Home Gujarat Sabarkantha Honey Trap Gang Busted 10 Accused Arrested

હનીટ્રેપના નામે લૂંટ ચલાવતી ટોળકીનો સાબરકાંઠા પોલીસે કર્યો પર્દાફાશ : બે યુવતીઓ સહિત 10 આરોપીઓ ઝડપાયા

હિંમતનગર પોલીસ અને આરોપી
Published by: Chintan Chavda
Last Updated: Jul 28, 2026, 11:18 AM IST

સાબરકાંઠા જિલ્લામાં દેરોલ-હિંમતનગર હાઈવે પર થયેલી લૂંટ અને સાપરાધ મનુષ્યવધની ઘટનાની તપાસ દરમિયાન પોલીસે હનીટ્રેપના માધ્યમથી લોકોને નિશાન બનાવી લૂંટ ચલાવતી એક સંગઠિત ટોળકીનો પર્દાફાશ કર્યો છે. સમગ્ર કેસમાં પોલીસે બે યુવતીઓ સહિત કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી બે કાર, 14 મોબાઇલ ફોન સહિત અંદાજે ₹15.85 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર નેટવર્કના અન્ય સભ્યો અને સંભવિત ભોગ બનનારાઓ અંગે પણ તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, દેરોલ-હિંમતનગર હાઈવે પર એક્ટિવા પર જઈ રહેલા જગદીશભાઈ પ્રજાપતિ પર ચાર શખ્સોએ હુમલો કરીને તેમનો મોબાઇલ ફોન લૂંટી લીધો હતો. ઘટનાના આઘાતથી તેમનું બ્લડ પ્રેશર ઘટી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે સાપરાધ મનુષ્યવધ સહિતના ગુનાઓ નોંધી તપાસ શરૂ કરી હતી.

CCTV તપાસમાં મળ્યો મહત્વનો પુરાવો

તપાસ દરમિયાન પોલીસે હાઈવે અને આસપાસની હોટલોના CCTV ફૂટેજની તપાસ કરી હતી. તેમાં મૃતક એક મહિલા સાથે હોટલમાં પ્રવેશતા જોવા મળ્યા હતા. આ કડીના આધારે પોલીસે મહિલાની હિલચાલ પર નજર રાખી હતી. દરમિયાન બાતમી મળી કે મહિલા પોતાના સાગરિતો સાથે બે કારમાં હિંમતનગર-ઈડર માર્ગે ઉદયપુર તરફ જવાની છે.

આ માહિતીના આધારે પોલીસે નાકાબંધી કરીને બંને કારને ઝડપી પાડી હતી. તપાસ દરમિયાન મૃતક સાથે જોવા મળેલી યુવતી મળી આવતાં સમગ્ર હનીટ્રેપ રેકેટનો ભાંડો ફૂટ્યો હતો.

આ પણ વાંચો: બાલાસિનોરના જમિયતપુરા TSDF પ્લાન્ટ પર GPCBની મોટી કાર્યવાહી : મર્યાદા કરતાં વધુ ઝેરી કચરો ઠાલવનાર પ્લાન્ટ બંધ કરવાનો આદેશ

સોશિયલ મીડિયા પર ફેક ઓળખ બનાવી ફસાવતા હતા

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ટોળકીનો મુખ્ય સૂત્રધાર અને તેના સાગરિતો ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ પર યુવતીઓના નામે નકલી એકાઉન્ટ બનાવતા હતા. આ એકાઉન્ટ મારફતે મોટી ઉંમરના પુરુષો સાથે મિત્રતા કેળવવામાં આવતી હતી. ત્યારબાદ વોટ્સએપ કોલ અને ચેટિંગ દ્વારા તેમને હોટલ અથવા એકાંત સ્થળે મળવા બોલાવવામાં આવતા હતા.

મુલાકાત બાદ ટોળકીના અન્ય સભ્યો ત્યાં પહોંચી ભોગ બનનાર વ્યક્તિને ધમકાવી, મારપીટ કરીને રોકડ, મોબાઇલ અથવા અન્ય કિંમતી ચીજવસ્તુઓ લૂંટી લેતા હોવાનો પોલીસનો આક્ષેપ છે. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે જગદીશભાઈ પ્રજાપતિનો સંપર્ક પણ 'અંકિતા પટેલ' નામના ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે કરવામાં આવ્યો હતો અને તેમને હિંમતનગર બોલાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો જોરદાર રાઉન્ડ : 1,2 નહીં એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ધબધબાટી બોલાવશે મેધરાજા

10 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર સહિત સમગ્ર ગેંગ સામે કાર્યવાહી

આ કેસમાં પોલીસે પીયુષકુમાર પ્રવિણભાઈ પટેલને મુખ્ય સૂત્રધાર તરીકે ઓળખાવ્યો છે. તેની સાથે જગદીશ ઉર્ફે જે.ડી. પટેલ, યશકુમાર પટેલ, અસમાબેન શેખ, અંજનાબેન રાવળ, મુસ્તુફા ઉર્ફે કાલુ પઠાણ, સલીમ ચૌહાણ, તાહીર શેખ, આફતાબ પઠાણ અને વિક્રમજી ઠાકોર સહિત કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ, ઝડપાયેલી બે મહિલાઓ સામે સોશિયલ મીડિયા પર નકલી ઓળખ બનાવી પુરુષોને હનીટ્રેપમાં ફસાવવાની ભૂમિકા ભજવવાનો આરોપ છે.

આ પણ વાંચો: Rajkot ઝૂમાં ગુંજી ઉઠ્યો ખુશીનો કલરવ : સિંહણ 'ધરતી'એ 3 એશિયાઈ સિંહબાળને આપ્યો જન્મ

₹15.85 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે ₹15 લાખની કિંમતની બે કાર, 14 મોબાઇલ ફોન અને અન્ય પુરાવા સહિત કુલ અંદાજે ₹15.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જપ્ત કરાયેલા મોબાઇલ ફોનની ડિજિટલ તપાસ કરીને અન્ય સંભવિત ગુનાઓ અને ભોગ બનનારાઓ અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે.

કેટલાક આરોપીઓ સામે અગાઉથી પણ ગુનાઓ નોંધાયેલા

તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે ઝડપાયેલા કેટલાક આરોપીઓ સામે અગાઉથી લૂંટ, હનીટ્રેપ, પ્રોહિબિશન અને અન્ય ગંભીર ગુનાઓ વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા છે. આથી સમગ્ર ઘટનામાં સંગઠિત ગુનાહિત નેટવર્ક સંડોવાયેલ હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

ડીવાયએસપી એ.કે. પટેલે જણાવ્યું હતું કે સમગ્ર નેટવર્કની કામગીરી, અન્ય સંભવિત ભોગ બનનારાઓ તેમજ આરોપીઓના આંતરજિલ્લા કનેક્શન અંગે વધુ તપાસ ચાલુ છે. પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે મિત્રતા કરતી વખતે સાવચેતી રાખવા અને શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now