કચ્છ જિલ્લાના ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા એક વેપારીના અપહરણ અને કરોડો રૂપિયાની ખંડણી વસૂલવાના ચકચારી કેસમાં પૂર્વ કચ્છ પોલીસે મહત્વની સફળતા મેળવી છે. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં નોંધાયેલા આ કેસમાં પોલીસે અત્યાર સુધી કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીઓ હજુ ફરાર છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ સ્થળોએ શોધખોળ તેજ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, 21 જુલાઈ, 2026ના રોજ આરોપી જાવેદ સાયચા અને તેના સાગરિતોએ અગાઉથી કાવતરું ઘડી ટ્રાન્સપોર્ટ વેપારીને વિશ્વાસમાં લઈ કારમાં બેસાડ્યો હતો. ત્યારબાદ તેનું અપહરણ કરીને ગાંધીધામના સપનાનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં લઈ જવાયો હતો, જ્યાં તેને દોરડાથી બાંધી રાખી મારપીટ કરવામાં આવી હતી. આરોપીઓએ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપીને મોટી રકમની ખંડણીની માંગણી કરી હતી.
દુબઈમાં રહેલા ભાઈને વીડિયો કોલ કરીને ધમકી
તપાસ દરમિયાન સામે આવેલી વિગતો અનુસાર આરોપીઓએ વેપારીના દુબઈમાં રહેતા ભાઈનો વીડિયો કોલ કરાવી અપહરણ કરાયેલા વેપારીને મારી નાખવાની ધમકી આપી હતી. પરિવાર પર દબાણ ઊભું કરવા માટે આ સમગ્ર ઘટનાનું જીવંત દૃશ્ય બતાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આરોપીઓએ ક્રિપ્ટો કરન્સી મારફતે કુલ 5,84,500 USDT પોતાના નિયંત્રણ હેઠળના વૉલેટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, આ રકમની ભારતીય કિંમત અંદાજે ₹5.55 કરોડ થાય છે.
આ કેસમાં ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ કરીને ખંડણી વસૂલવામાં આવતાં તપાસને વધુ ટેક્નિકલ બનાવવાની જરૂર પડી હતી. પોલીસે ડિજિટલ ટ્રાન્ઝેક્શન, મોબાઇલ ડેટા અને અન્ય ટેક્નિકલ પુરાવાઓના આધારે તપાસને આગળ વધારી હતી.
આ પણ વાંચો: બનાસકાંઠામાં પ્રિ-મોન્સુન કામગીરી 'પાણીમાં'! : 4 દિવસથી રસ્તા બંધ... રહેણાંક વિસ્તારોમાં હજુ પણ પાણી, તેલનું ટેન્કર પલટ્યું
10 વિશેષ ટીમો બનાવી હાથ ધરાઈ તપાસ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરહદી રેન્જના આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીની દેખરેખમાં એલસીબી, એસઓજી, નેટ્રમ તથા ગાંધીધામ એ-ડિવિઝન પોલીસની કુલ 10 વિશેષ ટીમો બનાવવામાં આવી હતી.
આ ટીમોએ ટેક્નિકલ સર્વેલન્સ, મોબાઇલ લોકેશન, કોલ ડિટેઇલ રેકોર્ડ, સીસીટીવી ફૂટેજ તેમજ માનવ બાતમીદારોની મદદથી અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસની સંકલિત કામગીરીના પરિણામે કેસનો ટૂંકા સમયમાં ભેદ ઉકેલવામાં સફળતા મળી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
આ પણ વાંચો: સુરતમાં નક્ષત્ર સેફ હાઉસ કૌભાંડ : ₹2.67 કરોડના 206 તોલા સોનાના દાગીના ગાયબ, સંચાલક પિતા-પુત્ર સહિત 4 સામે ગુનો; ત્રણની ધરપકડ
7 આરોપીઓ ઝડપાયા, 3 હજુ ફરાર
પોલીસે આ કેસમાં હર્ષ સદાદપુરી, રાજ ધનવાણી, ઇબ્રાહિમ બુચડ, હુસેન બુચડ, શબીર સાયચા, લક્ષ્મણ હેમનાણી અને સચીન આનંદાની સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે.
જ્યારે મુખ્ય સૂત્રધાર જાવેદ સાયચા ઉપરાંત રિઝવાન ખીચા અને સોહિલ બુચડ હજુ ફરાર છે. તેમની ધરપકડ માટે સતત કાર્યવાહી ચાલુ હોવાનું પૂર્વ કચ્છ પોલીસે જણાવ્યું છે.
આ પણ વાંચો: 'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ'ને વધુ વેગ : સરકારી જમીન ફાળવણી માટે કલેક્ટર અને DDOની સત્તામાં મોટો વધારો
મોબાઇલ ફોન અને રોકડ રકમ કબજે
આ કાર્યવાહી દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી કુલ 11 મોબાઇલ ફોન તેમજ અંદાજે ₹9.68 લાખની રોકડ રકમ કબજે કરી છે. જપ્ત કરાયેલા મોબાઇલ ફોનની ફોરેન્સિક તપાસ કરીને ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન, સંચાર અને અન્ય ડિજિટલ પુરાવાઓ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે પકડાયેલા તેમજ ફરાર કેટલાક આરોપીઓ સામે અગાઉથી પ્રોહિબિશન, સાયબર ક્રાઇમ, ચોરી, પાઇપલાઇનને નુકસાન પહોંચાડવા સહિતના વિવિધ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આથી સમગ્ર ઘટનામાં સંગઠિત ગુનાહિત નેટવર્ક સંડોવાયેલ હોવાની દિશામાં પણ તપાસ આગળ વધી રહી છે.
પૂર્વ કચ્છ પોલીસે જણાવ્યું છે કે ફરાર આરોપીઓની શોધખોળ સતત ચાલુ છે અને તપાસ આગળ વધતા આ કેસમાં વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.





