રાજકોટના 24 વર્ષીય રાજકુમાર જાટના મૃત્યુ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણીઓ સાથે રાજ્ય સરકારને કેટલીક બાબતો પર સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. અકસ્માત મૃત્યુ તરીકે નોંધાયેલા આ કેસમાં મૃતકના પરિવારનો દાવો છે કે આ અકસ્માત નહીં પરંતુ હત્યા છે અને સમગ્ર મામલાની તપાસ કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)ને સોંપવી જોઈએ. આ મુદ્દે દાખલ થયેલી અરજી પર સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ખાસ કરીને મૃતક CCTVમાં નગ્ન હાલતમાં કેમ દેખાયો હતો તે મુદ્દે વિગતવાર તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે.
રાજકુમાર જાટના મૃત્યુ અંગે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો. જોકે મૃતકના પરિવારનું કહેવું છે કે તેમની હત્યા કરવામાં આવી છે અને આ કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ ગોંડલ તથા તેમના પુત્ર ગણેશ ગોંડલ સંડોવાયેલા છે. પરિવારનો આક્ષેપ છે કે સ્થાનિક પોલીસ નિષ્પક્ષ તપાસ કરતી નથી, જેના કારણે સમગ્ર કેસની તપાસ CBIને સોંપવાની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Rajkot ઝૂમાં ગુંજી ઉઠ્યો ખુશીનો કલરવ : સિંહણ 'ધરતી'એ 3 એશિયાઈ સિંહબાળને આપ્યો જન્મ
હાઇકોર્ટે સરકાર સમક્ષ ઉઠાવ્યા ચાર મહત્વના પ્રશ્નો
અગાઉની સુનાવણી દરમિયાન કેસના દસ્તાવેજોનો અભ્યાસ કર્યા બાદ હાઇકોર્ટે વધુ સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન કોર્ટે સરકારી વકીલ સમક્ષ ચાર મહત્વના પ્રશ્નો મૂક્યા હતા.
કોર્ટે પૂછ્યું હતું કે શું મૃતક અને શકમંદો એકબીજાને અગાઉથી ઓળખતા હતા? બંને વચ્ચે કોઈ પ્રકારની દુશ્મનાવટ હતી કે નહીં? અરજદાર પિતા અને મૃતક પુત્ર શકમંદોના ઘરે શા માટે ગયા હતા અને ત્યાં શું બન્યું? તેમજ સૌથી મહત્વનો પ્રશ્ન એ હતો કે મૃતક CCTVમાં નગ્ન હાલતમાં રસ્તા પર કેમ ફરતો જોવા મળ્યો હતો?
આ પણ વાંચો: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો જોરદાર રાઉન્ડ : 1,2 નહીં એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ધબધબાટી બોલાવશે મેધરાજા
સરકારી વકીલનો જવાબ
રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરતાં સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે તપાસ મુજબ મૃતક અને શકમંદો અગાઉથી એકબીજાને ઓળખતા નહોતા. તેમણે કહ્યું કે શકમંદોના નિવાસસ્થાનની બહાર અરજદાર પિતા અને પુત્ર વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો, જેના કારણે તેમને ઘરમાં બોલાવવામાં આવ્યા હતા.
સરકારી વકીલના જણાવ્યા મુજબ, ઘરની અંદર શું બન્યું તે હજુ તપાસનો વિષય છે. જોકે ત્યારબાદ પિતા અને પુત્ર બંને શકમંદોના ઘરની બહાર નીકળી ગયા હતા. આ સમગ્ર ઘટનાને લગતી એનસી (Non-Cognizable) ફરિયાદમાં સંબંધિત શકમંદો સામે ચાર્જશીટ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
અરજદાર પક્ષે અનેક ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા
અરજદારના વકીલે કોર્ટ સમક્ષ દલીલ કરતાં જણાવ્યું હતું કે મૃતકના મૂળ કપડાં ક્યાં ગયા તે અંગે તપાસમાં કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઉપરાંત તેમણે દાવો કર્યો હતો કે ગોંડલ વિસ્તારમાં શકમંદોનો ભારે પ્રભાવ હોવાથી લોકો ખુલ્લેઆમ તેમની સામે બોલતા ડરે છે. તેમણે કોર્ટ સમક્ષ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભૂતકાળમાં પણ કેટલાક ગંભીર બનાવોમાં તેમના નામ સામે આવ્યા હોવાનું અરજદારનું કહેવું છે.
CCTV મુદ્દે તપાસનો આદેશ, 25 ઓગસ્ટે વધુ સુનાવણી
સુનાવણી દરમિયાન હાઇકોર્ટે નોંધ્યું હતું કે મૃતક CCTVમાં નગ્ન હાલતમાં જોવા મળ્યો હોવા છતાં આ મુદ્દે રજૂ થયેલા તપાસ અહેવાલમાં પૂરતી સ્પષ્ટતા નથી. કોર્ટે આ મુદ્દે વિગતવાર તપાસ જરૂરી હોવાનું જણાવ્યું હતું.
રાજ્ય સરકાર તરફથી સરકારી વકીલે કોર્ટને ખાતરી આપી હતી કે આ મુદ્દે DySP સ્તરના અધિકારી દ્વારા તપાસ કરવામાં આવશે અને તેનો અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
આ બાદ ગુજરાત હાઇકોર્ટે મૃતક નગ્ન હાલતમાં કેમ જોવા મળ્યો હતો તે મુદ્દે તપાસના આદેશ આપતાં રાજ્ય સરકારને વિગતવાર રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. કેસની આગામી સુનાવણી 25 ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે.
નોંધનીય છે કે હાઇકોર્ટમાં હાલ કેસની સુનાવણી ચાલુ છે અને અરજદાર પક્ષ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે અંતિમ ન્યાયિક નિષ્કર્ષ આવ્યો નથી. કેસની હકીકતો અંગેનો અંતિમ નિર્ણય તપાસ અને કોર્ટની આગળની કાર્યવાહી બાદ જ સ્પષ્ટ થશે.





