Home Gujarat Virar Bharuch Memu Engine Derails Bhilad Valsad

ચાલુ ટ્રેનમાં ચીસા ચીસ! : વલસાડના ભિલાડ સ્ટેશન પર વિરાર-ભરૂચ MEMU ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતર્યું

Virar Bharuch MEMU Train Derailment
Image Credit: x
Published by: Nirali Gohil
Last Updated: Jul 28, 2026, 04:40 AM IST

Virar Bharuch MEMU Train Derailment: વલસાડ જિલ્લાના ભિલાડ રેલવે સ્ટેશન પર સોમવારે વહેલી સવારે એક એવી ઘટના બની, જેણે થોડા સમય માટે મુસાફરોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. વિરારથી ભરૂચ તરફ જતી MEMU (મેઈન લાઇન ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ) ટ્રેનનું એન્જિન પ્લેટફોર્મ નંબર-1 પર પહોંચે તે પહેલાં જ પાટા પરથી ઉતરી જતાં સ્ટેશન પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ મોટી દુર્ઘટના ટળી જતાં મુસાફરો અને રેલવે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનાને કારણે પશ્ચિમ રેલવેના વ્યસ્ત મુંબઈ-ગુજરાત રૂટ પર ટ્રેન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. અનેક મહત્વપૂર્ણ એક્સપ્રેસ ટ્રેનો મોડી પડતાં હજારો મુસાફરોને સ્ટેશનો પર લાંબી રાહ જોવી પડી હતી. ઘટનાની જાણ થતાં જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ, ટેકનિકલ સ્ટાફ અને રાહત ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને એન્જિનને ફરી પાટા પર લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પ્લેટફોર્મ પર પહોંચે તે પહેલાં જ એન્જિન પાટા પરથી ઉતર્યું

મળતી માહિતી મુજબ, વિરાર-ભરૂચ MEMU ટ્રેન રોજની જેમ વહેલી સવારે ભિલાડ રેલવે સ્ટેશન તરફ આવી રહી હતી. ટ્રેન પ્લેટફોર્મ નંબર-1 પર રોકાવાની હતી, પરંતુ પ્લેટફોર્મ સુધી પહોંચે તે પહેલાં જ એન્જિન અચાનક પાટા પરથી ઉતરી ગયું હતું. ઘટના બનતાં જ ટ્રેનમાં બેઠેલા મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. કેટલાક મુસાફરો તરત જ કોચમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા, જ્યારે સ્ટેશન પર હાજર લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે, ટ્રેનની ગતિ ધીમી હોવાથી કોઈ જાનહાનિ કે ઈજા થઈ નહોતી.

મુસાફરોમાં મચી અફરાતફરી, અધિકારીઓ દોડી આવ્યા

ઘટનાની જાણ થતાં જ પશ્ચિમ રેલવેના અધિકારીઓ, એન્જિનિયરિંગ વિભાગ અને ટેકનિકલ ટીમ તાત્કાલિક ભિલાડ સ્ટેશન પર પહોંચી ગઈ હતી. ટીમે સૌથી પહેલા મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરી અને ત્યારબાદ એન્જિનને ફરી પાટા પર લાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. રેલવે તંત્ર દ્વારા ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે ટેકનિકલ ખામી, ટ્રેકની સ્થિતિ અથવા અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સત્તાવાર કારણ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: અમદાવાદના રેલવે રૂટ પર સૌથી મોટો ફેરફાર! : સાબરમતીથી નહીં, હવે આ સ્ટેશનથી દોડશે 3 એક્સપ્રેસ, મળશે વધુ એક સટોપેજ

મુંબઈ-ગુજરાત રૂટ પર ટ્રેન વ્યવહાર પ્રભાવિત

આ દુર્ઘટનાની સીધી અસર પશ્ચિમ રેલવેના મુંબઈ-ગુજરાત રૂટ પર જોવા મળી હતી. ટ્રેક ખાલી કરવામાં સમય લાગતાં અનેક ટ્રેનોને રોકી રાખવી પડી હતી અથવા તેમનો સમયપત્રક બદલવો પડ્યો હતો.આ ઘટનાને કારણે વંદે ભારત એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ, ગુજરાત એક્સપ્રેસ અને વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ સહિત અનેક મહત્વપૂર્ણ ટ્રેનો તેમના નિર્ધારિત સમય કરતાં મોડી દોડી હતી. જેના કારણે રોજિંદા અપ-ડાઉન કરતા નોકરીયાતો, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

થોડા દિવસ પહેલાં પણ ભારે વરસાદથી ખોરવાયો હતો ટ્રેક

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ વલસાડ જિલ્લાના પારડી અને ઉદવાડા વચ્ચે ખડકી નજીક ભારે વરસાદને કારણે રેલવે ટ્રેકની બાજુમાં માટી ધસી પડવાની ઘટના બની હતી. જેના કારણે પણ ટ્રેન વ્યવહારને અસર પહોંચી હતી. હવે ભિલાડ સ્ટેશન પર એન્જિન પાટા પરથી ઉતરવાની ઘટના સામે આવતાં મુસાફરોમાં ફરી એકવાર રેલવે સલામતી અંગે ચિંતા વધી છે. જોકે, રેલવે અધિકારીઓનું કહેવું છે કે ઘટનાની સંપૂર્ણ તપાસ બાદ જરૂરી પગલાં લેવામાં આવશે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય.

આ પણ વાંચો: એક જ દિવસે ગુજરાતના બે જિલ્લાઓમાં મગરની એન્ટ્રી : ક્યાંક વાડીમાં ઘૂસ્યો તો ક્યાંક રસ્તા પર નિર્ભય ફરતો દેખાયો

રેલવે તંત્રે શરૂ કરી તપાસ

રેલવે તંત્રે જણાવ્યું છે કે, સમગ્ર ઘટનાની ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી છે. ટ્રેક, સિગ્નલિંગ સિસ્ટમ અને એન્જિનની સ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ એન્જિનને પાટા પર ચડાવ્યા બાદ ટ્રેકને ફરી કાર્યરત કરવાની કામગીરી પણ ઝડપી ગતિએ હાથ ધરવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવા છતાં, વ્યસ્ત પશ્ચિમ રેલવે રૂટ પર આવી ઘટના બનતાં સલામતી વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. હવે તપાસ અહેવાલ બાદ જ સ્પષ્ટ થશે કે આ દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ શું હતું.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now