Home Gujarat Gujarat Land Allotment Collector Ddo Powers Increased

'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ'ને વધુ વેગ : સરકારી જમીન ફાળવણી માટે કલેક્ટર અને DDOની સત્તામાં મોટો વધારો

cm bhupendra patel
Published by: Chintan Chavda
Last Updated: Jul 28, 2026, 08:23 AM IST

ગુજરાતમાં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વધુ પ્રોત્સાહન આપવા અને વહીવટી પ્રક્રિયાને વધુ સરળ તથા ઝડપી બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ઔદ્યોગિક પ્રોજેક્ટ, સામાજિક અને જાહેર હેતુઓ તેમજ ગ્રામીણ વિકાસના કામોમાં ઝડપ લાવવા માટે હવે જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO)ની સરકારી જમીન ફાળવણી સંબંધિત નાણાકીય સત્તામર્યાદામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી સરકારી જમીન ફાળવણીના અનેક કેસો માટે ગાંધીનગર સુધી ફાઇલ મોકલવાની જરૂરિયાત ઘટશે. પરિણામે જિલ્લા કક્ષાએ જ નિર્ણયો ઝડપી લેવાઈ શકશે અને વિવિધ સરકારી તેમજ વિકાસલક્ષી પ્રોજેક્ટને સમયસર મંજૂરી મળી શકશે.

આ પણ વાંચો: સુરતમાં નક્ષત્ર સેફ હાઉસ કૌભાંડ : ₹2.67 કરોડના 206 તોલા સોનાના દાગીના ગાયબ, સંચાલક પિતા-પુત્ર સહિત 4 સામે ગુનો; ત્રણની ધરપકડ

જિલ્લા કક્ષાએ નિર્ણય લેવાથી પ્રક્રિયા બનશે સરળ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં વહીવટી પ્રક્રિયામાં સુધારા અને સરળીકરણ પર સતત ભાર મૂક્યો છે. હવે સરકારી જમીનની ફાળવણી સંબંધિત અનેક કેસોમાં જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને વધુ સત્તા આપવામાં આવતા નિર્ણય પ્રક્રિયામાં ઝડપ આવશે.

સરકારનું માનવું છે કે જિલ્લા કક્ષાએ જમીનના રેકોર્ડ, સ્થળની સ્થિતિ અને સ્થાનિક માહિતી સરળતાથી ઉપલબ્ધ હોવાથી નિર્ણય લેવામાં ઓછો સમય લાગશે. પરિણામે સરકારી યોજનાઓ, ઔદ્યોગિક રોકાણ અને જાહેર હેતુના પ્રોજેક્ટમાં વિલંબ ઘટશે.

જિલ્લા કલેક્ટરોની સત્તામાં થયો આ વધારો

  • નવા નિર્ણય મુજબ જિલ્લા કલેક્ટરોને વિવિધ પ્રકારની જમીન ફાળવણીમાં વધારેલી નાણાકીય સત્તા આપવામાં આવી છે.

  • રાજ્ય સરકારના બોર્ડ અને કોર્પોરેશનને બે હેક્ટર સુધીની જમીન ફાળવણી માટે કલેક્ટરની સત્તા રૂ. 15 લાખથી વધારીને રૂ. 1 કરોડ કરવામાં આવી છે.

  • કેન્દ્ર સરકારના વિભાગોને જાહેર હેતુ માટે એક હેક્ટર સુધીની જમીન ફાળવણી માટે સત્તામર્યાદા રૂ. 15 લાખથી વધારીને રૂ. 50 લાખ કરવામાં આવી છે.

  • સરકારી કર્મચારીઓ તથા વ્યક્તિગત રહેણાંક હેતુ માટે જમીન ફાળવણીની સત્તા રૂ. 1 લાખથી વધારીને રૂ. 20 લાખ કરવામાં આવી છે.

  • સહકારી ગૃહ નિર્માણ મંડળીઓને જમીન ફાળવણી માટેની સત્તામર્યાદા રૂ. 6 લાખથી વધારીને રૂ. 50 લાખ કરવામાં આવી છે.

  • વ્યાપારિક હેતુ માટે હરાજી દ્વારા જમીન ફાળવણીની સત્તા રૂ. 1 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવામાં આવી છે.

