જો પૂછવામાં આવે કે દુનિયાનો સૌથી સુરક્ષિત દેશ કયો છે, તો ઘણાં લોકો અમેરિકા કે ચીનનું નામ લેશે, પરંતુ તાજેતરનો ગેલપ ગ્લોબલ સેફ્ટી રિપોર્ટ કંઈક અલગ જ કહે છે. 2024ના સર્વે મુજબ, સિંગાપોર દુનિયાનો સૌથી સુરક્ષિત દેશ છે, જ્યાં લોકો રાત્રે એકલા ચાલવામાં ડરતા નથી, પરંતુ અત્યંત સલામત અનુભવે છે.
ગેલપના અહેવાલ મુજબ, 2024માં વિશ્વભરના 73% પુખ્ત વયના લોકોએ કહ્યું કે તેઓ રાત્રે તેમના શહેર કે પડોશમાં એકલા ચાલવામાં સુરક્ષિત અનુભવે છે. 2006થી શરૂ થયેલા આ સર્વેમાં આ અત્યાર સુધીનું સૌથી ઉચ્ચ સ્તર છે. છેલ્લા દાયકામાં આ ભાવનામાં 13%નો વધારો નોંધાયો છે. સૌથી વધારે સુધારો એશિયા-પેસિફિક, પશ્ચિમ યુરોપ, લેટિન અમેરિકા અને સબ-સહારન આફ્રિકા પ્રદેશોમાં જોવા મળ્યો છે.
સિંગાપોર સતત નંબર 1
સિંગાપોરના 98% લોકોએ કહ્યું કે તેઓ રાત્રે એકલા ચાલવામાં સુરક્ષિત અનુભવે છે, જે ગેલપના ઇતિહાસમાં સૌથી મોટો આંકડો છે. 2006થી અત્યાર સુધી સિંગાપોર 12 વખત નંબર 1 સ્થાન પર રહ્યો છે. અહીં સલામતી રેટિંગ ક્યારેય 94%થી નીચે નથી ગયું. મજબૂત કાયદો-વ્યવસ્થા, કડક પોલીસિંગ અને કેન્દ્રિય સરકારના સતત ખાતરીભર્યા પ્રયાસો સિંગાપોરને વિશ્વનો સૌથી સલામત દેશ બનાવે છે.
ગલ્ફ દેશોની મજબૂત હાજરી
ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) દેશોમાં પણ સલામતીની દ્રષ્ટિએ પ્રભાવશાળી સ્થિતિ છે. સાઉદી અરેબિયા, ઓમાન, કુવૈત, બહેરીન અને સંયુક્ત આરબ અમીરાત સતત ટોપ સલામત દેશોની યાદીમાં સ્થાન ધરાવે છે. આ દેશોમાં જાહેર સલામતી માટેના રોકાણો અને મજબૂત સંસ્થાઓએ નાગરિકોમાં વિશ્વાસ વધાર્યો છે.
દક્ષિણ આફ્રિકા સૌથી અસુરક્ષિત
ગેલપ રિપોર્ટમાં દક્ષિણ આફ્રિકા વિશ્વનો સૌથી અસુરક્ષિત દેશ ગણાયો છે, જ્યાં માત્ર 33% લોકોએ કહ્યું કે તેઓ રાત્રે એકલા ચાલવામાં સુરક્ષિત અનુભવે છે. લેસોથો, બોત્સ્વાના, ઝિમ્બાબ્વે અને એસ્વાટિની પણ સૌથી ખતરનાક દેશોની યાદીમાં સામેલ છે. ખાસ કરીને લેટિન અમેરિકા અને સબ-સહારન આફ્રિકામાં ગુના દર, નબળું પોલીસિંગ અને આર્થિક દબાણ લોકોની સુરક્ષાની ભાવનાને ગંભીર રીતે અસર કરે છે.