Jetpur Bootlegger Attack on Police: રાજકોટ જિલ્લાના જેતપુરમાં સોમવારે સાંજે રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે પર ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. દારૂની હેરાફેરી અંગે મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બુટલેગરે કાર પૂરઝડપે ભગાડી મૂકી હતી. પોલીસે પીછો કરતાં હાઈવે પર કેટલાક કિલોમીટર સુધી ચેઝ ચાલ્યો હતો. આખરે કારને કાબૂમાં લેવાનો પ્રયાસ દરમિયાન બુટલેગરે પોલીસકર્મી પર જ જીવલેણ હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ ઘટનામાં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી નિલેશ મકવાણાને છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબી (LCB) સહિતનો પોલીસ કાફલો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડી કારમાંથી દેશી દારૂનો જથ્થો કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.
બાતમીના આધારે પોલીસે ગોઠવ્યો હતો વોચ
પ્રાપ્ત માહિતી મુજબ, ઉદ્યોગનગર પોલીસને બાતમી મળી હતી કે, રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે પરથી એક કારમાં દેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે હાઈવે પર વોચ ગોઠવી શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસને જોઈ બુટલેગરે કાર અટકાવવાને બદલે પૂરઝડપે ભગાડી મૂકી હતી. જેના કારણે હાઈવે પર ફિલ્મી અંદાજમાં પીછો શરૂ થયો હતો. પોલીસે પણ કારનો પીછો કરીને તેને રોકવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદના દરિયાપુરમાં ત્રણ માળનું મકાન ધરાશાયી : વૃદ્ધાનું મોત; 1 યુવક ઇજાગ્રસ્ત
પોલીસકર્મી પર છરી વડે હુમલો
લાંબા પીછા બાદ પોલીસે કારને રોકવામાં સફળતા મેળવી હતી. જોકે, કારમાંથી બહાર આવેલા બુટલેગરે બચવા માટે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી નિલેશ મકવાણા પર અચાનક છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં પોલીસ કર્મચારીને ઈજા થતાં તેમને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. હાલ તેમની તબિયત અંગે વધુ સત્તાવાર માહિતી બહાર આવી નથી.

કારમાંથી દેશી દારૂનો જથ્થો કબજે
આરોપીને કાબૂમાં લીધા બાદ પોલીસે કારની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારમાંથી દેશી દારૂના બે થી ત્રણ બચકાં મળી આવ્યા હતા, જેને પોલીસે કબજે કર્યા હતા. દારૂ સાથે કારને પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

LCB સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો
પોલીસકર્મી પર હુમલાની જાણ થતાં જ LCB સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓએ સ્થળ પર પહોંચી સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી અને પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો: ચાલુ ટ્રેનમાં ચીસા ચીસ! : વલસાડના ભિલાડ સ્ટેશન પર વિરાર-ભરૂચ MEMU ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતર્યું
હુમલા અને દારૂબંધીના ભંગ સહિતના ગુનાઓ નોંધાશે
પ્રાથમિક માહિતી મુજબ, આરોપી સામે દારૂબંધી કાયદાના ભંગ ઉપરાંત સરકારી ફરજમાં અડચણ ઊભી કરવી, પોલીસ કર્મચારી પર જીવલેણ હુમલો અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ હવે એ પણ તપાસ કરી રહી છે કે, આરોપી એકલો હતો કે તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ પણ સંડોવાયેલી હતી. સાથે જ કબજે કરાયેલા દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.





