Junagadh Leopard Attack: જૂનાગઢ જિલ્લાના ગીર સરહદી વિસ્તારમાં આવેલા જાંબુડી ગામમાં દીપડાનો વધતો આતંક હવે ગ્રામજનો માટે ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે. છેલ્લા કેટલાક મહિનાથી ગામ અને આસપાસના વિસ્તારોમાં દીપડાની સતત અવરજવર જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતો, પશુપાલકો અને સ્થાનિક રહેવાસીઓ સતત ભયના માહોલમાં જીવન જીવી રહ્યા છે. છેલ્લા માત્ર 10 દિવસમાં જ દીપડાએ ત્રણ અલગ-અલગ વ્યક્તિઓ પર હુમલો કરીને ઇજાગ્રસ્ત કર્યા હોવાના બનાવો સામે આવ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. ચોમાસાની ઋતુ શરૂ થતાં જ ખેતરોમાં કામકાજ વધ્યું છે, પરંતુ જાંબુડીના ખેડૂતો માટે ખેતી કરતાં પહેલાં પોતાના જીવની ચિંતા વધુ સતાવી રહી છે. ગામલોકોનો આરોપ છે કે દીપડાનો ત્રાસ છેલ્લા છ મહિનાથી સતત વધી રહ્યો છે, છતાં વન વિભાગ તરફથી કાયમી ઉકેલ માટે અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. પરિણામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
છેલ્લા છ મહિનાથી વધી રહ્યો છે દીપડાનો આતંક
સ્થાનિકોના જણાવ્યા મુજબ, જાંબુડી અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા છ મહિનાથી દીપડાની સતત અવરજવર જોવા મળી રહી છે. દિવસ હોય કે રાત, દીપડાના ભયને કારણે લોકો એકલા બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. ગામમાં માત્ર માનવ પર હુમલાના બનાવો જ નહીં, પરંતુ પશુઓ પર પણ વારંવાર હુમલાની ઘટનાઓ બનતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જેના કારણે ગ્રામજનોમાં અસુરક્ષાની લાગણી વધુ ગાઢ બની છે.
10 દિવસમાં ત્રણ લોકો પર હુમલો
ગામલોકોના જણાવ્યા અનુસાર, છેલ્લા દસ દિવસ દરમિયાન દીપડાએ ત્રણ વ્યક્તિઓ પર હુમલો કર્યો છે. સદનસીબે તમામ ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી ગઈ હતી, પરંતુ સતત બની રહેલી આવી ઘટનાઓથી લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિકોનું કહેવું છે કે, હવે બાળકોને એકલા બહાર મોકલવા અને મહિલાઓને ખેતરોમાં કામ કરવા માટે પણ ડર લાગી રહ્યો છે.
આ પણ વાંચો: સુરતમાં સલૂનની આડમાં દેહવ્યાપારનો પર્દાફાશ : એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો દરોડો, 4 મહિલાઓનું રેસ્ક્યુ
ઘરની સુરક્ષા દિવાલ પણ દીપડાને રોકી શકી નહીં
સ્થાનિકોએ દાવો કર્યો છે કે અગાઉ પણ દીપડો ઊંચી સુરક્ષા દિવાલ કૂદીને રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો અને એક વૃદ્ધા પર હુમલો કર્યો હતો. આવી ઘટનાઓ બાદ ગ્રામજનોમાં વધુ ગભરાટ ફેલાયો છે. લોકોનું કહેવું છે કે, હવે દીપડાનો ખતરો માત્ર જંગલ પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ તે સીધો રહેણાંક વિસ્તારો સુધી પહોંચી ગયો છે.
વન વિભાગ સામે ગ્રામજનોમાં રોષ
ગામના લોકોનો આક્ષેપ છે કે વન વિભાગ દ્વારા પાંજરા મૂકવામાં આવ્યા હોવા છતાં દીપડાને પકડવામાં સફળતા મળી નથી. ઘણા દિવસોથી પ્રયાસો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. ગ્રામજનોનું કહેવું છે કે, જો વિસ્તારમાં અનેક દીપડાઓની અવરજવર છે, તો વન વિભાગે વધારાની ટીમો તૈનાત કરીને લોકોને સુરક્ષા આપવી જોઈએ.
સરપંચે તાત્કાલિક કાર્યવાહી કરવાની કરી માંગ
જાંબુડી ગામના સરપંચ લાલજી કોટડીયાએ જણાવ્યું કે ગામમાં સતત વધી રહેલા દીપડાના આતંકને કારણે લોકોમાં ભારે ભય ફેલાયો છે. તેમણે વન વિભાગને તાત્કાલિક અસરકારક પગલાં લેવા અને દીપડાને પકડવા માટે વિશેષ કામગીરી હાથ ધરવાની માંગ કરી છે. સ્થાનિક રહેવાસી હરસુખ વનારે પણ જણાવ્યું કે, ખેડૂતો અને ગ્રામજનો સતત ભયમાં જીવન જીવી રહ્યા છે. તેઓએ વન વિભાગ પાસે કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.
ગ્રામજનોની મુખ્ય માંગ શું?
ગામલોકોની માંગ છે કે, વન વિભાગ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ વધારે, જરૂરી હોય ત્યાં વધુ પાંજરા ગોઠવે અને દીપડાની અવરજવરને રોકવા માટે વૈજ્ઞાનિક અને અસરકારક પગલાં ભરે. સાથે જ ગ્રામજનોની સુરક્ષા માટે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે જેથી લોકો નિર્ભય બની પોતાના દૈનિક કામકાજ કરી શકે.





