Samsung Galaxy Z TriFold: સેમસંગે આખરે તેનો પહેલો ટ્રિપલ-ફોલ્ડ સ્માર્ટફોન, Galaxy Z TriFold રજૂ કર્યો છે. કંપનીએ સાઉથ કોરિયામાં APEC CEO Summit દરમિયાન તેને પ્રદર્શિત કર્યો હતો. આ ફોનને જોતા, સ્પષ્ટ થાય છે કે, સેમસંગ હવે ફોલ્ડેબલ ટેકનોલોજીને નવા સ્તરે લઈ જવાની તૈયારી કરી રહ્યું છે.
ટેબ્લેટ જેવી મોટી ડિસ્પ્લે
આ ઇવેન્ટમાં Galaxy Z TriFold ના બે મોડલ બતાવવામાં આવ્યા હતા - એક ફોલ્ડ કરેલું અને એક સંપૂર્ણપણે ખોલેલું. જ્યારે ખોલવામાં આવે છે, ત્યારે ફોન મોટા ટેબ્લેટ જેવો દેખાય છે, જેની સ્ક્રીન લગભગ 10 ઇંચની હોવાનું કહેવાય છે. આ ડિસ્પ્લેની જમણી બાજુએ પંચ-હોલ કેમેરા મૂકવામાં આવ્યો છે. જ્યારે ફોલ્ડ કરવામાં આવે છે, ત્યારે તેનો બાહ્ય ભાગ સામાન્ય સ્માર્ટફોન જેવો દેખાય છે. તેનો બાહ્ય ડિસ્પ્લે Galaxy Z Fold 7 જેવી જ લગભગ 6.5 ઇંચની હોવાની અપેક્ષા છે.
ડિઝાઇન અને ફોલ્ડિંગ મિકેનિઝમ
રિપોર્ટ્સ અનુસાર, Galaxy Z TriFold માં એવી ડિઝાઇન હશે જે અંદરની તરફ ફોલ્ડ થશે, એટલે કે ફોનની બંને બાજુથી સેંટર તરફ ફોલ્ડ થઈ શક્શે. આ ડિઝાઇન ડિસ્પ્લેના નાજુક ભાગોને બાહ્ય ધૂળ અથવા આંચકાથી સુરક્ષિત કરશે. આ ડિઝાઇન Huawei ના ટ્રિપલ-ફોલ્ડ ફોન, Mate XTs થી સંપૂર્ણપણે અલગ હોવાનું કહેવાય છે.
બેટરી અને પર્ફોર્મન્સ અપગ્રેડ
સેમસંગ બેટરીને ત્રણ અલગ-અલગ કમ્પાર્ટમેન્ટમાં વિભાજીત કરવાની યોજના ધરાવે છે જેથી બેટરી લાઇફ ટ્રિપલ-ફોલ્ડ સ્ટ્રક્ચરમાં સારી રહે. આ ફોન પાવરની દ્રષ્ટિએ પણ દમદાર હશે, કારણ કે તેમાં Qualcomm Snapdragon 8 Elite ચિપસેટ હોવાની શક્યતા છે. તેમાં 16GB રેમ પણ હોઈ શકે છે અને તે સિલિકોન-કાર્બન બેટરી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે, જે પરંપરાગત લિથિયમ-આયન બેટરી કરતાં વધુ કાર્યક્ષમ માનવામાં આવે છે.
200mp કેમેરા અને એડવાન્સ્ડ ફીચર્સ
Galaxy Z TriFold માં પાછળના ભાગમાં ટ્રિપલ કેમેરા સેટઅપ હશે. તેનો મુખ્ય કેમેરો 200mp નો હશે અને 100x ઝૂમ કરવાની ક્ષમતા ધરાવતો હશે. અન્ય બે લેન્સમાં અલ્ટ્રા-વાઇડ અને ટેલિફોટો સેન્સરનો સમાવેશ થશે. આ ફોન Android 16 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે, જેના પર One UI 8 ઇન્ટરફેસ હશે.
લોન્ચ અને કિંમતની વિગત
રિપોર્ટ અનુસાર, સેમસંગ આ ફોન વર્ષના અંત સુધીમાં ચીન, સાઉથ કોરિયા, સિંગાપોર, તાઇવાન અને યુએઈ જેવા પસંદગીના દેશોમાં લોન્ચ કરશે. ભારતમાં લોન્ચ થવાની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. એવું માનવામાં આવે છે કે, સેમસંગ પહેલા મર્યાદિત બજારોમાં ફોનની સ્થિરતા અને પ્રતિભાવનું પરીક્ષણ કરશે, અને તે પછી જ વૈશ્વિક લોન્ચનું આયોજન કરવામાં આવશે. કિંમતની વાત કરીએ તો, Galaxy Z TriFold લગભગ $3,000 (આશરે રૂ. 264,000) થી શરૂ થવાની ધારણા છે.
આ ફોન કેમ ખાસ છે?
Galaxy Z TriFold ફક્ત એક ફોન નથી, પરંતુ સેમસંગની ફોલ્ડેબલ ટેકનોલોજીમાં આગળનું મોટું પગલું છે. તેની ટ્રિપલ-ફોલ્ડ મિકેનિઝમ, મોટી ડિસ્પ્લે, દમદાર કેમેરા અને પ્રીમિયમ બિલ્ડ ક્વાલિટી સ્માર્ટફોનની દુનિયામાં એક નવા યુગની શરૂઆત કરી શકે છે. સેમસંગ તેને ક્યારે મોટા પાયે લોન્ચ કરે છે અને તે ખરેખર ટેકનોલોજી પ્રેમીઓની અપેક્ષાઓ પર ખરા ઉતરે છે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે.





















