Home Gujarat Mahisagar Balasinor Tsdf Plant Gpcb Closure Order

બાલાસિનોરના જમિયતપુરા TSDF પ્લાન્ટ પર GPCBની મોટી કાર્યવાહી : મર્યાદા કરતાં વધુ ઝેરી કચરો ઠાલવનાર પ્લાન્ટ બંધ કરવાનો આદેશ

જમિયતપુરા TSDF પ્લાન્ટ સામે કાર્યવાહી બાદ GPCB દ્વારા ક્લોઝર ઓર્ડર અમલમાં.
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 28, 2026, 10:39 AM IST

Mahisagar News: મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના જમિયતપુરા ખાતે આવેલી ટ્રીટમેન્ટ, સ્ટોરેજ એન્ડ ડિસ્પોઝલ ફેસિલિટી (TSDF) સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. GPCBએ મેસર્સ મૌર્ય એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડ સંચાલિત TSDF પ્લાન્ટ સામે ક્લોઝર ઓર્ડર ફરીથી અમલમાં મૂકતાં સુવિધા તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ MGVCLને પ્લાન્ટનો વીજ પુરવઠો તાત્કાલિક અસરથી કાપી નાખવા પણ સૂચના આપવામાં આવી છે. GPCB દ્વારા કરવામાં આવેલા તાજેતરના નિરીક્ષણ દરમિયાન પર્યાવરણ સુરક્ષા સંબંધિત અનેક ગંભીર અનિયમિતતાઓ સામે આવી હોવાનું જણાવાયું છે. ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન જોખમી કચરામાંથી નીકળતું દૂષિત પાણી અને લીચેટ યોગ્ય રીતે સંચાલિત ન થતાં તેની અસર આસપાસના ભૂગર્ભજળ અને ગામોના કૂવાના પાણી પર પડી હોવાનું નોંધાયું છે. નિરીક્ષણમાં કેટલાક વિસ્તારોમાં પ્રદૂષણની સ્થિતિ ચિંતાજનક હોવાનું પણ સામે આવ્યું છે.

મંજૂરી કરતાં વધુ જોખમી કચરો સ્વીકાર્યાનો ખુલાસો

GPCBના અહેવાલ મુજબ કંપનીને કુલ 4.85 લાખ મેટ્રિક ટન જોખમી કચરો સ્વીકારવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સુવિધા દ્વારા 5.40 લાખ મેટ્રિક ટનથી વધુ જોખમી કચરો સ્વીકારવામાં આવ્યો હતો. એટલે કે મંજૂરીની મર્યાદા કરતાં નોંધપાત્ર વધુ કચરો સ્વીકારી પર્યાવરણ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત લીચેટની યોગ્ય પ્રક્રિયા માટે જરૂરી એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ETP) તેમજ અન્ય પર્યાવરણ સુરક્ષા માટેના સાધનો પણ બંધ હાલતમાં મળી આવ્યા હતા. આ ગંભીર બેદરકારીને ધ્યાનમાં રાખીને GPCBએ કડક વલણ અપનાવ્યું છે. કંપનીને રૂ. 50 લાખની બેંક ગેરંટી જમા કરાવવા પણ આદેશ આપવામાં આવ્યો છે, જેથી ભવિષ્યમાં પર્યાવરણ સુરક્ષા સંબંધિત નિયમોનું પાલન સુનિશ્ચિત કરી શકાય.

સ્થાનિકોની વર્ષોથી ચાલી રહેલી લડતને મળી સફળતા

જમિયતપુરા ડમ્પિંગ સાઇટનો મુદ્દો છેલ્લા ઘણા વર્ષોથી સ્થાનિકો માટે ચિંતાનો વિષય રહ્યો હતો. પ્લાન્ટ સામે આસપાસના ગામોના લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી અને વિવિધ તબક્કે વિરોધ પ્રદર્શન તથા આંદોલનો પણ યોજાયા હતા. સ્થાનિકોનું કહેવું હતું કે પ્લાન્ટમાંથી થતા પ્રદૂષણને કારણે ખેતી, પશુપાલન અને પીવાના પાણી પર ગંભીર અસર થઈ રહી છે. આંદોલનમાં આસપાસના ગામોના સરપંચો, સ્થાનિક આગેવાનો અને વિવિધ સામાજિક સંસ્થાઓ પણ જોડાયા હતા. છેલ્લા કેટલાક સમયથી સતત વિરોધ વચ્ચે પ્રશાસન સમક્ષ અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી કે પ્લાન્ટ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

લાલ રંગનું કેમિકલયુક્ત પાણી બન્યું હતું ચિંતાનું કારણ

સ્થાનિકો દ્વારા વારંવાર એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આસપાસના ગામોમાં આવેલા કૂવા અને બોરવેલમાં લાલ રંગનું કેમિકલયુક્ત પાણી આવવા લાગ્યું હતું. જેના કારણે લોકોમાં આરોગ્ય અને પર્યાવરણને લઈને ભારે ચિંતા ફેલાઈ હતી. ગ્રામજનોએ આ મુદ્દે અનેક વખત તપાસની માંગણી કરી હતી અને દૂષિત પાણીના નમૂનાઓ પણ સંબંધિત તંત્રને સોંપ્યા હોવાના દાવા કરવામાં આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ખેતીની જમીન, ભૂગર્ભજળ અને પશુઓ પર પણ તેની અસર જોવા મળી રહી હતી. આ કારણોસર જમિયતપુરા ડમ્પિંગ સાઇટનો વિરોધ સતત ઉગ્ર બનતો ગયો હતો.

આ પણ વાંચો: "શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે ત્યાં સુધી..." : જામનગર આયુર્વેદ યુનિવર્સિટી પેપર લીક મામલે અમદાવાદમાં યુથ કોંગ્રેસ અને NSUIનો વિરોધ

યુવરાજસિંહ જાડેજાએ પણ કર્યો હતો વિરોધ

આ મુદ્દો માત્ર સ્થાનિકો પૂરતો મર્યાદિત રહ્યો ન હતો. થોડા સમય પહેલાં સામાજિક કાર્યકર યુવરાજસિંહ જાડેજાએ પણ સ્થળ પર પહોંચી આંદોલન કર્યું હતું અને પર્યાવરણને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. તેમના આંદોલન બાદ પણ આ મુદ્દો રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. હવે GPCB દ્વારા ક્લોઝર ઓર્ડર ફરીથી અમલમાં મુકાતા સ્થાનિકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. જોકે, પ્લાન્ટ ફરી શરૂ કરવા માટે કંપનીએ GPCB દ્વારા દર્શાવવામાં આવેલી તમામ ખામીઓ દૂર કરવી પડશે અને પર્યાવરણ સંબંધિત નિયમોનું સંપૂર્ણ પાલન કરવું પડશે. આગામી દિવસોમાં GPCB દ્વારા આ સમગ્ર મામલે વધુ દેખરેખ રાખવામાં આવશે તેવી શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now