રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે અમેરિકા પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, અમેરિકા ભારત અને ચીન પર દબાણ કરીને રશિયા સાથેના ઊર્જા સંબંધોનો અંત લાવવા માંગે છે, પરંતુ આવા પગલાથી વિપરીત અસર થઈ શકે છે. પુતિને ચેતવણી આપી હતી કે જો અમેરિકા રશિયાના વેપાર ભાગીદારો પર વધુ ટેરિફ લાદશે, તો તેનાથી વૈશ્વિક ભાવમાં વધારો થશે અને યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજ દર ઊંચા રાખવા માટે મજબૂર થશે. તાજેતરમાં અમેરિકાએ ભારતીય નિકાસ પર વધારાનો 25% ટેરિફ લાદ્યો છે, જેનાથી ટેક્સ 50% સુધી વધી ગયો છે.
રશિયન રાષ્ટ્રપતિએ આ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું
રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે, "ભારત અને ચીન પોતાનું અપમાન થવા દેશે નહીં." તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, જો ભારત રશિયા પાસેથી ઊર્જા ખરીદવાનું બંધ કરશે, તો તેને નુકસાન થશે. પરંતુ ભારતીય લોકો અને નેતૃત્વ ક્યારેય આવું થવા દેશે નહીં. પુતિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે મોદી આવા પગલાં નહીં લે''. પુતિને અમેરિકાના બેવડા વલણ પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, અમેરિકા પોતે રશિયા પાસેથી સમૃદ્ધ યુરેનિયમ ખરીદે છે, પરંતુ અન્ય દેશોને રશિયન ઊર્જાથી દૂર રહેવાનું કહે છે.
અમેરિકા સતત ભારતની ટીકા કરી રહ્યું
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારતની સતત ટીકા કરી રહ્યું છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સાથીઓએ પણ વારંવાર ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો છે. ટ્રમ્પના સલાહકાર પીટર નાવારોએ ભારતને "ટેરિફનો રાજા" પણ કહ્યો હતો અને મોદી પર પુતિન અને શી જિનપિંગની નજીક હોવાનો આરોપ લગાવ્યો હતો.
પુતિને અમેરિકાને ચેતવણી આપી
અગાઉ પુતિને અમેરિકાને ચેતવણી આપી હતી કે, તે ભારત અને ચીન સાથે વસાહતી યુગની ભાષામાં વાત કરી શકશે નહીં. તેમણે કહ્યું હતું કે, "વસાહતીવાદનો યુગ સમાપ્ત થઈ ગયો છે. ભારત અને ચીન જેવી પ્રાચીન સંસ્કૃતિઓ કોઈપણ અલ્ટીમેટમ સામે ઝૂકશે નહીં." રશિયન વિદેશ પ્રધાન સેરગેઈ લવરોવે પણ કહ્યું હતું કે ભારત અને ચીન જેવા દેશો ક્યારેય અમેરિકાના દબાણને સ્વીકારશે નહીં.