Home Gujarat Gujarat Local Body By Election September 2025 Candidates List

સ્થાનિક સ્વરાજ્યની 15 બેઠકો માટે 28 સપ્ટેમ્બરે પેટાચૂંટણી : રાજ્ય ચૂંટણી આયોગે જાહેર કરી ઉમેદવારોની અંતિમ વિગતો

Gujarat Local Body By Election
Published by: OBS Bureau
Last Updated: Jul 27, 2026, 03:06 PM IST

Gandhinagar news: રાજ્ય ચૂંટણી આયોગે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કુલ 15 ખાલી પડેલી બેઠકો માટે યોજાનારી પેટાચૂંટણી અંગે ઉમેદવારોની અંતિમ વિગતો જાહેર કરી છે. આ બેઠકો માટે 28 સપ્ટેમ્બર, 2025ના રોજ મતદાન થશે જ્યારે 30 સપ્ટેમ્બર, 2025ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ આ પેટાચૂંટણીમાં જૂનાગઢ મહાનગરપાલિકાની 1 બેઠક, દેવગઢ બારિયા અને વિસનગર નગરપાલિકાની 1-1 બેઠક, આણંદ જિલ્લા પંચાયતની 1 બેઠક તેમજ હળવદ, પોશીના, સતલાસણા, ધારીક અને કુકાવાવ તાલુકા પંચાયતની કુલ 10 બેઠકો માટે મતદાન યોજાશે. જોકે કેટલીક બેઠકો પર ઉમેદવારી નોંધાઈ ન હોવાથી તમામ બેઠકો પર ચૂંટણી યોજાશે નહીં.

વિવિધ બેઠકો પર ઉમેદવારોની સ્થિતિ

આયોગે જાહેર કરેલી યાદી મુજબ જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠક માટે 3 ઉમેદવારો, દેવગઢ બારિયા નગરપાલિકામાં 13 ઉમેદવારો, વિસનગર નગરપાલિકામાં 2 ઉમેદવારો, આણંદ જિલ્લા પંચાયતમાં 3 ઉમેદવારો, હળવદ તાલુકા પંચાયતમાં 3 ઉમેદવારો, પોશીના તાલુકા પંચાયતમાં 3 ઉમેદવારો, નેત્રંગ તાલુકા પંચાયતમાં 3 ઉમેદવારો અને કુકાવાવ તાલુકા પંચાયતમાં 2 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. રાજ્ય ચૂંટણી આયોગે વધુમાં જણાવ્યું છે કે સતલાસણા તાલુકા પંચાયતની સતલાસણા-2 બેઠક અને ધારીક તાલુકા પંચાયતની એક બેઠક પર એકપણ ઉમેદવારી ફોર્મ દાખલ થયું નથી, જેના કારણે આ બંને બેઠકો પર પેટાચૂંટણી યોજાશે નહીં.

મતદાન માટે ઓળખપત્ર ફરજિયાત

આયોગે જણાવ્યું છે કે મતદાન 28 સપ્ટેમ્બરે સવારે 7:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી યોજાશે. મતદારો માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલ EPIC (મતદાર ઓળખપત્ર) રજૂ કરવું રહેશે. જો કોઈ મતદાર પાસે EPIC ઉપલબ્ધ ન હોય તો રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા માન્ય કરાયેલા 14 વૈકલ્પિક ઓળખપત્રોમાંથી કોઈ એક રજૂ કરીને પણ મતદાન કરી શકાશે. મતદાન મથકો પર સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે જરૂરી પોલીસ બંદોબસ્ત તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પેટ્રોલિંગની વ્યવસ્થા પણ કરવામાં આવશે જેથી મતદારો નિર્ભય વાતાવરણમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે.

શાંતિપૂર્ણ મતદાન માટે અપીલ

રાજ્ય ચૂંટણી આયોગે રાજકીય પક્ષો, ઉમેદવારો અને મતદારોને આદર્શ આચારસંહિતાનું પાલન કરવા તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને મુક્ત વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે સહયોગ આપવા અપીલ કરી છે. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગને પણ તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હોવાનું આયોગે જણાવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ખાલી પડેલી બેઠકો ભરવા માટે યોજાનારી આ પેટાચૂંટણી સંબંધિત વિસ્તારોમાં સ્થાનિક વિકાસ અને પ્રતિનિધિત્વના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હવે 28 સપ્ટેમ્બરના મતદાન બાદ 30 સપ્ટેમ્બરે મતગણતરી પૂર્ણ થયા પછી આ તમામ બેઠકોના પરિણામો જાહેર કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now