Home Gujarat Surat Surat Nakshatra Safe House Locker Theft Rs 2 67 Crore Gold Jewellery

સુરતમાં નક્ષત્ર સેફ હાઉસ કૌભાંડ : ₹2.67 કરોડના 206 તોલા સોનાના દાગીના ગાયબ, સંચાલક પિતા-પુત્ર સહિત 4 સામે ગુનો; ત્રણની ધરપકડ

નક્ષત્ર વૉલ્ટ
Published by: Chintan Chavda
Last Updated: Jul 28, 2026, 06:17 AM IST

સુરતમાં ખાનગી લોકર સુવિધા આપતી નક્ષત્ર સેફ હાઉસ સામે સામે આવેલા કરોડોના ચોરીના કૌભાંડે સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચાવી છે. સિંગણપોર સ્થિત બ્રાન્ચમાંથી ગ્રાહકોના અંદાજે ₹2.67 કરોડના 206 તોલા સોનાના દાગીના ગાયબ થયાની ફરિયાદ નોંધાતાં લોકરધારકોમાં ભય અને અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે. આ ઘટનાના સમાચાર સોશિયલ મીડિયા અને વિવિધ માધ્યમોમાં વાયરલ થતાં જ સિંગણપોર ઉપરાંત વરાછા સહિત નક્ષત્ર સેફની અન્ય શાખાઓમાં પણ પોતાના કિંમતી દાગીના અને રોકડ સુરક્ષિત છે કે નહીં તેની ખાતરી કરવા માટે સેંકડો ગ્રાહકો દોડી આવ્યા હતા.

સુરતમાં નક્ષત્ર સેફ હાઉસની કુલ ત્રણ બ્રાન્ચ કાર્યરત છે, જેમાં અંદાજે 2,500થી વધુ લોકર ઉપલબ્ધ હોવાનું જાણવા મળે છે. ઘટનાની જાણ થતાં જ દરેક બ્રાન્ચ બહાર લોકરધારકોની લાંબી કતારો જોવા મળી હતી. અનેક પરિવારો કિંમતી ઘરેણાં અને રોકડ અંગે ચિંતિત બની પોતાના લોકર ખોલાવવા પહોંચ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદના દરિયાપુરમાં ત્રણ માળનું મકાન ધરાશાયી : વૃદ્ધાનું મોત; 1 યુવક ઇજાગ્રસ્ત

પૂર્વઆયોજિત કાવતરાનો પોલીસનો પ્રાથમિક ખુલાસો

પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે સામે આવ્યું છે કે આ કોઈ સામાન્ય ચોરી નહીં પરંતુ પૂર્વઆયોજિત કાવતરાનો ભાગ હોઈ શકે છે. ફરિયાદના આધારે નક્ષત્ર સેફ હાઉસના સંચાલક મહેશ દિયોરા, તેના બંને પુત્રો હર્ષ દિયોરા અને હરીકૃષ્ણ દિયોરા તેમજ લોકર તોડવામાં નિષ્ણાત ગણાતા મણીલાલ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

તપાસ મુજબ આરોપીઓએ પરસ્પર મળીને ગ્રાહકોની ગેરહાજરીમાં અને તેમની જાણ બહાર અલગ-અલગ સમયે લોકરો તોડ્યા હતા. લોકરમાં રહેલા કિંમતી સોનાના દાગીના બહાર કાઢીને બજારમાં વેચી આર્થિક લાભ મેળવવાનું સમગ્ર કાવતરું ઘડાયું હોવાની શંકા પોલીસ વ્યક્ત કરી રહી છે. જોકે, આ તમામ આરોપોની અંતિમ પુષ્ટિ તપાસ પૂર્ણ થયા બાદ જ થશે.

ફરિયાદીનો દાવો: મે મહિનામાં દાગીના હતા, જુલાઈમાં પહોંચતા ગાયબ

સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ફરિયાદી રમેશભાઈ જીવરાજભાઈ વાઘાણીએ વર્ષ 2020માં પોતાની પત્ની હિરેનબેનના નામે સિંગણપોર કોઝવે રોડ પર આવેલા નક્ષત્ર સેફ વોલ્ટમાં B/202 નંબરનું લોકર ભાડે લીધું હતું. તેઓ દર મહિને ₹1,700 ભાડું ચૂકવતા હતા.

