Gujarat Weather 2026: ગુજરાતમાં ઉનાળાના આકરા તાપ વચ્ચે હવે હવામાનમાં મોટા પલટાની શક્યતા વર્તાઈ રહી છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, આગામી 5 થી 8 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાતાવરણમાં પલટો આવશે, જેના કારણે નાગરિકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે, પરંતુ સાથે જ તેજ પવન અને વરસાદની પણ ચેતવણી આપવામાં આવી છે.
પવનની ગતિ અને વરસાદની શક્યતા
આ દિવસો દરમિયાન રાજ્યમાં પવનની ગતિમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. અંદાજે 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે જ કેટલીક જગ્યાએ હળવો વરસાદ અથવા કરા પડી શકે છે, જે ખેતીના પાક માટે ચિંતાનો વિષય બની શકે છે.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026 : 15 બૂથ પર પુનઃ મતદાન શરૂ, જાણો કેમ લીધો આ નિર્ણય?
કયા વિસ્તારોમાં અસર જોવા મળશે?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના અલગ-અલગ ભાગોમાં નીચે મુજબની અસર જોવા મળી શકે છે. પંચમહાલ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની પ્રબળ શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તેજ પવન ફૂંકાવાની સાથે ધૂળની ડમરીઓ અથવા વાવાઝોડું જોવા મળી શકે છે, જેના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થઈ શકે છે.
11 મે બાદ ફરી ગરમીનો રાઉન્ડ
વરસાદી માહોલ અને વાદળછાયા વાતાવરણને કારણે થોડા દિવસો તાપમાનમાં ઘટાડો નોંધાશે. જોકે, આ રાહત લાંબો સમય ટકશે નહીં. 11 મે બાદ ફરી એકવાર ગરમીમાં વધારો થવાની સંભાવના છે, જે જૂન મહિનાની શરૂઆત સુધી યથાવત રહી શકે છે. તેજ પવન અને વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પોતાનો પાક સુરક્ષિત જગ્યાએ ખસેડવા અને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: 20 મેના રોજ શુક્રની રાહુના નક્ષત્રમાં એન્ટ્રી! : આ 4 રાશિવાળા બનશે કરોડપતિ! મળશે રાજા જેવું જીવન!





