Russia-Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા સાડા ચાર વર્ષથી ચાલી રહેલું લોહિયાળ યુદ્ધ હવે એક અત્યંત ખતરનાક અને નિર્ણાયક તબક્કે પહોંચ્યું છે. યુક્રેનના પાટનગર કિવ પર તાજેતરમાં થયેલા વિનાશક હવાઈ હુમલા બાદ, રશિયાએ હવે સત્તાવાર રીતે કિવમાં 'ક્રમબદ્ધ અને આક્રમક' હુમલા કરવાની ખુલ્લી ધમકી આપી છે. રશિયન વિદેશ મંત્રાલયે એક ગંભીર નિવેદન જાહેર કરીને તમામ વિદેશી નાગરિકો અને ડિપ્લોમેટ્સ (રાજદ્વારીઓ) ને કિવ શહેર વહેલી તકે ખાલી કરી દેવા માટે અલ્ટિમેટમ આપ્યું છે.
રશિયાનો કડક સંદેશ: સરકારી ઈમારતોથી દૂર રહેવાની ચેતવણી
રશિયાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, હવે પછીના હુમલાઓ યુક્રેનના મુખ્ય 'ડિસિઝન-મેકિંગ સેન્ટર્સ' (નિર્ણય લેનારા કેન્દ્રો) પર કેન્દ્રિત હશે. આનો અર્થ એ છે કે રશિયન સેના હવે સીધી રીતે સરકારી કચેરીઓ, લશ્કરી કમાન્ડ પોસ્ટ્સ અને વ્યૂહાત્મક સંસ્થાઓને નિશાન બનાવશે. મોસ્કોએ સામાન્ય નાગરિકોને પણ આવી સંવેદનશીલ ઈમારતોથી દૂર રહેવાની સલાહ આપી છે. રશિયાનો દાવો છે કે આ હુમલાઓ યુક્રેન દ્વારા રશિયન પ્રદેશો પર કરવામાં આવેલા હુમલાઓનો જવાબ છે.
'ઓરેશ્નિક' મિસાઈલનો કાળો કેર
શનિવાર અને રવિવારની રાત્રે કિવ અને તેની આસપાસના વિસ્તારો રશિયાના સેંકડો ડ્રોન, બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઈલોના હુમલાથી ધ્રૂજી ઉઠ્યા હતા. આ હુમલાઓમાં રશિયાએ પોતાની સૌથી ઘાતક હાયપરસોનિક મિસાઈલ 'ઓરેશ્નિક' (Oreshnik) નો ઉપયોગ કર્યો હતો. કિવથી 90 કિમી દૂર બિલા ત્સેર્કવા વિસ્તારમાં થયેલા આ હુમલામાં યુક્રેનનું ચેર્નોબિલ મ્યુઝિયમ, નેશનલ આર્ટ મ્યુઝિયમ અને અનેક રહેણાંક વિસ્તારો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર, આ આક્રમણ અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
અમેરિકા અને રશિયા વચ્ચે ઉચ્ચ સ્તરીય ફોન કોલ
આ ગંભીર તણાવ વચ્ચે, સોમવારે મોડી સાંજે રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે ફોન પર વાતચીત કરી હતી. લાવરોવે રુબિયોને સ્પષ્ટ સૂચના આપી હતી કે અમેરિકાએ પોતાના તમામ રાજદ્વારીઓ અને સ્ટાફને કિવમાંથી તાત્કાલિક સુરક્ષિત બહાર કાઢી લેવા જોઈએ, કારણ કે આગામી દિવસોમાં રશિયાના હુમલા અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે. જોકે, પશ્ચિમી દેશોના અનેક રાજદ્વારી મિશનોએ આ ધમકીઓને નકારી કાઢતા કહ્યું છે કે તેઓ કિવ છોડવાના નથી.
આગળ શું?
આ પરિસ્થિતિ યુક્રેન માટે એક કપરો કાળ સાબિત થઈ રહી છે. એક તરફ રશિયા 'સિસ્ટેમેટિક સ્ટ્રાઈક'ની તૈયારી કરી રહ્યું છે, તો બીજી તરફ યુક્રેન પોતાની વાયુસેના અને એર ડિફેન્સ સિસ્ટમની મર્યાદાઓ વચ્ચે આ હુમલાઓને રોકવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. વૈશ્વિક સમુદાય આ સમગ્ર ઘટનાક્રમ પર બાજ નજર રાખી રહ્યો છે, કારણ કે હાયપરસોનિક મિસાઈલોનો વધતો ઉપયોગ યુદ્ધને પરમાણુ તણાવ તરફ ધકેલી રહ્યો હોય તેવી આશંકા સેવાઈ રહી છે.