ફરિયાદ મુજબ 8 મે, 2026ના રોજ તેમના સંબંધીઓ લોકર તપાસવા ગયા ત્યારે તમામ સોનાના દાગીના સુરક્ષિત હતા. પરંતુ લગભગ બે મહિના બાદ પરિવારના એક પ્રસંગ માટે દાગીના લેવા પહોંચતાં લોકરમાં માત્ર એક મંગળસૂત્ર, બે કડલી અને ત્રણ વીંટી જ મળી હતી, જ્યારે અંદાજે 63 તોલાના અન્ય તમામ દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાના આધારે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ચાલુ ટ્રેનમાં ચીસા ચીસ! : વલસાડના ભિલાડ સ્ટેશન પર વિરાર-ભરૂચ MEMU ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતર્યું

વરાછા બ્રાન્ચમાં પણ ભારે દોડધામ

સિંગણપોર બ્રાન્ચમાં ચોરીની ઘટના બહાર આવતાં જ વરાછા સ્થિત નક્ષત્ર સેફની શાખાઓમાં પણ લોકરધારકોની ભારે ભીડ ઉમટી પડી હતી. ઘણા ગ્રાહકો પોતાના લોકરની ચાવી સાથે પહોંચી કિંમતી સામાનની તપાસ કરવા લાગ્યા હતા.

ઘણા લોકરો ખોલવામાં ટેકનિકલ સમસ્યાઓ સર્જાતાં અને સંચાલકો તરફથી સંતોષકારક જવાબ ન મળતાં કેટલાક સ્થળોએ હોબાળો પણ થયો હતો. સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસને સ્થળ પર બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. જેમના લોકર ખુલ્યા તેઓ પોતાના દાગીના, રોકડ અને અન્ય કિંમતી સામાન સાથે તરત જ નીકળી ગયા હતા.

ત્રણ આરોપીઓની ધરપકડ, વધુ તપાસ ચાલુ

સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ડી.બી. કામળીયાએ ફરિયાદ નોંધી હતી અને તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એમ. ચૌધરીને સોંપવામાં આવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 316(2), 316(5) તથા પૂર્વઆયોજિત કાવતરાને લગતી કલમ 61(2) હેઠળ ગુનો નોંધ્યો છે.

પોલીસે મહેશ દિયોરા તથા તેના બંને પુત્રો હર્ષ દિયોરા અને હરીકૃષ્ણ દિયોરાની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપી તથા સમગ્ર કાવતરામાં સંડોવાયેલા તમામ લોકોની ભૂમિકા અંગે તપાસ આગળ વધી રહી છે.

આ પણ વાંચો:બનાસકાંઠામાં પ્રિ-મોન્સુન કામગીરી 'પાણીમાં'! : 4 દિવસથી રસ્તા બંધ... રહેણાંક વિસ્તારોમાં હજુ પણ પાણી, તેલનું ટેન્કર પલટ્યું

ડિજિટલ પુરાવા અને અન્ય બ્રાન્ચોની પણ તપાસ

તપાસના ભાગરૂપે પોલીસે સેફ વોલ્ટમાંથી ડીવીઆર, ડિજિટલ રજિસ્ટર, લોકર ખોલવા અથવા તોડવા માટે ઉપયોગમાં લેવાયેલા સાધનો સહિતના પુરાવા કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ફોરેન્સિક અને ટેકનિકલ તપાસ દ્વારા લોકરો ક્યારે અને કેવી રીતે ખોલવામાં આવ્યા તેની માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત વરાછા સહિત નક્ષત્ર સેફ હાઉસની અન્ય બ્રાન્ચોમાં પણ આ જ પ્રકારનું કોઈ કાવતરું અમલમાં મૂકાયું હતું કે નહીં તે અંગે વિશેષ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ તમામ લોકરધારકોની ફરિયાદો અને ઉપલબ્ધ રેકોર્ડની ચકાસણી કરી રહી છે.

આ સમગ્ર ઘટનાએ ખાનગી લોકર સેવાઓની સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. મોટી સંખ્યામાં ગ્રાહકો હવે પોતાના કિંમતી દાગીના અને રોકડ ખાનગી સેફ વોલ્ટમાં રાખવાની સુરક્ષા અંગે સવાલો ઉઠાવી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે તપાસને આધારે જો અન્ય કોઈ લોકરમાંથી પણ ચોરી થયાના પુરાવા મળશે તો તે મુજબ વધુ ગુનાઓ નોંધવામાં આવશે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now