ફિલિપાઇન્સમાં મંગળવારે રાત્રે આવેલા જોરદાર ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.9 નોંધાઈ હતી. આ ભયંકર આંચકાઓના કારણે અત્યાર સુધીમાં 69 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 37થી વધુ લોકો ઘાયલ થયા છે.
સ્થાનિક સમય મુજબ રાત્રે લગભગ 10 વાગ્યે સેબુ શહેરના દરિયાકાંઠે ભૂકંપ આવ્યો હતો. આંચકાઓ એટલા જોરદાર હતા કે અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ. સાન રેમિગિયો શહેરના મેયર આલ્ફી રેયન્સે જણાવ્યું હતું કે માત્ર સેબુ પ્રાંતમાં જ 21 લોકોના મોત થયા છે.
સુનામીની કોઈ ચેતવણી નથી
ન્યૂ યોર્ક ટાઈમ્સ અનુસાર, ભૂકંપ બાદ દરિયાકાંઠા વિસ્તારમાં પાણીના સ્તરમાં હલચલ જોવા મળી હતી. પ્રાથમિક ચેતવણી રૂપે લોકોને દરિયાકાંઠાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી હતી. જોકે, ફિલિપાઇન્સની ભૂકંપ વિજ્ઞાન એજન્સીએ ત્રણ કલાક બાદ સુનામીની શક્યતાઓને નકારીને ચેતવણી રદ કરી દીધી.
ફિલિપાઇન્સ ભૂકંપપ્રવણ વિસ્તાર
ફિલિપાઇન્સ પેસિફિક રિંગ ઓફ ફાયર વિસ્તારમાં આવેલું છે, જ્યાં ટેક્ટોનિક પ્લેટ્સની હલચલને કારણે વારંવાર ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટ જોવા મળે છે. અગાઉ પણ દેશે અનેક વિનાશકારી ભૂકંપનો સામનો કર્યો છે, જેમાં સૈંકડો લોકોના મોત થયા હતા.
સરકાર દ્વારા બચાવ અને રાહત કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે અને ઘાયલ લોકોને હોસ્પિટલોમાં ખસેડવામાં આવી રહ્યા છે.