Home Gujarat Surat Surat Khadi Flood Survey Hydrology Model Report 2026

સુરતમાં ખાડી પૂર બાદ તંત્ર હરકતમાં : શહેરની તમામ ખાડીઓનો થશે વૈજ્ઞાનિક સર્વે, પાંચ દિવસમાં પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરવાની સૂચના

સુરતમાં પૂર બાદ ખાડી વિસ્તારનો હાઇડ્રોલોજી સર્વે અને પૂર નિયંત્રણ માટે યોજાયેલી બેઠક
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 27, 2026, 05:07 PM IST

સુરત: તાજેતરમાં સુરત શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ સર્જાયેલી ખાડી પૂર જેવી ગંભીર પરિસ્થિતિને પગલે સુરત મહાનગરપાલિકા હવે લાંબા ગાળાના અને વૈજ્ઞાનિક ઉકેલ તરફ આગળ વધી છે. શહેરમાં પાણી ભરાવાની સમસ્યા, ખાડીઓ પર થયેલા દબાણ અને કુદરતી પાણીના વહેણમાં આવેલા અવરોધોની વિસ્તૃત તપાસ કરવા માટે આજે મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે ખાડી પૂર નિવારણ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત તપાસ સમિતિના ચેરમેન, સમિતિના સભ્યો, મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન સુરતમાં વરસાદ દરમિયાન સર્જાયેલી પરિસ્થિતિ, શહેરમાંથી પસાર થતી ખાડીઓની હાલની સ્થિતિ, વિવિધ વિકાસ પ્રોજેક્ટોના કારણે પાણીના કુદરતી પ્રવાહમાં આવેલા ફેરફારો અને ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટેના લાંબા ગાળાના આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને શહેરની તમામ મુખ્ય અને ગૌણ ખાડીઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરીને તેમના મૂળ વહેણને સમજવા અને જરૂરી સુધારાત્મક કામગીરી માટે માર્ગ તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હાઇડ્રોલોજી મોડેલ આધારે થશે વૈજ્ઞાનિક અભ્યાસ

બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે સુરત શહેરમાંથી પસાર થતી તમામ ખાડીઓ અને પાણીના કુદરતી માર્ગોનો હાઇડ્રોલોજી મોડેલના આધારે અભ્યાસ કરવામાં આવશે. વરસાદી પાણીના પ્રવાહ, પાણીની દિશા, પાણીના સંગ્રહની ક્ષમતા, અવરોધો અને પૂરની સંભાવનાઓ જેવા તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ટેક્નિકલ સ્ટડી હાથ ધરાશે. આ અભ્યાસના આધારે ભવિષ્યમાં શહેર માટે એક વૈજ્ઞાનિક અને વ્યવહારુ ડ્રેનેજ મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવશે, જેથી ભારે વરસાદની સ્થિતિમાં પાણી ભરાવાની સમસ્યા ઘટાડવામાં મદદ મળી શકે.

કન્સલ્ટન્ટને સોંપાઈ સમગ્ર પ્રોજેક્ટની જવાબદારી

સમગ્ર કામગીરી માટે વિશેષ કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે. આ કન્સલ્ટન્ટ શહેરની તમામ માહિતી એકત્રિત કરીને ટેક્નિકલ અભ્યાસ કરશે અને જરૂરી ભલામણો સાથે સંપૂર્ણ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરશે.

અધિકારીઓએ જણાવ્યું કે પ્રાથમિક કામગીરી તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી છે. જોકે હાલમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિને કારણે મેદાની સર્વે શક્ય નથી. આગામી બે થી ત્રણ દિવસમાં હવામાન સામાન્ય બનતા જ સર્વે ટીમો સ્થળ પર જઈને વિગતવાર નિરીક્ષણ શરૂ કરશે.

વિવિધ એજન્સીઓ પાસેથી એકત્રિત કરાશે મહત્વની માહિતી

બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે માત્ર મહાનગરપાલિકાના ડેટા પર આધાર રાખવાને બદલે શહેરમાં કામ કરતી તમામ સરકારી અને અર્ધસરકારી એજન્સીઓ પાસેથી પણ જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવશે.

તે માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI), ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન (DFCC), એક્સપ્રેસ-વે ઓથોરિટી, સિંચાઈ વિભાગ, GETCO સહિત અનેક વિભાગો પાસેથી તેમના પ્રોજેક્ટ, ડ્રેનેજ સ્ટ્રક્ચર, કલ્વર્ટ, બ્રિજ અને પાણીના માર્ગોની માહિતી મેળવવામાં આવશે. આ ઉપરાંત મહાનગરપાલિકાના રોડ, ડ્રેનેજ, ટાઉન પ્લાનિંગ, પાણી પુરવઠા, સ્ટોર્મ વોટર, એસ્ટેટ, એન્જિનિયરિંગ અને અન્ય સંબંધિત વિભાગો પણ પોતાની તમામ માહિતી કન્સલ્ટન્ટને ઉપલબ્ધ કરાવશે.

