Vadodara : વડોદરા શહેરમાં સતત વધી રહેલા તાપમાન અને કાળઝાળ ગરમી હવે જીવલેણ સાબિત થઈ રહી છે. વડોદરાના આજવા રોડ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં 40 વર્ષીય યુવાનનું ક્રિકેટ રમ્યા બાદ હીટસ્ટ્રોકની અસરને કારણે મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, આજવા રોડ પર આવેલી નિલમ સોસાયટીમાં રહેતા 40 વર્ષીય શૈલેષકુમાર પટેલ સવારે મિત્રો સાથે લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ રમવા ગયો હતો. બપોર સુધી મેદાનમાં રમ્યા બાદ તેઓ ઘરે પરત ફર્યા હતા. ઘરે આવીને ભોજન લીધા બાદ તેઓ આરામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક જ તેમની તબિયત લથડી હતી. તેમને ઉલ્ટી થયા બાદ તેઓ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા હતા. પરિવારજનોએ ગભરાઈને તાત્કાલિક તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. તબીબોના પ્રાથમિક અનુમાન મુજબ, લાંબો સમય ગરમીમાં રહેવાને કારણે હીટસ્ટ્રોક લાગ્યો હતો અને તેના કારણે હૃદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યું હોવાની શક્યતા છે.
પરિવાર પર આભ ફાટ્યું
મૃતક શૈલેષભાઈ પોતાના પરિવારનો મુખ્ય આધારસ્તંભ હતા. તેમના નિધનથી તેમની પત્ની અને માત્ર ત્રણ વર્ષની નાની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. રવિવારની રજાનો આનંદ શોકમાં ફેરવાઈ જતાં પરિવારમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો.
પોલીસ કાર્યવાહી
આ ઘટનાની જાણ થતાં જ બાપોદ પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને અકસ્માતને મોતનો ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
સાવચેતી જરૂરી
ઉલ્લેખનીય છે કે, હાલ વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. આવા સમયે બપોરના ગાળામાં ભારે શારીરિક શ્રમ કે આઉટડોર રમતો રમવી જોખમી સાબિત થઈ શકે છે. તબીબો પણ ગરમીમાં સતત હાઇડ્રેટેડ રહેવાની અને તડકાથી બચવાની સલાહ આપી રહ્યા છે.





