Devrishi Narad Patrkar Samman : એક પત્રકાર અનેક પડકારોનો સામનો કરીને અખબાર, ટેલિવિઝન કે ડિજિટલ મીડિયાના માધ્યમથી તમારા સુધી સાચા સમાચાર પહોંચાડતો હોય છે. ઘણીવાર સત્યની ખોજમાં નીકળેલાં પત્રકારો પોતાનો જીવ પણ જોખમમાં મુકવો પડતો હોય છે. ત્યારે ત્રણ કારત્વના ક્ષેત્રમાં લગભગ 3 દાયકા કરતા વધારે સમયથી સેવા આપનારા ગુજરાતના દિગ્ગજ પત્રકારોનું આજે મહાસન્માન થયું છે. દેવર્ષિ નારદ પુરસ્કારથી ગુજરાતના દિગ્ગજ પત્રકારોનું મહાસન્માન કરવામાં આવ્યું છે.
ભૂકંપથી લઈને પૂરની તારાજી, કરફ્યુ અને રમખાણોનો દૌર, પ્લેગથી લઈને કોરોનાનો કહેર, રાજનીતિના ઉતાર-ચઢાવ અને વૈશ્વિક ફલક પર ગુજરાતનો ડંકો વાગવા સુધીની સફરમાં આ પત્રકારોએ હંમેશા નિષ્પક્ષ રહીને લોકોને સાચી અને સચોટ માહિતી પુરી પાડી રાષ્ટ્ર નિર્માણના હિતમાં સહભાગી થવાનું કામ કર્યું છે.
ત્યારે પત્રકારત્વમાં અમૂલ્ય યોગદાન માટે આજે 'દેવર્ષિ નારદ પત્રકાર' એવોર્ડથી ZEE 24 કલાકના એડિટર દીક્ષિત સોની, સંદેશના એડિટર કૃષ્ણકાંત ઉનડકટ અને દિવ્ય ભાસ્કરના વિશેષ સંવાદદાતા મનોજ કારીઆ સહિતના દિગ્ગજ પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત પરાગ દવે અને Rj પૂજા પણ " દેવર્ષિ નારદ પત્રકાર સન્માન"થી સન્માનિત કરાયા છે.
દીક્ષિત સોની- Editor, ZEE24કલાકઃ
ગુજરાતી મીડિયા જગતમાં વિશેષ ઓળખ ઉભી કરનાર Zee-24 કલાકના એડિટર દીક્ષિત સોની 'દેવર્ષિ નારદ પત્રકાર' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. દીક્ષિત સોની હાલ ગુજરાતના અમદાવાદ સ્થિતિ ZEE24કલાક ન્યૂઝ ચેનલ અને ડિજિટલના એડિટર તરીકે સેવા આપે છે. તેઓને આ અગાઉ વર્ષ 2023માં પ્રતિષ્ઠિત આચાર્ય તુલસી એવોર્ડથી સન્માનિત કરાયા હતાં. તો વર્ષ 2021 અને 2022 એમ સળંગ બે વર્ષ માટે એમને ENBA દ્વારા વેસ્ટર્ન રિજન માટે એવોર્ડ મળી ચૂક્યો છે. વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા પણ દિક્ષિત સોનીનું સન્માન થયું છે. દીક્ષિત સોની ગુજરાત મીડિયા ક્લબના વાઈસ ચેરમેન પણ છે. તેઓ છેલ્લાં 3 દાયકા કરતા લાંબા સમયથી પત્રકાત્વના ક્ષેત્રમાં સેવા આપે છે.
કૃષ્ણકાંત ઉનડકટ- Resident Editor, સંદેશ (સુરત):
કૃષ્ણકાંત ઉનડકટ હાલ સંદેશ ન્યૂઝ પેપરમાં સુરતના રેસીડેન્ટ એડિટર તરીકેની ભૂમિકા ભજવે છે. તેઓ છેલ્લાં 4 દાયકા કરતા વધારે સમયથી પત્રકારિતાના ક્ષેત્રમાં મહત્ત્વનું યોગદાન આપી રહ્યાં છે. તેઓની ગણના ગુજરાત જ નહીં બલકે દેશના સારા લેખકો, વિચારકો, રાજકીય વિશ્ષેકો અને વરિષ્ઠ પત્રકારોમાં થાય છે. તેઓ અત્યાર સુધી ગુજરાતના તમામ પ્રમુખ મીડિયા સંસ્થાનોમાં સીનીયર પદ પર સેવા આપી ચૂક્યાં છે.
મનોજ કે. કારીઆ, વિશેષ સંવાદદાતા, દિવ્યભાસ્કરઃ
મનોજ કે.કારીઆ છેલ્લાં 4 દાયકા કરતા વધારે સમયથી પત્રકારિતાના ક્ષેત્રમાં રિપોર્ટર તરીકે પોતાનું યોગદાન આપી રહ્યાં છે. તેઓ હાલ દિવ્ય ભાસ્કરના ડિજિટલ માધ્યમમાં વિશેષ સંવાદદાતા તરીકે સેવા આપે છે. તેમણે આ અગાઉ સંદેશ અને દિવ્ય ભાસ્કર ન્યુઝમાં સીનીયર પત્રકાર તરીકે કામ કર્યું છે. વહીવટી તંત્રથી લઈને સરકારની ભૂલ બતાવીને હંમેશા તેમણે પોતાની પત્રકારિતાથી લોકોનો અવાજ બનીને સમાજ જીવનનો અરિસો બનવાનો પ્રયાસ કર્યો છે.
કેમ દેવર્ષિ નારદના નામે પત્રકારોને અપાય છે એવોર્ડ?
અમદાવાદના વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા દર વર્ષે ગુજરાતના મીડિયા કર્મીઓને નારદ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. દેવર્ષિ નારદને પણ પત્રકારની ઉપમા મળી હતી, તેથી તેમના નામે આ એવોર્ડ અપાય છે. લોકમતનાં ઘડતરનું રાષ્ટ્રીય કર્તવ્ય અદા અને વિશેષ યોગદાન આપતા ગુજરાતના વર્તમાનપત્રોના તંત્રી, પત્રકારો અને ચેનલોના પ્રતિનિધિઓને ‘નારદ સન્માન’ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવતા હોય છે.
ગુજરાત યુનિવર્સિટીના નોલેજ કોન્સર્ટિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડો. હર્ષદભાઈ પટેલ તથા મુખ્ય વક્તા તરીકે અખિલ ભારતીય સહ પ્રચાર પ્રમુખ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રદીપ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા.
'ગુજરાતનું અપમાન સહન નહીં થાય': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મલ્લિકાર્જુન ખડગે સામે આકરા પ્રહાર






