Home Gujarat Surat Alpesh Kathiriya Reservation Reform Statement Surat

સુરત: અનામત મુદ્દે અલ્પેશ કથીરિયાનું મહત્વનું નિવેદન : આઝાદીના 75 વર્ષ પછી અનામતમાં રિફોર્મની તાતી જરૂરિયાત: 'ખોટી આવક બતાવી લાભ લેવાય છે, સાચા હકદાર વંચિત'

અનામત મુદ્દે નિવેદન આપતા પૂર્વ PAS કન્વીનર અલ્પેશ કથીરિયા.
Play Video
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 28, 2026, 11:34 AM IST

Surat News : સોશિયલ મીડિયામાં ચાલી રહેલી 'રિઝર્વેશન હટાવો' ચળવળ વચ્ચે પાટીદાર અનામત આંદોલનના પૂર્વ કન્વીનર અલ્પેશ કથીરિયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા પ્રોટેસ્ટના વિચારો સાથે તેઓ સહમત છે. જોકે, હાલ આ સમગ્ર ચળવળ સોશિયલ મીડિયા પૂરતી મર્યાદિત હોવાથી તેની આગેવાની કોણ કરે છે અને તેનો એજન્ડા શું છે તે સમજવું પણ એટલું જ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું. અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે દિલ્હીમાં CJP દ્વારા કરવામાં આવેલા પ્રોટેસ્ટને સફળતા મળ્યા બાદ દેશના વિવિધ ભાગોમાં અનેક પ્રકારની ચળવળો શરૂ થઈ છે. હાલમાં સોશિયલ મીડિયા પર RHA નામથી અનામત મુદ્દે એક મૂવમેન્ટ ચાલી રહી છે, જેને લઈને યુવાનોમાં ચર્ચા જોવા મળી રહી છે. તેમના મતે કોઈપણ આંદોલનને સમર્થન આપતા પહેલાં તેના હેતુ અને દિશા વિશે સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે.

અનામત નીતિ પર ચર્ચા અને સમીક્ષા સમયની માંગ

અલ્પેશ કથીરિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે દેશની અનામત નીતિ અંગે હવે વ્યાપક ચર્ચા થવી જોઈએ. તેમના મતે માત્ર ચર્ચા જ નહીં પરંતુ સમયની જરૂરિયાત મુજબ તેમાં સુધારા (રિફોર્મ) અને સમીક્ષા પણ થવી જોઈએ. તેમણે કહ્યું કે દેશને આઝાદી મળ્યાને 75 વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને આ સમયગાળા દરમિયાન સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પરિસ્થિતિમાં નોંધપાત્ર ફેરફારો થયા છે. આવી સ્થિતિમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અનામત નીતિનું મૂલ્યાંકન કરવું જરૂરી બની ગયું છે. તેમણે વધુમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર તેમજ તમામ રાજ્ય સરકારોએ અનામતના મૂળ હેતુ, તેની અમલવારી અને વર્તમાન અસર અંગે ગંભીરતાથી ચર્ચા કરવી જોઈએ. જો જરૂરી હોય તો તમામ સંબંધિત મુદ્દાઓને ધ્યાનમાં રાખીને નીતિની સમીક્ષા કરવામાં આવે જેથી તેનો લાભ વાસ્તવિક હકદાર લોકો સુધી પહોંચી શકે.

આ પણ વાંચો: Rajkot ઝૂમાં ગુંજી ઉઠ્યો ખુશીનો કલરવ : સિંહણ 'ધરતી'એ 3 એશિયાઈ સિંહબાળને આપ્યો જન્મ

'ખોટી રીતે લાભ લેવાઈ રહ્યો છે'નો આક્ષેપ

અલ્પેશ કથીરિયાના જણાવ્યા અનુસાર હાલ એવી સ્થિતિ સર્જાઈ રહી છે કે કેટલાક લોકો પોતાની વાસ્તવિક આવક અથવા આર્થિક સ્થિતિ છુપાવીને અનામતનો લાભ મેળવી રહ્યા છે. તેમના મતે આવી પરિસ્થિતિમાં જે ખરેખર આર્થિક અથવા સામાજિક રીતે નબળા છે અને જેમને સહાયની સૌથી વધુ જરૂર છે, તેઓ ઘણી વખત લાભથી વંચિત રહી જાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સરકારે એવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ જેમાં અનામતનો લાભ યોગ્ય અને પાત્ર લાભાર્થીઓ સુધી જ પહોંચે. તેમના મતે નીતિનો મૂળ હેતુ સમાજના છેવાડાના અને જરૂરિયાતમંદ વર્ગોને આગળ લાવવાનો છે અને તે જ ભાવના સાથે વ્યવસ્થાની સમીક્ષા થવી જોઈએ.

