Home Gujarat Junagadh Ward 3 By Election Voting Started

12 વર્ષ બાદ જૂનાગઢ મનપા વોર્ડ-3ની પેટાચૂંટણી માટે મતદાન શરૂ : 13 હજારથી વધુ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ

મતદાન મથક પર પોલીસ અધિકારીઓ
Published by: Chintan Chavda
Last Updated: Jul 28, 2026, 08:51 AM IST

જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર-3ની પેટાચૂંટણી માટે આજે વહેલી સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે. આશરે 12 વર્ષ બાદ આ વોર્ડમાં ચૂંટણી યોજાઈ રહી હોવાથી મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂંટણી માટે કુલ 18 મતદાન મથકો પર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જ્યારે સમગ્ર પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ચૂંટણી તંત્રના જણાવ્યા અનુસાર વોર્ડમાં અંદાજે 13 હજારથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સવારથી જ વિવિધ મતદાન મથકો પર મતદારોની અવરજવર શરૂ થઈ હતી. ચૂંટણી અધિકારીઓ દ્વારા મતદાન પ્રક્રિયા સરળ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદના દરિયાપુરમાં ત્રણ માળનું મકાન ધરાશાયી : વૃદ્ધાનું મોત; 1 યુવક ઇજાગ્રસ્ત

ત્રિપાંખિયો ચૂંટણી જંગ

આ પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો મુકાબલો જોવા મળી રહ્યો છે. ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ છેલ્લા કેટલાક દિવસોથી પ્રચાર અભિયાન ચલાવ્યું હતું અને હવે મતદારોનો ચુકાદો ઈવીએમમાં કેદ થઈ રહ્યો છે. મતગણતરી 30 જુલાઈના રોજ હાથ ધરાશે, ત્યારબાદ પરિણામ જાહેર કરવામાં આવશે.

વોર્ડમાં લાંબા સમય બાદ ચૂંટણી યોજાઈ રહી હોવાથી રાજકીય પક્ષો માટે પણ આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની છે. મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ ઉપરાંત ચૂંટણી અધિકારીઓ સતત દેખરેખ રાખી રહ્યા છે.

આ પણ વાંચો: બનાસકાંઠામાં પ્રિ-મોન્સુન કામગીરી 'પાણીમાં'! : 4 દિવસથી રસ્તા બંધ... રહેણાંક વિસ્તારોમાં હજુ પણ પાણી, તેલનું ટેન્કર પલટ્યું

ભાજપ ઉમેદવાર અકરમ કુરેશીની અપીલ

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અકરમ ઇબ્રાહિમભાઈ કુરેશીએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ તમામ મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી.

તેમણે જણાવ્યું હતું, "મેં આજે મારું મતદાન કર્યું છે. હું તમામ મતદારોને અપીલ કરું છું કે તેઓ ઉત્સાહપૂર્વક મતદાન કરવા આવે. મતદાન દરેક નાગરિકનો લોકશાહી અધિકાર છે અને દરેકે તેનો ઉપયોગ કરવો જોઈએ. આ ચૂંટણીમાં ત્રિપાંખિયો મુકાબલો છે, પરંતુ અમને વિશ્વાસ છે કે 30 જુલાઈએ આવનારા પરિણામમાં ભાજપને બહુમતી મળશે. લગભગ 12 વર્ષ બાદ આ ચૂંટણી યોજાઈ રહી છે અને અમને વિશ્વાસ છે કે વિકાસના કામોને ધ્યાનમાં રાખીને જનતા અમને સમર્થન આપશે."

હાલ સમગ્ર વોર્ડમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન ચાલી રહ્યું છે અને સાંજ સુધી સારો મતદાન નોંધાય તેવી ચૂંટણી તંત્રને આશા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now