ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વિજયાદશમીની ઉજવણી માટે ભૂજ મિલિટ્રી સ્ટેશન ખાતે આવ્યા હતા. જ્યાં તેઓએ શસ્ત્ર પુજામાં ભાગ લીધો હતો. સાથે જ સર ક્રીક મુદ્દે ચિંતા વ્યક્ત કરી અને આ વિવાદ ઉકેલવામાં 78 વર્ષ પછી પણ થયેલા વિલંબ માટે પાકિસ્તાનના અસ્પષ્ટ ઇરાદાઓને જવાબદાર ઠેરવ્યા.
સર ક્રીક વિવાદ કચ્છના રણમાં ભારત-પાકિસ્તાન વચ્ચેનો એક લાંબા સમયથી ચાલતો સીમા મુદ્દો છે, જ્યાં ખાડી અરબી સમુદ્ર સાથે મળે છે.
રાજનાથ સિંહે કહ્યું,
"આઝાદીના 78 વર્ષ પછી પણ સર ક્રીકમાં સરહદ મુદ્દો યથાવત છે. ભારતે અનેક વાર વાતચીતથી ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ પાકિસ્તાનના ઇરાદા સ્પષ્ટ નથી. તાજેતરમાં પાકિસ્તાની સેનાએ સર ક્રીક પાસેના વિસ્તારોમાં લશ્કરી માળખાનો વિસ્તાર કર્યો છે, જે તેના ઇરાદાઓને સ્પષ્ટ દર્શાવે છે."
ભારતીય સેનાની તૈયારીઓ
પ્રધાને જણાવ્યું કે, ભારતીય સેના અને BSF સરહદ પર પૂરી સતર્કતા સાથે તહેનાત છે અને પાકિસ્તાન તરફથી કોઈપણ પ્રકારની દુ:સાહસિક હરકતને કડક જવાબ આપવામાં આવશે.
તેમણે ચેતવણી આપી,
"જો પાકિસ્તાન સર ક્રીક વિસ્તારમાં કોઈ પણ દુ:સાહસ કરશે, તો એવો નિર્ણાયક જવાબ આપવામાં આવશે કે ઇતિહાસ અને ભૂગોળ બંને બદલાઈ જશે. 1965ના યુદ્ધમાં ભારતીય સેના લાહોર સુધી પહોંચી હતી. આજે 2025માં, પાકિસ્તાને યાદ રાખવું જોઈએ કે કરાચીનો એક રસ્તો ખાડીમાંથી જાય છે."
ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ
રાજનાથે ઓપરેશન સિંદૂરની સફળતાને પણ યાદ કરી. તેમણે જણાવ્યું કે પાકિસ્તાને લેહથી સર ક્રીક સુધી ભારતની રક્ષણ પ્રણાલીને તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય દળોએ પાકિસ્તાનની હવાઈ રક્ષણ પ્રણાલી સંપૂર્ણ રીતે ખુલ્લી પાડી દીધી હતી.
તેમણે કહ્યું,
"ભારતીય સશસ્ત્ર દળો ગમે ત્યારે, ગમે ત્યાં અને ગમે તે રીતે પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ છતાંય, યુદ્ધ છેડવું ભારતનો હેતુ નથી."
આતંકવાદ વિરુદ્ધ લડત ચાલું
રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું કે ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન પોતાના બધા લશ્કરી ઉદ્દેશ્યો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે, પરંતુ આતંકવાદ સામેની લડાઈ ચાલુ છે.
"અમારી કાર્યવાહી આતંકવાદ સામે હતી, પાકિસ્તાન સાથે યુદ્ધ વધારવાનો અમારો હેતુ નથી. છતાંય, જો આવશ્યકતા પડશે તો દેશની સુરક્ષામાં કોઈ કચાશ રાખવામાં નહીં આવે," એમ તેમણે કહ્યું.
આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભારત સર ક્રીક મુદ્દે પાકિસ્તાનની હરકતો પર નજર રાખી રહ્યું છે અને કોઈપણ પ્રકારે સરહદ પરની અસ્થિરતા સહન નહીં કરે.