Rajkot News: શહેરમાં વધુ એક હત્યાના બનાવે ચકચાર મચાવી છે. મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે યુવકને તેના મિત્રએ જ ચા-પાણી પીવાના બહાને ઘરેથી બોલાવ્યો હતો અને ત્યારબાદ તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર હાલતમાં યુવકને તેના ઘર નજીક ફેંકી દેવામાં આવ્યો હોવાનો પણ પરિવારનો દાવો છે.
મૃતકના પિતા રણજીતભાઈએ આક્ષેપ કર્યો છે કે હુમલો કર્યા બાદ આરોપીઓ યુવકને તેના ઘર નજીક મૂકી ફરાર થઈ ગયા હતા. પરિવારના જણાવ્યા અનુસાર આ સમગ્ર ઘટનામાં પાંચ લોકો સંડોવાયેલા છે અને તમામ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
આરોપીઓની ધરપકડ સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની જાહેરાત
ઘટના બાદ પરિવારજનોએ હોસ્પિટલ ખાતે ઉગ્ર વલણ અપનાવ્યું છે. પીડિત પરિવારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જ્યાં સુધી ઘટનામાં સંડોવાયેલા પાંચેય આરોપીઓની ધરપકડ નહીં કરવામાં આવે, ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. પરિવારે વધુમાં ચેતવણી આપી છે કે જો તેમની માંગ સંતોષવામાં નહીં આવે તો તેઓ હોસ્પિટલ પરિસરમાં જ અન્નજળ ત્યાગ કરી અનિશ્ચિત મુદતના અનશન પર બેસશે.
પોલીસ તપાસ પર સૌની નજર
ઘટનાને પગલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. હાલ પરિવાર દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોની પણ તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાનું ચોક્કસ કારણ, હુમલા પાછળનો હેતુ અને આરોપીઓની ભૂમિકા અંગે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટતા થઈ શકશે. આ મામલે પોલીસ તરફથી સત્તાવાર નિવેદન અને આરોપીઓની ધરપકડ અંગેની કાર્યવાહી પર સૌની નજર મંડાઈ છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ વિગતો સામે આવશે.





