Home Gujarat Ahmedabad Kutch Heatwave Hit Stroke Health Alert

ગુજરાતમાં ગરમીને લઈને આરોગ્ય વિભાગ સતર્ક : હિટ સ્ટ્રોક અંગે એલર્ટ જાહેર, સૂચનાઓનું પાલન કરવા અપીલ

Kutch heatwave
Published by: Viral Patel
Last Updated: May 02, 2026, 06:51 AM IST

Kutch news: કચ્છ જિલ્લામાં વધતી ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે સંપૂર્ણ સતર્કતા દાખવી છે. છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન સતત ઊંચું રહેતા હિટ સ્ટ્રોકના કેસોમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રએ તમામ સરકારી હોસ્પિટલો તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને એલર્ટ પર રાખ્યા છે.

આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલોમાં હિટ સ્ટ્રોક જેવી તાત્કાલિક સ્થિતિને પહોંચી વળવા જરૂરી દવાઓ, બેડ અને અન્ય સારવાર સુવિધાઓ ઉપલબ્ધ રાખવા સૂચના આપવામાં આવી છે. તબીબોને પણ આવા કેસોમાં ઝડપથી અને અસરકારક સારવાર આપવા માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે. તબીબો લોકોમાં જાગૃતિ લાવવા ખાસ ભાર મૂકી રહ્યા છે. તેઓએ સ્પષ્ટ રીતે સૂચના આપી છે કે બપોરના સમયે, ખાસ કરીને 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી, અનાવશ્યક બહાર ન નીકળવું. જો બહાર જવું ફરજિયાત હોય તો માથું ઢાંકી રાખવું, છાંયામાં રહેવું અને પૂરતું પાણી પીવું જરૂરી છે.

ગરમીના કારણે થતી તકલીફો અંગે પણ ચેતવણી આપવામાં આવી છે. ડિહાઇડ્રેશન, ચક્કર આવવું, ઊલટી, ભારે થાક અને બેહોશી જેવા લક્ષણો દેખાય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવી જરૂરી છે. આવી લક્ષણોને અવગણવામાં આવે તો સ્થિતિ ગંભીર બની શકે છે. ખાસ કરીને વૃદ્ધો, નાના બાળકો અને ગર્ભવતી મહિલાઓને વધુ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે, કારણ કે આ વર્ગો હિટ સ્ટ્રોક માટે વધુ સંવેદનશીલ હોય છે. તેમને દિવસના ગરમ સમયમાં બહાર જવાનું ટાળવું અને ઠંડકવાળા સ્થળે રહેવું ખૂબ જ જરૂરી છે.

આ ઉપરાંત આરોગ્ય વિભાગે ગામડાઓ સુધી જાગૃતિ ફેલાવવા માટે ખાસ ટીમોને સક્રિય કરી છે. લોકો સુધી ગરમીથી બચવા માટેના ઉપાયો પહોંચે તે માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. નાગરિકોને ORS, લીંબુ પાણી અને છાશ જેવા પ્રવાહી પદાર્થોનું વધુ સેવન કરવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. કચ્છ જિલ્લામાં આગામી દિવસોમાં પણ ગરમી યથાવત રહેવાની શક્યતા છે, તેથી આરોગ્ય વિભાગ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. તંત્રએ નાગરિકોને સાવચેત રહેવા અને આરોગ્ય સંબંધિત સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now