સાબરકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂના વેચાણ અને હેરાફેરીની પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ લાંબા સમયથી પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા એક રીઢા આરોપી વિરુદ્ધ પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
સજાપુરનો યુવક રાજસ્થાનથી મગાવતો હતો દારૂ
મળતી માહિતી મુજબ, હિંમતનગર તાલુકાના સજાપુર ગામનો 21 વર્ષીય યુવરાજસિંહ વિજયસિંહ રાઠોડ મોટા પાયે દારૂના વ્યવસાય સાથે જોડાયેલો હતો. આ શખ્સ પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી વિદેશી દારૂનો જથ્થો મગાવી સાબરકાંઠાના વિવિધ વિસ્તારોમાં તેનું છૂટક વેચાણ અને સપ્લાય કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
વારંવારના ગુનાઓને પગલે લેવાયા કડક પગલાં
પોલીસ રેકોર્ડ મુજબ, આરોપી યુવરાજસિંહ વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ખાસ કરીને ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ત્રણ અલગ-અલગ ગુનાઓ દાખલ થયેલા છે. વારંવાર પોલીસની પકડમાં આવવા છતાં તેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં કોઈ ઘટાડો થયો ન હતો. તેની આ ગુનાહિત માનસિકતાને જોતા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ તેના વિરુદ્ધ પાસા હેઠળની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.
આ પણ વાંચો: વલસાડમાં ધોળા દિવસે લૂંટમાં મોટી કાર્યવાહી : 4 શખ્સો જેલભેગા, પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા
અમરેલી જેલ હવાલે કરાયો
પોલીસે તૈયાર કરેલી દરખાસ્તને સાબરકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટે મંજૂરી આપતા પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. હુકમ મળતાની સાથે જ LCB ની ટીમે ત્વરિત કાર્યવાહી કરી યુવરાજસિંહની અટકાયત કરી હતી. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અમરેલી જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
સાબરકાંઠા પોલીસની આ કડક કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરતા અન્ય તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસનું કહેવું છે કે આગામી સમયમાં પણ અસામાજિક પ્રવૃત્તિઓ કરતા શખ્સો સામે આ રીતે જ પાસા અને તડીપાર જેવી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.






