Sabarkantha News: દેશભરમાં ઝડપથી વધી રહેલા સાયબર ગુનાઓ વચ્ચે સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસને આંતરરાજ્ય સ્તરે કાર્યરત એક મોટા સાયબર ફ્રોડ રેકેટનો ભેદ ઉકેલવામાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. સોશિયલ મીડિયા મારફતે વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીની ઉત્તરાખંડમાંથી ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આરોપી સામે દેશના 12 અલગ-અલગ રાજ્યોમાં કુલ 23 ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આકર્ષક વિદેશી નોકરીની જાહેરાતો મૂકીને નોકરી ઇચ્છુક લોકોનો સંપર્ક કરતો હતો. વિશ્વાસમાં લીધા બાદ પ્રોસેસિંગ ફી, વિઝા ચાર્જ, દસ્તાવેજ ચકાસણી અને અન્ય વિવિધ કારણોસર અલગ-અલગ બેંક ખાતાઓમાં રકમ ટ્રાન્સફર કરાવતો હતો. ત્યારબાદ સંપર્ક તોડી નાંખીને અરજદારો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી.
ફરિયાદીના ખાતામાંથી રૂ. 28.61 લાખ પડાવ્યા
સાબરકાંઠા જિલ્લામાં નોંધાયેલી ફરિયાદ અનુસાર આરોપીએ ફરિયાદીને વિદેશમાં નોકરી અપાવવાનું આશ્વાસન આપી વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ. 28,61,368 ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી હતી. ફરિયાદ મળ્યા બાદ સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસની ટીમે ટેક્નિકલ એનાલિસિસ, ડિજિટલ ફોરેન્સિક્સ અને બેંકિંગ ટ્રાન્ઝેક્શનના આધારે તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન મળેલા ડિજિટલ પુરાવા અને ટેક્નિકલ ઇનપુટના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી હતી. ત્યારબાદ ઉત્તરાખંડ રાજ્યના ઉધમસિંહનગર જિલ્લાના ગદરપુર તાલુકાના અજબાનગર વિસ્તારમાંથી આરોપી કુલદીપ આર્યની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
14 બેંક ખાતાઓનો ઉપયોગ, 12 રાજ્યોમાં 23 ફરિયાદો
પોલીસ તપાસમાં આરોપી દ્વારા ભારતીય સ્ટેટ બેંક (SBI), બેંક ઓફ બરોડા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને એક્સિસ બેંક સહિત કુલ 14 અલગ-અલગ બેંક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP)ના ડેટા મુજબ આ બેંક ખાતાઓ સામે દેશના 12 રાજ્યોમાં કુલ 23 ફરિયાદો નોંધાઈ છે. અત્યાર સુધીની વિગતો અનુસાર અંદાજે રૂ. 1,80,62,286થી વધુની સાયબર છેતરપિંડી આ ખાતાઓ મારફતે આચરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જોકે તપાસ હજુ ચાલુ હોવાથી આ આંકડો વધવાની પણ શક્યતા નકારી શકાય તેમ નથી.
મોબાઇલમાંથી મળેલી ચેટથી નવા ખુલાસા
પોલીસે આરોપીના મોબાઇલ ફોનની તપાસ દરમિયાન સોશિયલ મીડિયા અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર થયેલી અનેક ચેટ્સ પણ રિકવર કરી છે. તપાસ દરમિયાન એવી વિગતો પણ સામે આવી છે કે કેટલાક સંવાદોમાં રૂ. 100 કરોડ સુધીના કોર્પોરેટ બેંક એકાઉન્ટની માંગણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ચેટ્સના આધારે પોલીસે હવે માત્ર વ્યક્તિગત છેતરપિંડી જ નહીં પરંતુ કોઈ મોટા સંગઠિત સાયબર નેટવર્ક અથવા આંતરરાજ્ય ગેંગ સાથે આરોપીના સંબંધો છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
અન્ય આરોપીઓની સંડોવણીની પણ તપાસ
સાયબર ક્રાઇમ પોલીસ હાલ જે બેંક ખાતાઓમાં છેતરપિંડીની રકમ ટ્રાન્સફર થઈ હતી તે ખાતાઓને ફ્રીઝ કરવાની પ્રક્રિયા હાથ ધરી રહી છે. સાથે જ તેમાં રહેલી રકમ રિકવર કરવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ સમગ્ર કૌભાંડમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે, કેટલા વધુ લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે અને દેશના અન્ય રાજ્યોમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરવામાં આવી છે કે કેમ. ડિજિટલ પુરાવા, બેંક ટ્રેલ અને મોબાઇલ ડેટાના આધારે તપાસને વધુ વિસ્તૃત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: સંસદ કૂચ પહેલાં સરકારનું મોટું પગલું! : CJP સાથે શરૂ થઈ વાતચીત, હવે શું થશે આંદોલનનું આગળનું પગલું?
પોલીસની અપીલ
ડીવાયએસપી પાયલ સોમેશ્વરે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર વિદેશમાં નોકરી અપાવવાના દાવા કરતી અજાણી વ્યક્તિઓ અથવા એજન્સીઓ પર વિશ્વાસ કરતા પહેલાં તેમની સંપૂર્ણ ચકાસણી કરવી જરૂરી છે. કોઈપણ વ્યક્તિ નોકરીના નામે અગાઉથી રૂપિયા જમા કરાવવા કહે તો સાવચેતી રાખવી જોઈએ. શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત જ નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 અથવા નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર ફરિયાદ નોંધાવવી જોઈએ. આ કેસમાં પોલીસે વધુ પુરાવા એકત્ર કરવાની સાથે અન્ય સંભવિત આરોપીઓની ભૂમિકા અંગે પણ તપાસ તેજ કરી છે.






