Home Gujarat Surat Surat Suman School 16 Student Dies Electric Shock Khatodara

સુરતમાં શાળાની બેદરકારીએ માસૂમનો ભોગ લીધો! : સુમન શાળા નં.16 માં કરંટ લગતા ધો. 9 ના વિદ્યાર્થીનું મોત

મૃતક વિદ્યાર્થીના વાલી
Published by: Chintan Chavda
Last Updated: Jul 28, 2026, 09:04 AM IST

સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલી સુમન શાળા નંબર 16માં મંગળવારે એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે. શાળાના ધાબા પર લગાવવામાં આવેલા લાઈટના લોખંડના થાંભલામાં વીજ કરંટ ઉતરી આવતાં ધોરણ 9માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ શાળા કેમ્પસમાં ભારે અરેરાટી ફેલાવી દીધી હતી. બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં વાલીઓ અને સ્થાનિક લોકો શાળા પરિસરમાં દોડી આવ્યા હતા અને શાળા તંત્રની સુરક્ષા વ્યવસ્થાને લઈને ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

પ્રાથમિક માહિતી મુજબ, ધોરણ 9ના વિદ્યાર્થીઓ પીટી (ફિઝિકલ ટ્રેનિંગ)ના પિરિયડ માટે શાળાના ધાબા પર ગયા હતા. આ દરમિયાન અબ્દુલ રહેમાન મહમદ સલીમ નામનો વિદ્યાર્થી ધાબા પર આવેલા લાઈટના લોખંડના થાંભલા પાસે ગયો હતો. કહેવાય છે કે થાંભલામાં વીજ કરંટ વહેતો હોવાથી તેને અડતા જ વિદ્યાર્થીને જોરદાર વીજ આંચકો લાગ્યો હતો. કરંટ લાગતા જ તે બેભાન થઈ જમીન પર ઢળી પડ્યો હતો.

આ પણ વાંચો: 'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ'ને વધુ વેગ : સરકારી જમીન ફાળવણી માટે કલેક્ટર અને DDOની સત્તામાં મોટો વધારો

હોસ્પિટલ પહોંચાડતા પહેલાં જ તોડ્યો દમ

ઘટનાની જાણ થતાં શાળાના સ્ટાફ અને અન્ય લોકોએ તરત જ વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. વિદ્યાર્થીના અચાનક મોતથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે લાઈટના થાંભલામાં વાયરિંગની ખામી, અપૂરતું અર્થિંગ અથવા ખુલ્લા વીજ વાયરના કારણે કરંટ ઉતરી આવ્યો હોઈ શકે છે. જોકે આ અંગેનું ચોક્કસ કારણ પોલીસ તપાસ અને ટેક્નિકલ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

શાળા તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલ

સરકારી શાળા જેવા સંવેદનશીલ સ્થળે વિદ્યાર્થીઓ માટે જોખમી બની શકે તેવી સ્થિતિ લાંબા સમયથી કેવી રીતે યથાવત રહી તે મુદ્દે અનેક સવાલો ઊભા થયા છે. જો વીજ સલામતીની નિયમિત તપાસ કરવામાં આવી હોત તો કદાચ આ દુર્ઘટના ટાળી શકાત, તેવી ચર્ચા સ્થાનિકોમાં ચાલી રહી છે. વાલીઓએ શાળાઓમાં ઇલેક્ટ્રિકલ સેફ્ટી ઓડિટ, જોખમી વિસ્તારોની નિયમિત તપાસ અને વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા માંગ કરી છે.

આ પણ વાંચો: સુરતમાં નક્ષત્ર સેફ હાઉસ કૌભાંડ : ₹2.67 કરોડના 206 તોલા સોનાના દાગીના ગાયબ, સંચાલક પિતા-પુત્ર સહિત 4 સામે ગુનો; ત્રણની ધરપકડ

ઘટના બાદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. સાથે જ વીજ વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા પણ લાઈટના થાંભલા અને તેની ઇલેક્ટ્રિકલ વ્યવસ્થાની તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે. તપાસ બાદ જો બેદરકારી સામે આવશે તો જવાબદાર અધિકારીઓ અથવા સંબંધિત વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

આ દુર્ઘટનાએ ફરી એકવાર શૈક્ષણિક સંસ્થાઓમાં સલામતીના ધોરણો અંગે ગંભીર ચર્ચા ઉભી કરી છે. નિષ્ણાતોનું માનવું છે કે શાળાઓમાં ઇલેક્ટ્રિકલ ફિટિંગ, ખુલ્લા વાયર, અર્થિંગ અને અન્ય માળખાકીય સુવિધાઓનું સમયાંતરે નિરીક્ષણ ફરજિયાત બનાવવું જરૂરી છે, જેથી આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now