Home Gujarat Rajkot Jetpur Bootlegger Attacks Police Head Constable Liquor Seized

જેતપુરમાં બુટલેગરને પકડવા ગયેલી પોલીસ પર જીવલેણ હુમલો : હેડ કોન્સ્ટેબલને છરીના ઘા; 200 લિટર દેશી દારૂ જપ્ત

rajkot police
Published by: Chintan Chavda
Last Updated: Jul 28, 2026, 09:56 AM IST

રાજકોટ જિલ્લાના જેતપુરમાં દેશી દારૂની હેરાફેરી રોકવા માટે કાર્યવાહી કરવા ગયેલી પોલીસ ટીમ પર બુટલેગરે જીવલેણ હુમલો કરતાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી ગંભીર ઘટના સામે આવી છે. દેશી દારૂની ખેપ લઈને આવી રહેલા બુટલેગરને ઝડપી પાડવાનો પ્રયાસ કરતી વખતે ફરજ પરના હેડ કોન્સ્ટેબલ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં રાજકોટ રેન્જના આઈજી અને જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક જેતપુર સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્ત પોલીસકર્મીની મુલાકાત લઈને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ મકવાણાને બાતમી મળી હતી કે જૂનાગઢ તરફથી એક સ્વિફ્ટ કારમાં મોટી માત્રામાં દેશી દારૂ લઈને બુટલેગર જેતપુર તરફ આવી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસ દ્વારા પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરીને હાઈવે પર વોચ ગોઠવવામાં આવી હતી.

પોલીસનો પીછો જોઈ કાર છોડીને ભાગ્યો આરોપી

મોડી રાત્રે સ્વિફ્ટ કાર જેતપુર તરફ આવતાં પોલીસે રસ્તા પર બંને બાજુથી નાકાબંધી કરી વાહનને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આરોપીએ પોલીસના ઘેરાવમાંથી છટકવાનો પ્રયાસ કરતાં હાઈવે પર રોંગ સાઇડમાં કાર દોડાવી હતી. થોડું આગળ જઈ તેણે કાર મૂકી પગપાળા ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ નિલેશ મકવાણા સહિત પોલીસકર્મીઓ આરોપીનો પીછો કરીને તેને ઝડપી પાડવા પહોંચ્યા હતા. પોલીસે આરોપીને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતાં તેણે અચાનક છરી કાઢી હેડ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો. પેટના ભાગે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ બચાવ કરતાં તેમના જમણા હાથમાં છરીનો ગંભીર ઘા વાગ્યો હતો. ઇજાગ્રસ્ત પોલીસકર્મીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: સુરતમાં શાળાની બેદરકારીએ માસૂમનો ભોગ લીધો! : સુમન શાળા નં.16 માં કરંટ લગતા ધો. 9 ના વિદ્યાર્થીનું મોત

ભાગતી વખતે ડિવાઈડર સાથે અથડાયો આરોપી

હુમલા બાદ પણ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ભાગવાની ઉતાવળમાં તે હાઈવેના બેરિકેડ અને ડિવાઈડર સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં આરોપી દિલીપ શેખવાના પગમાં ત્રણ જગ્યાએ ફ્રેક્ચર થયું હતું. શરૂઆતમાં તેને જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પોલીસે આરોપીની સ્વિફ્ટ કારની તપાસ કરતાં અંદાજે 200 લિટર દેશી દારૂ, હુમલામાં વપરાયેલી છરી તથા મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સમગ્ર મુદ્દામાલ કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: 'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ'ને વધુ વેગ : સરકારી જમીન ફાળવણી માટે કલેક્ટર અને DDOની સત્તામાં મોટો વધારો

ત્રણ આરોપીઓ સામે ગંભીર ગુના નોંધાયા

પોલીસે જીવલેણ હુમલો કરનાર દિલીપ શેખવા, દેશી દારૂની સપ્લાય કરનાર જૂનાગઢના કાના રબારી અને દારૂ મંગાવનાર જેતપુરની રેખાબેન ઉર્ફે ઢક્કુ વેગડા સામે પ્રોહિબિશન એક્ટ ઉપરાંત હત્યાના પ્રયાસ (Attempt to Murder) સહિતના ગંભીર ગુનાઓ નોંધ્યા છે.

જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા આરોપી દિલીપ શેખવા સામે અગાઉથી કુલ 8 ગુના નોંધાયેલા છે. જ્યારે દારૂ મંગાવનાર તરીકે નામ સામે આવેલી રેખાબેન ઉર્ફે ઢક્કુ વેગડા સામે જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં મળીને 41 ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. બંને આરોપીઓને ડિટેઇન કરીને સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ગાંધીધામમાં ₹5.55 કરોડની ક્રિપ્ટો ખંડણી કેસનો ભેદ ઉકેલાયો : 7 આરોપીઓ ઝડપાયા

ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ રેન્જના આઈજી અને જિલ્લા એસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ જેતપુર સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે સારવાર લઈ રહેલા હેડ કોન્સ્ટેબલ નિલેશ મકવાણાની મુલાકાત લઈ તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી અને તપાસ અધિકારીઓ પાસેથી સમગ્ર ઘટનાની વિગતવાર જાણકારી મેળવી હતી.

પોલીસનું કહેવું છે કે આ કેસમાં દારૂની સપ્લાય ચેઇન, અન્ય સંડોવાયેલા આરોપીઓ અને સમગ્ર નેટવર્ક અંગે તપાસ ચાલુ છે. જપ્ત કરાયેલા મોબાઇલ ફોન સહિતના ડિજિટલ પુરાવાઓની પણ તપાસ કરવામાં આવશે, જેથી આ ગેરકાયદે દારૂના નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકો સુધી પહોંચી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now