Pavagadh World Record: પાવાગઢના આંગણે એક અભૂતપૂર્વ આધ્યાત્મિક ઇતિહાસ રચાયો છે. શ્રી કાળિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત નવવર્ણ મંત્ર મહાયજ્ઞમાં 90,904 શ્રદ્ધાળુઓએ એકસાથે ભાગ લઈને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. સતત 76 દિવસ સુધી અવિરત ચાલેલા આ મહાયજ્ઞમાં પવિત્ર મંત્ર ‘ૐ એં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચે’ ના કુલ 24 કરોડ જપ પૂર્ણ થયા. આ ઐતિહાસિક સિદ્ધિને ભારત વિશ્વ રેકોર્ડ સંસ્થાએ સત્તાવાર માન્યતા આપીને પ્રમાણપત્ર એનાયત કર્યું છે.
યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ્ય
માનવ જીવનમાંથી ભય, દુઃખ અને નકારાત્મકતા દૂર કરીને વિશ્વમાં શાંતિ, સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિનો સંદેશ વ્યાપ્ત કરવાનો હતો. 15 એપ્રિલે આ સિદ્ધિને વિશ્વ રેકોર્ડ તરીકે જાહેર કરવામાં આવી હતી.
મહાયજ્ઞ સફળતાપૂર્વક પૂર્ણ
દેશ-વિદેશમાંથી આવેલા લાખો ભક્તોની શ્રદ્ધા અને ટ્રસ્ટના અધ્યક્ષ, સભ્યો તેમજ સેવાભાવી કાર્યકરોના અથાગ પ્રયાસોથી આ મહાયજ્ઞ સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ કાર્યક્રમ માત્ર ધાર્મિક અનુષ્ઠાન જ નહીં, પરંતુ સામાજિક એકતા અને આધ્યાત્મિક જાગૃતિનું જીવંત પ્રતીક બની રહ્યો છે. પાવાગઢના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલી આ ઘટનાએ ગુજરાતની આધ્યાત્મિક પરંપરાને વૈશ્વિક સ્તરે વધુ ગૌરવ અપાવ્યું છે.






