Gujarat Heavy Rain Forecast: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદ બાદ હવે રાજ્ય માટે વધુ એક ચિંતાજનક આગાહી સામે આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 30 જુલાઈથી રાજ્યમાં વરસાદનો વધુ એક શક્તિશાળી રાઉન્ડ શરૂ થવાનો છે. એક સાથે ચાર અલગ-અલગ હવામાન પ્રણાલીઓ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લાઓ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના ડેમોમાં પાણીની આવક ઝડપથી વધી રહી છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. અત્યાર સુધીમાં 53,525 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને હજારો લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં હવામાન વધુ વિકટ બની શકે તેવી શક્યતા વચ્ચે તંત્રે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સાવચેતી રાખવાની અપીલ કરી છે.
30 જુલાઈથી વરસાદનું જોર વધશે
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, 28 જુલાઈએ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
29 જુલાઈએ રાજ્યમાં વરસાદનું પ્રમાણ સામાન્ય રહેવાની શક્યતા છે, પરંતુ 30 જુલાઈથી વરસાદ ફરી તીવ્ર બનશે.
30 જુલાઈએ નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ રહેશે.
31 જુલાઈએ અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
31 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડવાની સંભાવના છે. છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 1 ઓગસ્ટે પણ સૌરાષ્ટ્ર તેમજ મધ્ય અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
એકસાથે 4 હવામાન સિસ્ટમ સક્રિય
હાલ ગુજરાતના હવામાન પર ચાર મહત્વપૂર્ણ સિસ્ટમ અસર કરી રહી છે, જેના કારણે વરસાદનું જોર વધવાની શક્યતા છે.
ડીપ ડિપ્રેશન
મોન્સૂન ટ્રફ
અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ
આ ચારેય સિસ્ટમના સંયુક્ત પ્રભાવને કારણે આગામી દિવસોમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
ડેમોમાં પાણીની જોરદાર આવક
રાજ્યમાં સતત વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં 2,31,504 એમસીએફટી જેટલો જળસંગ્રહ છે, જે તેની કુલ ક્ષમતાના લગભગ 69.30 ટકા જેટલો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સરેરાશ 45.71 ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે. 13 ડેમ સંપૂર્ણ 100 ટકા ભરાઈ ગયા છે, જ્યારે 26 ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાયેલા છે. સલામતીને ધ્યાનમાં રાખીને 20 ડેમ માટે હાઈ એલર્ટ, 6 ડેમ માટે એલર્ટ અને 13 ડેમ માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.
હજારો લોકોનું સ્થળાંતર અને રેસ્ક્યૂ
ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને પગલે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં 53,525 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત 9,650 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. આપત્તિ વ્યવસ્થાપન માટે હાલમાં રાજ્યમાં 17 NDRF ટીમો અને 33 SDRF પ્લાટૂન તૈનાત કરવામાં આવ્યા છે.
રસ્તાઓ બંધ, બસ સેવા પ્રભાવિત
સતત વરસાદને કારણે રાજ્યમાં કુલ 164 રસ્તાઓ હાલ બંધ છે. તેમાં એક નેશનલ હાઈવે, 11 સ્ટેટ હાઈવે, 18 અન્ય માર્ગો અને 133 ગ્રામ પંચાયતના રસ્તાઓનો સમાવેશ થાય છે. પરિવહન વ્યવસ્થા પર પણ અસર થઈ છે. GSRTC દ્વારા 595 બસ ટ્રિપ અને 135 રૂટ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યા છે. જોકે રાહતની વાત એ છે કે વરસાદથી અસરગ્રસ્ત તમામ 4,616 ગામોમાં વીજ પુરવઠો ફરી પૂર્વવત કરવામાં આવ્યો છે.
લોકોને સાવચેતી રાખવાની અપીલ
હવામાન વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા લોકોને આગામી કેટલાક દિવસો સુધી બિનજરૂરી મુસાફરી ટાળવા, નદી-નાળા નજીક ન જવા અને સ્થાનિક તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.n ભારે વરસાદની સંભાવના વચ્ચે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને વધુ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.