  • સહકારી ગોડાઉન અને અન્ય સંસ્થાઓ માટે જમીન ફાળવણીની સત્તામર્યાદા રૂ. 3 લાખથી વધારીને રૂ. 15 લાખ કરવામાં આવી છે.


    આ પણ વાંચો: બનાસકાંઠામાં પ્રિ-મોન્સુન કામગીરી 'પાણીમાં'! : 4 દિવસથી રસ્તા બંધ... રહેણાંક વિસ્તારોમાં હજુ પણ પાણી, તેલનું ટેન્કર પલટ્યું

જિલ્લા વિકાસ અધિકારીઓને પણ વધુ સત્તા

  • ગામતળના પ્લોટ ફાળવણી સંબંધિત મામલાઓમાં જિલ્લા વિકાસ અધિકારીઓની સત્તામાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.

  • વ્યક્તિગત રહેણાંક માટે ગામતળ પ્લોટ ફાળવણીની સત્તા રૂ. 20 હજારથી વધારીને રૂ. 1 લાખ કરવામાં આવી છે.

  • સહકારી ગૃહ નિર્માણ મંડળીઓ માટેની સત્તા રૂ. 1.5 લાખથી વધારીને રૂ. 7.5 લાખ કરવામાં આવી છે.

  • દૂધ મંડળીઓ, સહકારી ગોડાઉન અને ગ્રામિણ ગ્રીડ માટેની સત્તા રૂ. 20 હજારથી વધારીને રૂ. 1 લાખ કરવામાં આવી છે.

વિકાસ કાર્યો અને રોજગારીને મળશે વેગ

સરકારના જણાવ્યા મુજબ આ નિર્ણયથી સરકારી પ્રોજેક્ટ, ઔદ્યોગિક રોકાણ, જાહેર ઉપયોગના વિકાસ કાર્યો અને સામાજિક હેતુના પ્રોજેક્ટ માટે જમીન ફાળવણીની પ્રક્રિયા વધુ ઝડપી બનશે. સમયસર જમીન ઉપલબ્ધ થતાં વિકાસ કાર્યોમાં ગતિ આવશે અને નવા રોકાણ તથા રોજગારીની તકોમાં વધારો થવાની અપેક્ષા છે.

આ ઉપરાંત સરકારી જમીનની કબજાકિંમત અથવા પ્રીમિયમની રકમ પણ વહેલી તકે સરકારી તિજોરીમાં જમા થશે, જેના કારણે આવકમાં વધારો થશે.

આ પણ વાંચો: અમદાવાદના દરિયાપુરમાં ત્રણ માળનું મકાન ધરાશાયી : વૃદ્ધાનું મોત; 1 યુવક ઇજાગ્રસ્ત

અરજદારોને ગાંધીનગર સુધી ધક્કા નહીં

આ નિર્ણયનો સૌથી મોટો લાભ અરજદારોને મળશે. અગાઉ અનેક કેસોમાં મંજૂરી માટે ગાંધીનગર સુધી ફાઇલ મોકલવી પડતી હતી, જેના કારણે પ્રક્રિયામાં સમય લાગતો હતો. હવે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓ પાસે જ નિર્ણય લેવાની સત્તા હોવાથી અરજદાર સંસ્થાઓ, વિભાગો અને નાગરિકો જિલ્લા કક્ષાએ જ ફોલોઅપ કરી શકશે.

આ સાથે રાજ્ય સરકારના બોર્ડ, કોર્પોરેશન અને ભારત સરકારના વિભાગોને જમીન ફાળવણી બાદ જો 90 દિવસમાં કબજાકિંમત અથવા પ્રીમિયમની રકમ જમા ન થાય તો જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિની ત્રણ વર્ષની મુદત પૂર્ણ થાય ત્યાં સુધી સમયવધારો આપવાની સત્તા પણ હવે જિલ્લા કલેક્ટરને આપવામાં આવી છે. સરકારનું માનવું છે કે આ નિર્ણયથી ફાઇલોના પુનરાવર્તન અને બિનજરૂરી વહીવટી પ્રક્રિયામાં ઘટાડો થશે.

આ નિર્ણય રાજ્યમાં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વધુ મજબૂત બનાવવાની સાથે વિકાસલક્ષી પ્રોજેક્ટને ઝડપી અમલીકરણમાં મદદરૂપ બનશે તેવી રાજ્ય સરકારને આશા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now