દક્ષિણ ગુજરાતના વલસાડ શહેરમાં ગત 28 મી એપ્રિલના રોજ શાકભાજી માર્કેટ વિસ્તારમાં આવેલા વિશાલ કોમ્પ્લેક્સના એક ફ્લેટમાં ધોળા દિવસે થયેલી ફિલ્મી ઢબે લૂંટની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી હતી. જોકે, વલસાડ લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે લૂંટના મુખ્ય સૂત્રધાર સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે.
ઘરના જ કલરકામના કારીગરે ઘડ્યો હતો પ્લાન
પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, લૂંટનો મુખ્ય માસ્ટર માઈન્ડ વિશાલ ઉર્ફે ડીજે કાંબલે છે, જે આ જ કોમ્પ્લેક્સમાં કલરકામનું કામ કરતો હતો. કામ દરમિયાન તેણે નિરીક્ષણ કર્યું હતું કે ફ્લેટમાં વૃદ્ધા એકલા રહે છે. વધુ ધન મેળવવાની લાલચે તેણે મહારાષ્ટ્રથી પોતાના અન્ય સાથીદારોને બોલાવી આ લૂંટનો આખો પ્લાન ઘડ્યો હતો.
ચપ્પુની અણીએ બંધક બનાવી લૂંટ ચલાવી
ઘટનાની વિગતો મુજબ, 28 એપ્રિલના રોજ બપોરે 12:30 વાગ્યાના સુમારે ત્રણ અજાણ્યા શખ્સો વિશાલ કોમ્પ્લેક્સના ફ્લેટ નંબર 102 માં પ્રવેશ્યા હતા. લૂંટારુઓએ ફરિયાદી વૃદ્ધા અને ત્યાં કામ કરતી મહિલાને ચપ્પુ બતાવી મોતનો ડર બતાવ્યો હતો. લૂંટારુઓએ બન્નેના મોઢા દબાવી, ઓઢણી અને રૂમાલ વડે હાથ-પગ બાંધી દીધા હતા. ત્યારબાદ ઘરમાં રહેલી રોકડ અને સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો: વડોદરામાં હેલમેટ અંગે યોજાઈ ડ્રાઈવ, પહેલાં દિવસે જ થયો વિવાદ : મહિલા કર્મચારીએ મચાવ્યો હોબાળો
મુદ્દામાલ સાથે ચાર આરોપીઓની ધરપકડ
વલસાડ પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલા રૂ. 3,21,146 ની રોકડ, 4 મોબાઈલ ફોન, બ્રિટિશ પાઉન્ડની ચલણી નોટો અને સિક્કા તેમજ ગુનામાં વપરાયેલું ચપ્પુ કબજે કર્યું છે. ઝડપાયેલા આરોપીઓમાં વિશાલ કાંબલે (વલસાડ), સાઈ ઉર્ફે આનંદ ચૌહાણ, આકાશ ઉર્ફે અક્ષય જાદવ અને રંજીત ઉર્ફે તાત્યા માને (ત્રણેય રહે. મહારાષ્ટ્ર) નો સમાવેશ થાય છે. હાલ પોલીસ આ ટોળકીની અન્ય કોઈ ગુનામાં સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ કરી રહી છે.