'ટેલેન્ટ સિસ્ટમમાં પાછળ રહી જાય છે'

અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે તેઓ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા પ્રોટેસ્ટના વિચારો સાથે એટલા માટે સહમત છે કારણ કે ઘણા પ્રતિભાશાળી યુવાનો યોગ્ય તક ન મળવાના કારણે સિસ્ટમમાંથી બહાર થઈ જાય છે. તેમના મતે કેટલાક એવા યુવાનો પણ છે જેમનામાં પૂરતી ક્ષમતા અને પ્રતિભા હોવા છતાં તેઓ વિવિધ કારણોસર પોતાની યોગ્ય જગ્યાએ પહોંચી શકતા નથી. તેમણે કહ્યું કે આજની યુવા પેઢી પોતાની વાત ખુલ્લેઆમ રજૂ કરી રહી છે અને અનામત સહિતના વિવિધ જાહેર મુદ્દાઓ પર ચર્ચા કરી રહી છે. આ પ્રકારની ચર્ચાઓને લોકશાહી પ્રક્રિયાનો એક ભાગ ગણાવી શકાય અને સરકારે યુવાનોની લાગણીઓ તથા સૂચનોને ગંભીરતાથી સાંભળવા જોઈએ.

'હાલ સમર્થન અંગે અંતિમ નિર્ણય નથી'

અલ્પેશ કથીરિયાએ સ્પષ્ટ કર્યું કે હાલમાં તેઓ માત્ર સોશિયલ મીડિયા પર વ્યક્ત થઈ રહેલા વિચારો સાથે સહમત છે. જોકે, આ ચળવળનું સંગઠન, નેતૃત્વ અને આગામી કાર્યક્રમો અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. તેમણે યાદ અપાવ્યું કે CJPની શરૂઆત પણ સોશિયલ મીડિયા પર થઈ હતી અને બાદમાં સંગઠિત ટીમ સામે આવી હતી. હાલની ચળવળમાં પણ આવું થઈ શકે છે. તેમણે કહ્યું કે જ્યારે આંદોલન સાથે જોડાયેલી ટીમ જાહેરમાં આવશે અને તેનો સ્પષ્ટ એજન્ડા સામે આવશે ત્યારબાદ જ તેઓ સમર્થન અંગે અંતિમ નિર્ણય કરશે. હાલ તેઓ કોઈ સંગઠનને સીધું સમર્થન આપતા નથી, પરંતુ સોશિયલ મીડિયા પર ઉઠાવવામાં આવી રહેલા મુદ્દાઓ પર ચર્ચાની જરૂરિયાત સાથે સહમત હોવાનું તેમણે પુનરોચ્ચાર કર્યો.

આ પણ વાંચો: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો જોરદાર રાઉન્ડ : 1,2 નહીં એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ધબધબાટી બોલાવશે મેધરાજા

'GEN Z જાગ્યું છે, સરકારે સાંભળવું જોઈએ'

અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે લાંબા સમય બાદ દેશની નવી પેઢી એટલે કે GEN Z વિવિધ જાહેર મુદ્દાઓ પર સક્રિય બની રહી છે. તેમના મતે સમગ્ર દેશ અને ગુજરાતમાંથી યુવાનો સોશિયલ મીડિયા તેમજ અન્ય માધ્યમો દ્વારા પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે. લોકશાહીમાં યુવાનોના અવાજને મહત્વ આપવું જરૂરી છે અને સરકારે તેમની રજૂઆતો તથા ચિંતાઓને ગંભીરતાથી સાંભળવી જોઈએ.

તેમણે ઉમેર્યું કે યુવાનોની ભાગીદારીથી જ જાહેર નીતિઓ અંગે સ્વસ્થ ચર્ચા આગળ વધી શકે છે અને સમાજના વિવિધ વર્ગોના અભિપ્રાયો પણ સરકાર સુધી પહોંચી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now