Home Gujarat Karamsad Anand Municipal Corporation Of Battle For The First Woman Mayor Post After The First Election

કરમસદ-આણંદ મનપાની પ્રથમ ચૂંટણી બાદ પ્રથમ ‘મહિલા મેયર’ પદ માટે જંગ : બે દિગ્ગજોના ‘પાવર પ્લે’માં મોવડીમંડળ મૂંઝવણમાં!

Karamsad-Anand Municipal Corporation
Published by: Viral Patel
Last Updated: May 02, 2026, 06:19 AM IST

Karamsad-Anand Municipal Corporation: કરમસદ-આણંદ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીના પરિણામો બાદ હવે ‘પ્રથમ નાગરિક’ બનવા માટેની રાજકીય રેસ તેજ બની છે. ભાજપે 52માંથી 43 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી તો મેળવી લીધી છે, પરંતુ હવે અઢી વર્ષ માટે અનામત એવા ‘મહિલા મેયર’ પદ માટે પક્ષના બે કદાવર નેતાઓ આમને-સામને આવી જતાં મામલો ગરમાયો છે.

રૂ. 5500 કરોડનો વહીવટ અને સત્તાની ખેંચતાણ

આણંદ મનપાનું આગામી વર્ષનું બજેટ અંદાજે રૂ. 1150 કરોડ છે. પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન ચૂંટાયેલા સભ્યોને આશરે રૂ. 5500 કરોડના માતબર ભંડોળનો વહીવટ કરવાનો પાવર મળવાનો છે. આ જ કારણ છે કે મેયર ઉપરાંત ડેપ્યુટી મેયર અને સૌથી શક્તિશાળી ગણાતી સ્ટેન્ડિંગ કમિટી (સ્થાયી સમિતિ)ના ચેરમેન પદ માટે જોરદાર લોબિંગ શરૂ થયું છે.

જૂથવાદ સપાટી પર: ત્રીજા પક્ષે નસીબ ખૂલશે?

સૂત્રોના જણાવ્યા અનુસાર, મેયર પદ માટે બે મુખ્ય જૂથો સક્રિય થયા છે. પ્રથમ જૂથ આણંદ વિસ્તારના મહિલા પ્રતિનિધિ માટે દબાણ કરી રહ્યું છે. બીજું જૂથ વિદ્યાનગર-કરમસદ વિસ્તારના મહિલા ઉમેદવારને મેયર બનાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. આ આંતરિક જૂથબંધીને કારણે પ્રદેશ મોવડીમંડળ પણ અસમંજસમાં છે. જો આ બંને નેતાઓ પોતાની જીદ પર અડગ રહેશે, તો હાઈકમાન્ડ કોઈ ‘ત્રીજા જ’ નવા ચહેરાને મેયર પદે બેસાડીને આશ્ચર્ય સર્જી શકે છે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.

સ્ટેન્ડિંગ કમિટી માટે કેમ છે આટલી કશ્મકશ?

મનપામાં મેયર બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદ સૌથી પાવરફુલ ગણાય છે. કમિશનર દ્વારા રજૂ કરવામાં આવતા વિકાસકામોના મંજૂરીની સત્તા આ સમિતિ પાસે હોય છે. ગટર, પાણી, રસ્તા અને બિલ્ડિંગ સમિતિના તમામ કામો આ સમિતિ મારફતે જ બોર્ડમાં જાય છે, જેના કારણે આ ‘મલાઈદાર’ પદ માટે સભ્યોએ પોતાના ‘ગોડફાધર’ મારફતે ફિલ્ડિંગ ગોઠવી છે.

નિર્ણય ‘બંધ કવર’માં આવશે

પરંપરા મુજબ, પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નામો નક્કી કરવામાં આવશે. પ્રથમ બોર્ડ બેઠકના અડધા કલાક પહેલા ભાજપના સભ્યોની બેઠકમાં ‘બંધ કવર’ ખોલવામાં આવશે, જેમાં મેયર અને અન્ય પદાધિકારીઓના નામ જાહેર થશે. હાલ તો આખું આણંદ આ ‘પાવર ગેમ’ના અંતિમ પરિણામની રાહ જોઈ રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now