University : રશિયાની રાજધાની મોસ્કોમાં યૌઝા નદીના કિનારે આવેલી બૌમન સ્ટેટ ટેકનિકલ યુનિવર્સિટી બહારથી જોતાં કોઈ સામાન્ય પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજ જેવી જ લાગે છે. હમણાં જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ આ સંસ્થાની મુલાકાત લીધી હતી, જેને સરકારી મીડિયાએ વિજ્ઞાન અને સ્પેસ મિશન સાથે જોડીને પ્રદર્શિત કરી હતી. પરંતુ હાલમાં લીક થયેલા 2,000 થી વધુ ગુપ્ત ડોક્યુમેન્ટ્સ એ આ કોલેજનો એક એવો ચહેરો દુનિયા સામે મૂક્યો છે જે જોઈને પશ્ચિમી દેશોની ઊંઘ ઉડી ગઈ છે. અહીં શિક્ષણના નામે સાયબર યુદ્ધ અને જાસૂસીના પાઠ ભણાવવામાં આવે છે.
રહસ્યમયી વિભાગ 4 અને સેનાનું નિયંત્રણ
આ યુનિવર્સિટીની અંદર 'વિભાગ 4' (Department-4) કાર્યરત છે, જેનું સંચાલન સામાન્ય શિક્ષણ મંત્રાલય નહીં પણ રશિયાની ખતરનાક લશ્કરી ગુપ્તચર એજન્સી GRU કરે છે. આ વિભાગના વડા લેફ્ટનન્ટ કર્નલ કિરિલ સ્ટુપકોવ છે, જે પોતે 'સિગ્નલ ઇન્ટેલિજન્સ' ના નિષ્ણાત છે. અહીં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ સામાન્ય એન્જિનિયરો નથી હોતા, પરંતુ તેમને રશિયાના ભાવિ સાયબર સૈનિકો તરીકે તૈયાર કરવામાં આવે છે. આ વિભાગની દીવાલો પાછળ પ્રોફેસરોને બદલે સેનાના ઉચ્ચ અધિકારીઓ લેક્ચર લે છે અને દરેક વિદ્યાર્થીની પ્રગતિ પર નજર રાખે છે.
જેમ્સ બોન્ડ ફિલ્મોને ટક્કર આપે તેવા ગેજેટ્સ
આ જાસૂસી શાળામાં વિદ્યાર્થીઓને એવા ગેજેટ્સ ટ્રેનિંગ દરમિયાન આપવામાં આવે છે જે હોલીવુડની ફિલ્મોમાં પણ જોવા મળતા નથી. ઉદાહરણ તરીકે, અહીં એવા સ્મોક ડિટેક્ટર (ધુમાડો ઓળખવાનું યંત્ર) પર અભ્યાસ થાય છે જેમાં અદ્રશ્ય કેમેરા ફિટ કરેલા હોય છે. તે સિવાય એવી મોનિટર કેબલ બનાવતા શીખવવામાં આવે છે જે કમ્પ્યુટર સ્ક્રીનના સ્ક્રીનશોટ સતત લેતી રહે છે અને સામેની વ્યક્તિને ખબર પણ ન પડે તે રીતે ડેટા છુપાયેલી ફ્લેશ ડ્રાઇવમાં સેવ કરી દે છે. વિદ્યાર્થીઓને કીબોર્ડ અને સીપીયુ વચ્ચે નાના ઉપકરણો લગાવીને યુઝરના પાસવર્ડ ચોરવાની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવે છે.
હેકિંગ અને વાયરસ બનાવવાનો સઘન અભ્યાસક્રમ
આ સંસ્થામાં હેકિંગ એ કોઈ શોખ નથી પણ અભ્યાસક્રમનો અનિવાર્ય ભાગ છે. 144 કલાકના સઘન ટ્રેનિંગ મોડ્યુલમાં વિદ્યાર્થીઓને દુનિયાભરના સોફ્ટવેરની નબળાઈઓ શોધતા શીખવવામાં આવે છે. તેમને પાસવર્ડ ક્રેક કરવાની વિવિધ પદ્ધતિઓ અને અત્યંત ઘાતક 'ટ્રોજન' વાયરસ બનાવવાની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. આ કોર્સની સૌથી અઘરી અને મહત્વની પરીક્ષા એ છે કે વિદ્યાર્થીએ જાતે જ એક વર્કિંગ વાયરસ બનાવવો પડે છે અને કોઈ સુરક્ષિત સિસ્ટમમાં 'પેનિટ્રેશન ટેસ્ટ' એટલે કે સફળતાપૂર્વક ઘૂસણખોરી કરીને બતાવવી પડે છે.
માહિતી યુદ્ધ અને ચૂંટણીમાં ગોટાળાની તાલીમ
આ શાળાનો સૌથી વિવાદાસ્પદ હિસ્સો 'માહિતી યુદ્ધ' (Information Warfare) છે. અહીં વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે કે કેવી રીતે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ અને પ્રોપેગન્ડા ફેલાવીને બીજા દેશના લોકોની વિચારધારા બદલી શકાય છે. તેમાં ખાસ કરીને વિદેશી દેશોની સંસદને હેક કરવી અને ચૂંટણી પ્રક્રિયામાં ડિજિટલ માધ્યમથી ગરબડ કરવાની રણનીતિઓ સમજાવવામાં આવે છે. યુક્રેન યુદ્ધ જેવી સ્થિતિમાં રશિયાની વાતને સાચી સાબિત કરવા માટે ઓનલાઇન અફવાઓનું નેટવર્ક કેવી રીતે ઊભું કરવું, તેની પણ વિદ્યાર્થીઓને ખાસ તાલીમ અપાય છે.





