ભારતીય રૂપિયામાં સતત આવી રહેલી નબળાઈ હવે માત્ર કરન્સી માર્કેટનો મુદ્દો રહ્યો નથી, પરંતુ સામાન્ય લોકોની રોજિંદી જિંદગી, મોંઘવારી, રોકાણ અને દેશની આર્થિક સ્થિરતા સાથે સીધો જોડાયેલો પ્રશ્ન બની ગયો છે. 19 મે 2026ના રોજ ડોલર સામે રૂપિયા 96.52 સુધી તૂટી જતા બજારમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું ભારતીય રૂપિયા હવે માનસિક રીતે મહત્વના ગણાતા 100ના સ્તરને પણ પાર કરી શકે? આ સવાલ પર દેશ અને વિદેશના અનેક અર્થશાસ્ત્રીઓ તથા કરન્સી નિષ્ણાતોની અલગ અલગ માન્યતાઓ સામે આવી છે.
ભારતીય ચલણ પર દબાણ પાછળ વૈશ્વિક રાજકીય તણાવ, વધતી ક્રૂડ ઓઈલ કિંમતો અને વિદેશી રોકાણકારોની વેચવાલી જેવા અનેક કારણો જવાબદાર માનવામાં આવી રહ્યા છે. કેટલાક નિષ્ણાતો માને છે કે હાલની પરિસ્થિતિ ચાલુ રહી તો રૂપિયા માટે 100નો આંકડો દૂર નથી, જ્યારે કેટલાકનું માનવું છે કે RBI હસ્તક્ષેપ કરીને પરિસ્થિતિ નિયંત્રણમાં રાખી શકે છે.
વર્ષ 2026માં રૂપિયાની સૌથી મોટી કમજોરી
વર્ષ 2026ની શરૂઆતમાં ડોલર સામે રૂપિયા લગભગ 89ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓમાં તેમાં ઝડપથી ઘટાડો નોંધાયો છે અને હવે તે 96.52 સુધી પહોંચી ગયો છે. માત્ર પાંચ મહિનામાં રૂપિયામાં અંદાજે 6થી 7 ટકાની નબળાઈ આવી છે, જે ભારતીય બજાર માટે ગંભીર સંકેત માનવામાં આવે છે.
આ ઘટાડાનું સૌથી મોટું કારણ પશ્ચિમ એશિયામાં વધતો તણાવ છે. ખાસ કરીને અમેરિકા અને ઇરાન વચ્ચે વધતી અથડામણને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ 105થી 107 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે. ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 85 ટકા ક્રૂડ ઓઈલ આયાત કરે છે. તેથી ઓઈલ મોંઘું થતા દેશનો આયાત ખર્ચ વધી રહ્યો છે અને ડોલરની માંગ પણ તેજ બની રહી છે.
તે ઉપરાંત વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII) પણ ભારતીય શેરબજારમાંથી સતત નાણાં બહાર કાઢી રહ્યા છે. 2026માં અત્યાર સુધી અંદાજે 2.65 લાખ કરોડ રૂપિયાનું રોકાણ બહાર નીકળી ચૂક્યું છે. આ કારણે ડોલરની માંગ વધતાં રૂપિયામાં વધુ દબાણ જોવા મળી રહ્યું છે.
કેટલાક નિષ્ણાતો કેમ માને છે કે રૂપિયા 100 પાર જઈ શકે?
પૂર્વ UN સલાહકાર અને જાણીતા અર્થશાસ્ત્રી સંતોષ મહેરોત્રાએ મીડિયા સાથે વાત કરતાં ચેતવણી આપતાં જણાવ્યું કે છેલ્લા ત્રણ મહિનામાં રૂપિયા ઝડપથી તૂટ્યો છે અને તેનો સીધો પ્રભાવ મોંઘવારી પર પડશે. તેમના મતે જો હાલનું દબાણ ચાલુ રહેશે તો આગામી ત્રિમાસિક ગાળામાં રૂપિયા સરળતાથી ડોલર સામે 100 સુધી પહોંચી શકે છે.
તેમણે ખાસ કરીને વધતી આયાત કિંમત અને વૈશ્વિક અનિશ્ચિતતાને મોટો ખતરો ગણાવ્યો છે. જો ક્રૂડ ઓઈલના ભાવ વધુ વધી જાય અને વિદેશી રોકાણકારોની વેચવાલી ચાલુ રહે, તો રૂપિયામાં વધુ કમજોરી જોવા મળી શકે છે.
કરન્સી વિશ્લેષક કે. એન. ડેનું પણ માનવું છે કે બજારમાં હાલ જે ગતિએ ગભરાટ વધી રહ્યો છે તે ચિંતાજનક છે. તેમના કહેવા પ્રમાણે 11 મે પછી રૂપિયામાં આવેલી તીવ્ર નબળાઈએ બજારને આશ્ચર્યચકિત કરી દીધું છે. તેઓ માને છે કે હાલ માર્કેટમાં કોઈ સ્પષ્ટ સપોર્ટ લેવલ દેખાતું નથી અને આવી સ્થિતિમાં 100નો માનસિક આંકડો શક્યતા બહાર નથી.
RBI પર વિશ્વાસ રાખતા નિષ્ણાતો શું કહે છે?
બીજી તરફ કેટલાક નિષ્ણાતો માને છે કે ભારતીય રિઝર્વ બેંક એટલે કે Reserve Bank of India હાલની સ્થિતિને સંપૂર્ણપણે બેકાબૂ થવા દેશે નહીં.
FX સ્ટ્રેટેજિસ્ટ ધીરજ નિમના મીડિયા સાથે વાત કરતાં જણાવ્યા પ્રમાણે RBI રૂપિયા 100 સુધી પહોંચે તે પહેલાં જ બજારમાં હસ્તક્ષેપ વધારી શકે છે. તેમના કહેવા પ્રમાણે હાલ કેન્દ્રિય બેંક માટે કરન્સી સ્થિરતા જાળવવી સૌથી મોટી પ્રાથમિકતા રહેશે.
હવે આગળ શું થઈ શકે?
આગામી મહિનાઓમાં રૂપિયાનું ભવિષ્ય મોટા ભાગે બે પરિબળો પર નિર્ભર રહેશે — ક્રૂડ ઓઈલની કિંમતો અને વિદેશી રોકાણકારોનો વલણ. જો પશ્ચિમ એશિયામાં તણાવ ઘટશે અને ઓઈલના ભાવ નીચે આવશે, તો રૂપિયા ફરી 92થી 93ના સ્તર સુધી મજબૂત થઈ શકે છે.
હાલ RBI પાસે લગભગ 700 બિલિયન ડોલરનું વિદેશી ચલણ ભંડાર છે, જે તેને બજારમાં હસ્તક્ષેપ કરવાની મોટી શક્તિ આપે છે. કેન્દ્રિય બેંક જરૂર પડે ત્યારે ડોલર વેચીને રૂપિયામાં અતિશય ગિરાવટ રોકવાનો પ્રયાસ કરી શકે છે.
પરંતુ જો વૈશ્વિક પરિસ્થિતિ વધુ ખરાબ બને, ક્રૂડ ઓઈલ વધુ મોંઘું થાય અથવા અમેરિકી ડોલર વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બને, તો રૂપિયા માટે 100નો આંકડો વાસ્તવિક ભય બની શકે છે.





