અનેક વખત આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેમાં નામની સમાનતા કે અફવાઓના કારણે રોકાણકારોએ ખોટી કંપનીના શેર ખરીદી લીધા હોય.
નિષ્ણાતો રોકાણકારોને કોઈપણ શેરમાં પૈસા લગાવતા પહેલા કંપનીનો બિઝનેસ, નાણાકીય સ્થિતિ, લિસ્ટિંગ ડિટેલ્સ અને મૂળભૂત માહિતી ચકાસવાની સલાહ આપી રહ્યા છે. ખાસ કરીને નાના અને ઓછી કિંમતના શેરોમાં સોશિયલ મીડિયા આધારિત હાઈપ ઝડપથી સર્જાતી હોવાથી તેમાં જોખમ પણ વધારે રહે છે.
આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયા ટ્રેન્ડ અને વાસ્તવિક બિઝનેસ વચ્ચેનો તફાવત સમજ્યા વગર રોકાણ કરવાથી નુકસાન થઈ શકે છે.





