Home Gujarat Vadodara Vadodara Waghodia Road Hdfc Bank Fake Currency Cdm Machine Incident

વડોદરા HDFC બેન્ક CDMમાં 'નકલી નોટો'! : ₹500 ના દરની 20 બનાવટી નોટ પકડાઈ, અજાણ્યા શખ્સ સામે ફરિયાદ

CDM
Image Credit: OBS Inpute
Published by: Chintan Chavda
Last Updated: May 02, 2026, 06:06 AM IST

વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી HDFC બેન્કની શાખામાં કેશ ડિપોઝિટ મશીન (CDM) દ્વારા નકલી નોટો પકડાઈ જવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોઈ અજાણ્યા શખ્સ દ્વારા રૂ. 10,000 ની કિંમતની 500 ના દરની 20 નકલી નોટો જમા કરાવવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે બેન્ક સત્તાવાળાઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

મશીને નકલી નોટો ઓળખી કાઢી

બેન્કમાં ટેલર ઓથોરાઈઝર તરીકે ફરજ બજાવતા ભાર્ગવ મુકેશભાઈ પાઠકે પોલીસને જણાવ્યું હતું કે, ગત 29 એપ્રિલના રોજ સવારે જ્યારે CDM મશીન રૂટિન મુજબ ચેક કરવામાં આવ્યું, ત્યારે તેમાંથી રૂ. 500 ના દરની 20 નકલી નોટો મળી આવી હતી. મશીનની આધુનિક સિસ્ટમે આ નોટોને બનાવટી તરીકે ઓળખી કાઢીને ટ્રાન્ઝેક્શન અટકાવી દીધું હતું અને નોટોને રિજેક્ટ કરી અલગ બોક્સમાં મૂકી દીધી હતી.

વલસાડના ગ્રાહકના ખાતામાં જમા કરાવવાનો પ્રયાસ

બેન્કની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ નોટો રાત્રિના 03:48 વાગ્યે એક ચોક્કસ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવા માટે મશીનમાં નાખવામાં આવી હતી. આ એકાઉન્ટ વલસાડ જિલ્લાના ડુંગરી ગામના મારૂ સાગર રમેશભાઈના નામે હોવાનું ખુલ્યું છે. જોકે, જ્યારે એકાઉન્ટ ધારકનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે આ નાણાં જમા કરાવ્યા હોવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, કોઈ અજાણી વ્યક્તિએ તેમના ખાતામાં આ રકમ જમા કરાવવાનો પ્રયત્ન કર્યો હોઈ શકે છે.

આ પણ વાંચો: ડભોઇ નગરપાલિકામાં 'રિઝોર્ટ પોલિટિક્સ' : બોર્ડની રચના પૂર્વે કોંગ્રેસના 21માંથી 12 સભ્યો અજ્ઞાતવાસમાં, 'હારવાનો ડર' કે 'તોડજોડની રાજનીતિ'નો ભય?

પોલીસે CCTV ફૂટેજ મેળવ્યા

મશીને નોટો નકલી હોવાનું સ્વીકારી લીધું હોવાથી આ રકમ ખાતામાં જમા થઈ શકી નથી અને બેન્કે આ તમામ નોટો સેફ કસ્ટડીમાં લઈ લીધી છે. બેન્ક મેનેજરની સૂચના મુજબ, આ ગંભીર ગુના અંગે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. પોલીસે હવે મશીન પાસે લાગેલા CCTV ફૂટેજ એકત્ર કર્યા છે, જેના આધારે મધ્યરાત્રિએ નકલી નોટો પધરાવવા આવેલા અજાણ્યા ઈસમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now