Home National Cjp Talks Central Government Parliament March Jp Nadda Monsoon Session

સંસદ કૂચ પહેલાં સરકારનું મોટું પગલું! : CJP સાથે શરૂ થઈ વાતચીત, હવે શું થશે આંદોલનનું આગળનું પગલું?

CJP Talks
Image Credit: @the_hindu/x
Published by: Nirali Gohil
Last Updated: Jul 20, 2026, 07:07 AM IST

CJP Talks: નવી દિલ્હીમાં સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે રાજકીય હલચલ વચ્ચે કેન્દ્ર સરકારે Cockroach Janta Party (CJP)ના પ્રતિનિધિઓ સાથે વાતચીત શરૂ કરવાની પહેલ કરી છે. સંસદ તરફ કૂચ કરી રહેલા CJPના નેતાઓ અને સમર્થકોને ધ્યાનમાં રાખીને સરકાર તરફથી સંવાદનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને પક્ષો વચ્ચે વાતચીત દ્વારા સ્થિતિનો ઉકેલ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. CJP છેલ્લા કેટલાક સમયથી વિવિધ માંગણીઓને લઈને આંદોલન ચલાવી રહી છે. ચોમાસુ સત્રની શરૂઆત સાથે જ મોટી સંખ્યામાં કાર્યકરો અને યુવાનો સંસદ તરફ આગળ વધતા રાજધાની દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. આ દરમિયાન સરકાર અને CJP વચ્ચે ઉચ્ચ સ્તરની બેઠક અંગે પણ ચર્ચા તેજ બની છે.

સરકાર તરફથી વિવિધ સ્તરે વાતચીતનો પ્રયાસ

સૂત્રોના જણાવ્યા મુજબ નવી દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) સચિન શર્મા સરકાર તરફથી CJPના પ્રતિનિધિઓ સાથે સંપર્કમાં છે. શરૂઆતમાં CJPને જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) સાથે બેઠકનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ કેન્દ્ર સરકારના એક સચિવ અને પછી રાજ્યમંત્રી (Minister of State) સાથે ચર્ચાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો. જોકે CJPએ આ તમામ પ્રસ્તાવો સ્વીકાર્યા નહોતા. પક્ષનું કહેવું હતું કે તેમની માંગણીઓ પર ચર્ચા માત્ર વડાપ્રધાન અથવા કેન્દ્રીય કેબિનેટ મંત્રી સાથે જ થવી જોઈએ.

આ પણ વાંચો: જંતર-મંતરથી સંસદ કૂચ પહેલા દિલ્હીમાં હાઈ એલર્ટ! : ભારે બેરિકેડિંગ, 5 મેટ્રો સ્ટેશન બંધ; અનેક રસ્તાઓ પર ટ્રાફિક પ્રતિબંધ

CJPએ સોંપી કેબિનેટ મંત્રીઓની યાદી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે CJPએ DCP સમક્ષ એવા કેબિનેટ મંત્રીઓની યાદી રજૂ કરી છે, જેમની સાથે તેઓ સીધી ચર્ચા કરવા ઇચ્છે છે. આ પગલાને સરકાર અને આંદોલનકારી પક્ષ વચ્ચે ઉચ્ચ સ્તરની વાતચીત તરફના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. હાલ સરકાર તરફથી આ યાદી અથવા આગળની ચર્ચા અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

જે.પી. નડ્ડા સાથે બેઠકની શક્યતા

CJPના પ્રવક્તા સૌરવ દાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતાં જણાવ્યું કે, તેઓ અને આશુતોષ રંકા કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરશે. તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું કે, સવારે સરકાર તરફથી વાતચીત માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. સાથે જ તેમણે દાવો કર્યો કે તેમની માંગણીઓ સ્પષ્ટ છે અને મોટી સંખ્યામાં યુવાનો આંદોલનને સમર્થન આપવા માટે એકત્ર થયા છે.

આ પણ વાંચો: PM મોદી 1 ઓગસ્ટે કરશે ભોગાપુરમ એરપોર્ટનું ઉદ્ઘાટન : 4,750 કરોડનો ભવ્ય પ્રોજેક્ટ તૈયાર, જાણો મુસાફરોને શું મળશે ખાસ

સંસદ સત્ર વચ્ચે રાજકીય ઘટનાક્રમ પર નજર

ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ CJPના આંદોલન અને કેન્દ્ર સરકારની વાતચીતની પહેલને કારણે રાજકીય માહોલ ગરમાયો છે. એક તરફ સરકાર સંવાદ દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે બીજી તરફ CJP પોતાની માંગણીઓ પર અડગ હોવાનું જણાઈ રહ્યું છે. આગામી કલાકોમાં સરકાર અને CJP વચ્ચેની બેઠકનું શું પરિણામ આવે છે અને આંદોલન આગળ કઈ દિશામાં આગળ વધે છે તેના પર રાજકીય વર્તુળો તેમજ દેશભરની નજર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now