આ પણ વાંચો: રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી પરિવારનો સામૂહિક જીવન ટૂંકાવવાનો પ્રયાસ : નિવૃત્ત PWD કર્મચારીના પત્નીનું મોત, પિતા-પુત્ર હોસ્પિટલમાં

એરપોર્ટ, પોલીસ અને રેવન્યુ વિભાગ સાથે પણ રહેશે સંકલન

ખાડી વિસ્તાર અને પાણીના વહેણના અભ્યાસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વિશેષ પરવાનગીઓની જરૂર પડશે. તેને ધ્યાનમાં રાખીને એરપોર્ટ ઓથોરિટી, પોલીસ વિભાગ, જિલ્લા રેવન્યુ તંત્ર તેમજ અન્ય સરકારી સંસ્થાઓ સાથે સંકલન સાધીને જરૂરી મંજૂરી મેળવવાની કામગીરી પણ હાથ ધરાશે. તપાસ દરમિયાન શહેર તેમજ જિલ્લાના તમામ સરકારી તળાવો, જળાશયો, નહેરો, વરસાદી પાણીના સંગ્રહ વિસ્તારો અને કુદરતી પાણીના સ્ત્રોતોની વિગતો પણ અભ્યાસમાં સામેલ કરવામાં આવશે.

પાંચ દિવસમાં રજૂ થશે પ્રાથમિક રિપોર્ટ

બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત તપાસ સમિતિએ તમામ સંબંધિત વિભાગોને સૂચના આપી છે કે ઉપલબ્ધ માહિતી ઝડપથી કન્સલ્ટન્ટને ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી આગામી પાંચ દિવસની અંદર પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરી શકાય. આ પ્રાથમિક રિપોર્ટના આધારે કયા વિસ્તારોમાં સૌથી વધુ જોખમ છે, ક્યાં પાણીના કુદરતી વહેણમાં અવરોધ ઉભા થયા છે, ક્યાં ડ્રેનેજ ક્ષમતા વધારવાની જરૂર છે અને ક્યાં માળખાકીય ફેરફારો કરવાની આવશ્યકતા છે તેની સ્પષ્ટ રૂપરેખા તૈયાર થશે.

ખાડીઓ પરના દબાણની પણ થશે તપાસ

તાજેતરના પૂર બાદ સૌથી મહત્વપૂર્ણ મુદ્દો શહેરની ખાડીઓ પર વધતા દબાણનો રહ્યો છે. અનેક સ્થળોએ શહેરી વિકાસ, રસ્તા, હાઉસિંગ પ્રોજેક્ટ, ઔદ્યોગિક વિસ્તારો અને અન્ય બાંધકામોને કારણે કુદરતી પાણીના માર્ગો સંકુચિત થયા હોવાના પ્રશ્નો ઊભા થયા છે. આથી હવે માત્ર પાણી ભરાવાના કારણોની જ નહીં પરંતુ ખાડીઓ પર થયેલા દબાણ, ગેરકાયદેસર અવરોધો, કુદરતી પ્રવાહમાં આવેલા ફેરફારો અને ભવિષ્યમાં તેની અસર અંગે પણ વિગતવાર સર્વે હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો:
બિહાર સરકારનો મોટો નિર્ણય : NEET આંદોલનકારી વિદ્યાર્થીઓ સામેના તમામ કેસ પાછા ખેંચાશે, જેલમાં બંધ પ્રદર્શનકારીઓ થશે મુક્ત

લાંબા ગાળાની પૂર વ્યવસ્થાપન યોજના બનશે

અધિકારીઓના જણાવ્યા મુજબ આ અભ્યાસ માત્ર તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે નહીં પરંતુ આગામી વર્ષોમાં સુરત શહેર માટે આધુનિક અને વૈજ્ઞાનિક પૂર વ્યવસ્થાપન યોજના તૈયાર કરવાનો મહત્વપૂર્ણ આધાર બનશે. શહેરમાં ઝડપી શહેરીકરણ, વધતી વસતિ, મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અને બદલાતી વરસાદી પેટર્નને ધ્યાનમાં રાખીને હવે ડેટા આધારિત આયોજન પર ભાર મૂકવામાં આવશે. હાઇડ્રોલોજી મોડેલના આધારે તૈયાર થનારા અભ્યાસથી ભવિષ્યમાં ડ્રેનેજ નેટવર્ક, ખાડીઓના પુનઃવિકાસ, વરસાદી પાણીના સંચાલન અને પૂર નિવારણ માટે અસરકારક નિર્ણયો લેવામાં તંત્રને મદદ મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now