ઓકવિલે શહેરમાં એક જ અઠવાડિયામાં બે વાર સિનેમાઘર પર હુમલાની ઘટનાઓ સામે આવી છે. આ હુમલાઓ ભારતીય ફિલ્મોના પ્રદર્શન દરમિયાન થયા હોવાનું જાણવા મળ્યું છે.
સૌપ્રથમ ઘટના 25 સપ્ટેમ્બર સવારે 5:20 વાગ્યે બની હતી, જ્યારે Film.ca થિયેટરના પ્રવેશદ્વાર પાસે બે શંકાસ્પદ લોકો જ્વલનશીલ પદાર્થ સાથે દેખાયા હતા. આગ બાહ્ય ભાગ સુધી મર્યાદિત રહી હોવાને કારણે મોટા નુકસાનથી બચી શકાયું.
બીજો હુમલો 2 ઓક્ટોબરના રોજ થયો હતો. રાત્રે 1:50 વાગ્યે એક શંકાસ્પદ વ્યક્તિએ થિયેટરના પ્રવેશદ્વાર પર ગોળીબાર કર્યો. ત્યારબાદ ફરી આગ લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પોલીસે જણાવ્યું છે કે આરોપી ભારે શરીરવાળો, કાળા કપડાં પહેરેલો અને ચહેરો ઢાંકેલો હતો.
CCTVમાંથી ખુલાસો
થિયેટરે જાહેર કરેલા CCTV વીડિયોમાં એક ગ્રે SUV અને પછી એક સફેદ SUV થિયેટર નજીક આવતી દેખાઈ છે. વીડિયોમાં બે શખ્સ લાલ કન્ટેનરમાંથી પ્રવેશદ્વાર પાસે જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ લગાવતા અને પછી ભાગી જતા કેદ થયા છે.
ભારતીય ફિલ્મોનું પ્રદર્શન સ્થગિત
આ હુમલાઓ બાદ ઋષભ શેટ્ટીની કાંતારા: અ લિજેન્ડ ચેપ્ટર 1 અને પવન કલ્યાણ અભિનીત ધે કોલ હિમ ઓજી નું પ્રદર્શન અટકાવવામાં આવ્યું છે.
ખાલિસ્તાની કનેક્શન પર શંકા
સ્થાનિક પોલીસ સાથે સાથે થિયેટર સંચાલકોને શંકા છે કે આ ઘટનાઓ પાછળ ખાલિસ્તાની આતંકવાદીઓનો હાથ હોઈ શકે છે.
SFJનો ખુલાસો
શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) નામના અલગાવવાદી સંગઠને કેનેડામાં "મેડ ઇન ઇન્ડિયા" ફિલ્મો અને ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.